Thu Jun 18 2026

Logo

સુરતમાં ₹10,000 અટકાવવા બેંકને ₹3.28 લાખમાં પડ્યા, 9 વર્ષે આવ્યો ચુકાદો

2026-03-20 13:49:00
Author: MayurKumar Patel
Article Image

સુરતઃ ATMથી કેશ ઉપાડતી વખતે અનેક વખત એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાય છે પરંતુ વિડ્રો થતા નથી. આ સ્થિતિમાં બેંકમાં ફરિયાદ કરવા પર તમને તમારા એકાઉન્ટમાંથી કપાયેલા પૈસા પરત મળી જાય છે. સુરતમાં રહેતા એક વ્યક્તિ સાથે આજથી 9 વર્ષ પહેલા આવી જ ઘટના બની હતી.

ફરિયાદની ન થઈ અસર

આ કેસ 18  ફેબ્રુઆરી, 2017નો છે. આ દિવસે સુરતના ઉધનામાં રહેતો એક વ્યક્તિ એટીએમમાં પૈસા ઉપાડવા ગયો હતો. એસબીઆઈનું એટીએમ હતું અને તેનું બેંક એકાઉન્ટ બેંક ઓફ બરોડામાં હતું. તેણે 10000 રૂપિયા ઉપાડવાના હતા. પિન નાંખ્યા બાદ એટીએમમાંથી પૈસા ન નીકળ્યા પરંતુ એકાઉન્ટમાંથી 10000 રૂપિયા કપાઈ ગયા હતા. તેણે સામાન્ય ગ્રાહકની જેમ બેંકમાં અનેક વખત ફરિયાદ કરી પરંતુ કોઈ ફાયદો ન થયો. બેંકે તેનું ટ્રાન્ઝેક્શન સફળ રહ્યું છે અને તેને પૈસા મળી ચુક્યા છે તેમ કહીને વાતનો છેદ ઉડાડી દીધો હતો. 

જે બાદ યુવકે આઈટીઆઈનો સહારો લીધો. આરટીઆઈ દ્વારા યુવકે સીસીટીવી ફૂટેજ અને જર્નલ લૉગ મંગાવી હતી. ફૂટેજ પરથી સ્પષ્ટ થયું કે તેને કોઈ કેશ મળી નહોતી. તેમ છતાં બેંકે પૈસા આપવાની ના પાડી હતી. જે બાદ તેણે ગ્રાહક અદાલતનો દરવાજો ખખડાવ્યો હતો. અદાલતે નોંધ્યું કે બેંકે ન માત્ર ગ્રાહકની રજૂઆતની અવગણના કરી, પરંતુ પુરાવા મળ્યા હોવા છતાં પૈસા પરત કર્યા નહોતા.

બેંકને લેવાના દેવા પડી ગયા

RBIના નિયમ મુજબ, ટ્રાન્ઝેક્શન ફેલ થવાના કિસ્સામાં બેંકે ગ્રાહકની ફરિયાદના 5 દિવસની અંદર પૈસા પરત કરવાના હોય છે. જો પૈસા પરત ન કરવામાં આવે, તો બેંકે પ્રતિ દિવસ ₹100 લેખે દંડ ભરવો પડે છે. આ મામલો નવ વર્ષ જૂનો હોવાથી, બેંક પર 3288  દિવસના રોજના 100 રૂપિયા લેખે 3,28,000 રૂપિયાના દંડની રકમ નક્કી થઈ. આ ઉપરાંત, મૂળ રકમ ₹10,000 પર વાર્ષિક 9 ટકા લેખે વ્યાજ પણ ચૂકવવું પડ્યું હતું. તેમજ માનસિક ત્રાસ બદલ ₹3,000 અને કાયદાકીય લડાઈના ખર્ચ પેટે ₹2,000 ચૂકવવાનો પણ આદેશ થયો હતો.

આનાથી સ્પષ્ટ થાય છે કે જો એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાય પરંતુ ટ્રાન્ઝેક્શન ફેલ થાય, તો બેંકે તમારા પૈસા પરત કરવા જ પડશે. જો આવું ન થાય, તો તમે ટ્રાન્ઝેક્શન સ્લિપ અને ફરિયાદની નકલ લઈને બેંક લોકપાલ અથવા ગ્રાહક અદાલતનો સંપર્ક કરી શકો છો.