નવી દિલ્હી: તમિલનાડુમાં સંપૂર્ણ ગૌ હત્યા પ્રતિબંધ મૂકવાના હાઇકોર્ટેના આદેશને સુપ્રીમ કોર્ટે ફગાવ્યો છે. સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારને રાહત આપી છે. મદ્રાસ હાઇકોર્ટે રાજ્ય સરકારને ગાય અને વાછરડાની કતલ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો હતો.
હાઇકોર્ટના આદેશના અમલને સ્થગિત કરવામાં આવ્યો
સુપ્રીમ કોર્ટની બેન્ચે આ વચગાળાની રાહત આપી હતી. જેમાં હાલ પૂરતો હાઇકોર્ટના આદેશના અમલને સ્થગિત કરવામાં આવ્યો હતો. તેમજ તમિલનાડુ સરકારે હાઈકોર્ટના આદેશને પડકારવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
સરકારની અરજી અંગે નોટિસ ઇસ્યુ કરી
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે રાજ્યના નિયમોનો ઉલ્લેખ કરીને આ આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે 10 વર્ષથી વધુ ઉંમરના પશુઓની કતલ પર કોઈ કાયદેસર પ્રતિબંધ નથી. જ્યારે હાઈકોર્ટે આનાથી આગળનો આદેશ જાહેર કર્યો હતો. સરકારની અરજી અંગે નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરી હતી
જેમાં તમિલનાડુ સરકારે 27 મેના મદ્રાસ હાઈકોર્ટના આદેશને પડકારતી સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરી હતી. હાઈકોર્ટે રાજ્ય સરકારને ઓગસ્ટ 1976 થી સરકારી આદેશ લાગુ કરીને રાજ્યભરમાં ગૌહત્યા પર પ્રતિબંધ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો.
હિન્દુ સંગઠનની અરજી બાદ આદેશ
મદ્રાસ હાઈકોર્ટનો આ આદેશ હિન્દુ સંગઠન હિન્દુ મક્કલ કાચીના યુવા પાંખના સચિવ કે. સૂર્યા દ્વારા દાખલ કરાયેલી અરજી બાદ આપવામાં આવ્યો હતો.