સુરતઃ હજીરામાં આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીમાં ગુરૂવારે થયેલી હિંસા બદલ 40 લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે. પોલીસે ગુરૂવારે હિંસાની ઘટનામાં સંડોવાયેલા લોકો સામે અલગ અલગ કલમો હેઠળ ગુના નોંધ્યા હતા. હવે આ હિંસામાં સંડોવાયેલા ઓળખાયેલા શખસો સામે હત્યાના પ્રયાસની કલમ પણ ઉમેરવામાં આવી છે.
બીજી તરફ લાર્સન એન્ડ ટુબ્રોના કર્મચારીઓએ સતત બીજા દિવસે પણ ઉગ્ર દેખાવો ચાલુ રાખ્યા હતા. લાર્સન એન્ડ ટુબ્રો પ્લાન્ટ સંકુલમાં શુક્રવારે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ દ્વારા ઉગ્ર દેખાવો કરાયા હતા. પ્લાન્ટની અંદર ગેટ નંબર 3 પાસે હજારોની સંખ્યામાં કર્મચારીઓ એકઠા થઈ ગયા હતા અને કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી.
લાર્સન એન્ડ ટુબ્રો કંપનીના લગભગ 2000 જેટલા કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને હાલમાં હજીરા ખાતે આર્સેલર મિત્તલ અને નિપ્પોન સ્ટીલ કંપનીમાં મૂકવામાં આવ્યા છે. કોન્ટ્રાક્ટ પર કામ કરતા લાર્સન એન્ડ ટુબ્રોના આ કામદારો અને કર્મચારીઓએ વધારે પગાર અને કામની સારી પરિસ્થિતીના માગ સાથે શરૂ કરેલા દેખાવો હિંસક બન્યા હતા. કામદારોએ ભારે તોડફોડ કરીને હિંસા આચરી હતી.
આ પ્રકારની ઘટના અન્ય પ્લાન્ટમાં ના બને એટલા માટે હજીરાના તમામ ઇન્ડસ્ટ્રિયલ યુનિટ પર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મોટા પ્રમાણમાં પોલીસનો કાફલો પણ ખડકી દેવાયો છે અને પોલીસ સુરક્ષા પર પૂરતું ધ્યાન આપી શકે એટલા માટે સુરતમાં યોજાનારી પોલીસ-કોન્ફરન્સ પણ રદ કરી દેવામાં આવી છે.
ગુરુવારની હિંસાના પગલે સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયો છે. લાર્સન એન્ડ ટુબ્રો પ્લાન્ટ સિવાય કેટલાંક સ્થળે કામદારો એકઠા થવા માંડચાં પોલીસે તેમને બળનો પ્રયોગ કરીને વિખેરી નાંખ્યા હતા. અંદાજે 50થી વધુ કોન્ટ્રેક્ટ કર્મચારીઓ લાર્સન એન્ડ ટુબ્રોના યુનિટની બહાર પણ એકઠા થયા હતા પણ પ્લાન્ટ પર પહેલેથી જ તૈનાત પોલીસે તમામ કર્મચારીઓને ત્યાંથી હટાવી દીધા હતા તેથી કશું અજુગતું બન્યું નહોતું.
કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે પોલીસે કામદારોનાં ઘરોમાં જઈને સઘન કોમ્બિંગ હાથ ધર્યું હતું. કોમ્બિંગમાં પોલીસને કશું વાંધાજનક ના મળતાં રાહતનો શ્વાસ લીધો હતો.