સુરતઃ સુરતના એક પરિવારે પોતાના સંતાનની નાગરિકતાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટના દ્વાર મદદ માટે ખખડાવ્યા છે. પોતાની અઢી વર્ષની દીકરીની નાગરિકતા અંગે પત્ની સાથેના વિવાદ વચ્ચે ચિંતા વ્યક્ત કરી છે. કારણ કે આ પુરૂષની પત્ની બેલ્જિયન છે. પત્ની પુત્રી સાથે પોતાના દેશ બેલ્જિયમમાં પરત ફરી ચૂકી છે. જેને લઈ હવે અરજદારે ચિંતા વ્યક્ત કરતા હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. અરજી કરનારે એવી શક્યતાઓ વ્યક્ત કરી છે કે, એમની દીકરી ત્યાં જઈ ભારતીય નાગરિકતાને ગુમાવી દેશે.
આખો કેસ આવો છે
બેલ્યિમની એક કોર્ટમાં પત્ની દ્વારા આ અંગે કાયદાકીય પગલાં લેવાયા હતા. 29 સપ્ટેમ્બરના રોજ આ અંગે આગળની કામગીરી થાય એવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. ગુજરાત હાઈકોર્ટ સામે સુરતના અરજીકર્તાએ રજૂઆત કરી હતી કે, તેઓ દિલ્હીમાં મળ્યા હતા અને પછી લગ્ન કર્યા હતા. વર્ષ 2023માં દીકરીનો જન્મ થયો એ સમયે તે પશ્ચિમ બંગાળમાં હતા. એ પછી દંપતિ સુરત શિફ્ટ થયું જ્યાં પતિનું વતન છે. બાળક થયા બાદ પત્ની સાથે વિવાદ વધતા પત્ની પોતાના વતનમાં દીકરી સાથે જતી રહી હતી. હાઈકોર્ટ સામે અરજીકર્તાના વકીલે એવી રજૂઆત કરી કે, હાઈકોર્ટ આ કેસમાં હસ્તક્ષેપ નહીં કરે તો દીકરીની નાગરિતા સામે પ્રશ્નો ઊભા થશે અને દીકરી દેશવિહીન થઈ જશે. અરજીકર્તાને એવો ડર છે કે,પત્ની દીકરીને બેલ્જિયમની નાગરિક બનાવી દેશે. સિટિઝનશિપ એક્ટના નિયમ 40 અંતર્ગત તપાસ કરવામાં આવે એવી રજૂઆત કોર્ટ સામે કરી છે. આ નિયમ અનુસાર કેન્દ્ર સરકારને અન્ય કોઈ દેશની નાગરિકતા માટે ભારતીય નાગરિકતાના ત્યાગ અંગે તપાસ કરવાની સત્તા આપે છે.
કેન્દ્ર અને કોર્ટની કોઈ પ્રતિક્રિયા નહીં
અરજીકર્તાએ 5 મી ઓગસ્ટે પહેલીવાર સંપર્ક કર્યો હતો એ પછી કેન્દ્ર સરકાર દ્વારા પણ કોઈ કામગીરી થઈ નથી. દીકરી હજુ ભારતીય નાગરિક તરીકે મટી ગઈ નથી એ નક્કી કરવા માટે કેન્દ્ર સરકારને જરૂરી કાર્યવાહી કરવા માટે હાઈકોર્ટને અપીલ કરી છે. દીકરીની ભારતીય નાગરિકતા,જે તેણે જન્મથી મેળવી છે, તેનું રક્ષણ કરવા માટે કેન્દ્રને અપીલ પણ કરી છે. આ કેસમાં કેન્દ્ર સરકાર કે હાઈકોર્ટે હજુ સુધી ખાસ કોઈ પ્રકારની સ્પષ્ટતા કરી નથી. આવનારા દિવસોમાં આ અંગે વધારે સુનાવણી અને કોર્ટમાં ચર્ચા થયા બાદ કોઈ નીવેડો આવી શકે છે.