Mon Sep 14 2026

Logo

સુરત ભાજપ નેતાની પુત્રવધૂ આપઘાત કેસ, પતિ સૌરભ અને પ્રેમિકા ઈશિકાની ધરપકડ

2026-08-28 22:39:10
Author: Mumbai Samachar Team
સુરત ભાજપ નેતાની પુત્રવધૂ આપઘાત કેસ, પતિ સૌરભ અને પ્રેમિકા ઈશિકાની ધરપકડ

સુરત: સુરત જિલ્લાના પલસાણા તાલુકા સ્થિત કડોદરાની શ્રીનિવાસ ગ્રીન સિટી સોસાયટીમાં 24મી ઓગસ્ટના રોજ ભાજપના મહિલા આગેવાન અને ભાજપનાં પૂર્વ નગરપાલિકા ઉપપ્રમુખ શશી સિંઘની પુત્રવધૂ નિધિ કુમારીએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ મામલે પોલીસે બે લોકોની ધરપકડ કરી હતી. 

પતિ સૌરભ કુમાર ઈશિકા બેનરજી સાથે કથિત સંબંધ ધરાવતો 

આ મામલે મૃતકના ભાઈ આદિત્ય કુમારે કડોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, નિધિનો પતિ સૌરભ કુમાર ઈશિકા બેનરજી નામની યુવતી સાથે કથિત સંબંધ ધરાવતો હતો. પતિ અને તેની પ્રેમિકા દ્વારા અપાતા માનસિક ત્રાસથી કંટાળીને નિધિએ આ અંતિમ પગલું ભર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

વળી મૃતક નિધિના પેનલ પોસ્ટ મોર્ટમ દરમિયાન તબીબોને પરિણિતાના આંતરવસ્ત્રમાંથી છુપાવેલી 2 પાનાની વિસ્તૃત સ્યુસાઈડ નોટ મળી આવી હતી. તબીબોએ ત્વરિત આ ચિઠ્ઠી કડોદરા પોલીસને સોંપી હતી. સ્યુસાઈડ નોટમાં નિધિકુમારીએ પોતાના પતિના અન્ય મહિલા સાથેના અનૈતિક સંબંધો અને તેના કારણે સતત અપાતા માનસિક ત્રાસનો ગંભીર ઉલ્લેખ કર્યો હતો.

બંને આરોપીઓની વધુ પૂછપરછ

આમ ફરિયાદ અને સુસાઇડ નોટના આધારે કડોદરા પોલીસે પતિ સૌરભ તથા તેની કથિત પ્રેમિકા ઇશિકા બેનર્જી સામે આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી. પોલીસ બંને આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ચિઠ્ઠી કાયદેસરની પ્રક્રિયા મુજબ પોલીસને સોંપી હતી

પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, સાસરી પક્ષ રાજકીય રીતે પ્રભાવશાળી હોવાથી પુરાવા નષ્ટ થવાની ભીતિ વચ્ચે નિધિએ સુસાઇડ નોટ પોતાના આંતરવસ્ત્રોમાં છુપાવી રાખી હતી. તબીબોએ આ ચિઠ્ઠી કાયદેસરની પ્રક્રિયા મુજબ પોલીસને સોંપી હતી.

નિધિકુમારીના લગ્ન 2 વર્ષ પૂર્વે  થયા હતા 

અત્રે ઉલ્લેખનીય છે કે, નિધિકુમારીના લગ્ન 2 વર્ષ પૂર્વે સૌરભકુમાર સાથે થયા હતા. જોકે, સૌરભસિંગના ઈશિકા બેનરજી નામની મહિલા સાથે પ્રેમસંબંધો ચાલી રહ્યા હતા. પતિના આ અફેર અંગે જાણ થતાં જ બંને પતિ-પત્ની વચ્ચે અવારનવાર ભારે કંકાશ અને ઝઘડા થતા હતા. પતિના અન્ય મહિલા સાથેના સંબંધો અને માનસિક ત્રાસથી કંટાળીને આખરે નિધિકુમારીએ આપઘાત કર્યો હતો.