નવી દિલ્હીઃ ઑપરેશન સિંદૂરનું એક વર્ષ પૂરું થયું છે. ઑપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી પર મધ્ય પ્રદેશના પ્રધાન વિજય શાહે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જેને લઈ હવે સુપ્રીમ કોર્ટે સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. કર્નલ સોફિયા કુરેશી પર વિવાદાસ્પદ ટિપ્પણી મુદ્દે વિજય શાહ વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે કહ્યું કે, પ્રધાનની કર્નલ સોફિયા પર ટિપ્પણી દુર્ભાગ્યપૂર્ણ હતી.
સુપ્રીમ કોર્ટે આજે મામલાની સુનાવણી કરી, જેમાં કોર્ટે સરકારને પ્રધાન કુંવર વિજય શાહ સામે કેસ ચલાવવાની મંજૂરી આપવા પર નિર્ણય લેવા જણાવ્યું હતું. મધ્ય પ્રદેશના પ્રધાન વિજય શાહે કર્નલ સોફિયા કુરેશી વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી. ભારતીય સેનાના અધિકારી કર્નલ સોફિયાએ જ ગયા વર્ષે 'ઑપરેશન સિંદૂર' દરમિયાન મીડિયાને તમામ માહિતી આપી હતી.
આ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સરકાર તરફથી સૉલિસિટર જનરલ તુષાર મહેતા હાજર થયા હતા. સુપ્રીમ કોર્ટના સવાલ પર તુષાર મહેતાએ કહ્યું કે, એસઆઈટીએ સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો છે. હવે અમે મંજૂરીની રાહ જોઈ રહ્યા છીએ. પ્રધાને જે કહ્યું તે દુર્ભાગ્યપૂર્ણ હતું. તેઓ તે મહિલા અધિકારીના વખાણ કરવા માંગતા હોય તેમ બની શકે. આ સાંભળીને સીજેઆઈ વધુ રોષે ભરાયા હતા. તેમણે આ નિવેદન પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, તેમણે જે કહ્યું તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ હતું.
સુપ્રીમ કોર્ટમાં શું-શું દલીલો થઈ?
તુષાર મહેતાઃ એસઆઈટીએ એક સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો છે. હવે અમે મંજૂરીની રાહ જોઈ રહ્યા છીએ. તેમણે જે કહ્યું તે દુર્ભાગ્યપૂર્ણ હતું. તેઓ આ બહાદુર મહિલા અધિકારીની પ્રશંસા કરવા માંગતા હોય તેમ બની શકે.
સીજેઆઈ સૂર્યકાંતઃ તે માત્ર દુર્ભાગ્યપૂર્ણ નહોતું, બહુ કમનસીબ વાત હતી
ન્યાયાધીશ બાગચીઃ મંજૂરી બે સપ્તાહમાં આવી જોઈતી હતી, શું થયું?
તુષાર મહેતાઃ તેઓ મહિલાની પ્રશંસા કરવા માંગતા હતા, પરંતુ પોતાની વાત યોગ્ય રીતે જણાવી નહોતી.
સીજેઆઈઃ એક નેતા હોવાના કારણે કોઈ મહિલા અધિકારીની કેવી રીતે પ્રશંસા કરી શકાય તે સારી રીતે જાણે છે.
ન્યાયાધીશ બાગચીઃ સ્ટેટસ રિપોર્ટ જુઓ. તેમાં લખ્યું છે કે તેમને આ પ્રકારની ટિપ્પણીઓ કરવાની આદત છે.
સીજેઆઈ સૂર્યકાંતઃ હવે અમારા આદેશનું પાલન કરો. બહુ થયું. સૌથી પહેલા તો તેમણે માફી માંગવી જોઈએ. અમારે જ્યારે સંજ્ઞાન લીધું ત્યારે તેમણે આમ કર્યું. આ મામલાને ચાર સપ્તાહ બાદ ફરીથી લિસ્ટ કરજો.
ઉલ્લેખનીય છે કે આ કેસની જાન્યુઆરીમાં પણ સુનાવણી થઈ હતી. તે સમયે ન્યાયાધીશ સૂર્યકાંત સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, હવે માફી માંગવામાં ખૂબ મોડું થઈ ચૂક્યું છે અને આ પ્રકારની માફી સ્વીકાર્ય નથી.
સુનાવણી દરમિયાન કુંવર વિજયના વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, તેઓ માફીનામું દાખલ કરી ચુક્યા છે અને તપાસમાં પૂરો સહયોગ આપી રહ્યા છે. જેના પર મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત આકરી પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે માફી કેવી હોવી જોઈએ તે કોર્ટ પહેલાં જ સ્પષ્ટ કરી ચૂકી છે. આવા મામલામાં ઔપચારિક માફીનામું દાખલ કરવું પૂરતું નથી.