અમદાવાદઃ સુરત શહેરમાં હત્યાના બે બનાવ બન્યા હતા. ડિંડોલીમાં એક યુવકની કથિત રાજકીય અદાવતમાં તો રાંદેરમાં એક પતિએ પત્નીની હત્યા કરી નાખી હતી. અહીં આયોજિત રક્તદાન શિબિરમાં રક્તદાન કરીને પાછા ફરી રહેલા આશિષ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. આશિષ એક મોલ પાસે પોતાની કારમાંથી બહાર નીકળો ત્યારે રાહ જોઈને બેઠેલા 8-10 જણે તેના પર હથિયારો સાથે હુમલો કરી દીધો હતો. આશિષને હૉસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યો, પરંતુ ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.
પરિવારના જણાવ્યા અનુસાર મકરસંક્રાંતિના દિવસે આશિષના ભાઈની હોટેલમાં ભાજપના નેતાના પુત્રએ હંગામો કર્યો હતો. આશિષે તેનો વિરોધ કર્યો હતો અને તેમના વચ્ચે બબાલ થઈ હતી. પરિવારનો આરોપ છે કે ભાજપના નેતાઓ સાથે જોડાયેલા લોકોએ જ આશિષની હત્યા કરી છે. આશિષના પરિવારે આરોપીઓને પકડવાની માગણી કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર તેમણે શંકાના આધારે ચાર આરોપીની ધરપકડ કરી છે. સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સુરતમાં બનેલી બીજી ઘટનામાં બે વર્ષ પહેલા પ્રેમલગ્ન કરનારી પૂજાકુમારી નામની મહિલાની તેનાં પતિ સરફરાઝે ચાકુના ઘા ઝીંકી હત્યા કરી હતી. બન્ને બિહારના વતની હતા અને બે વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. અહીં કેટરિંગના બિઝનેસ સાથે સંકળાયેલા હતા.
મળતી વિગતો અનુસાર પૂજા તેનાં એક માનીતા ભાઈ સાથે ફોન પર વાત કરતી તે સરફરાઝને ગમતું ન હતું. આ સાથે પૂજા એક દિવસ પહેલા મિત્ર સાથે ફરવા ગઈ હતી. આ વાતે સરફરાઝને ક્રોધ આવ્યો હતો, આથી તેણે જ્યારે પત્નીની જોઈ ત્યારે જ ગુસ્સામાં જ તેનાં પર ચાકુના વાર કર્યા હતા. પૂજાને તબીબોએ મૃત જાહેર કરી હતી. પોલીસે સરફરાઝની અટક કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.