Fri May 01 2026

Logo

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસી અનામત પર રોકની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી

2026-04-10 18:18:51
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે, રાજકીય પાર્ટીઓ અને વહીવટી તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે. તેવા સમયે  સુપ્રીમ કોર્ટમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓબીસી અનામત નીતિ પર રોક લગાવવાની અરજી કરવામાં આવી હતી, જેના પર સુનાવણી કરીને કોર્ટે માંગને ફગાવી દીધી હતી. 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજ્ય સરકારની ૨૭ ટકા ઓબીસી અનામત નીતિ સામે ચૂંટણી પ્રક્રિયા પર રોક લગાવવાની માંગને ફગાવી દીધી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે હાલના તબક્કે ચૂંટણી અટકશે નહીં અને અરજદારને આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરવા આદેશ આપ્યો હતો. હાઇકોર્ટ જે પણ નિર્ણય લેશે તે આ ચૂંટણી માટે માન્ય ગણાશે, જ્યારે રાજ્ય સરકાર ૨૭ ટકા અનામત આપવા માટે મક્કમ છે.

પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયા દ્વારા કરવામાં આવેલી જાહેર હિતની અરજી પર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. પિટિશનમાં મુખ્યત્વે ત્રણ મુદ્દા ઉઠાવાયા છે, જેમાં અનામત નક્કી કરતાં પહેલા 'ટ્રિપલ ટેસ્ટ'ના માપદંડોનું પાલન, કુલ અનામત ૫૦ ટકાની મર્યાદા વટાવે છે કે કેમ, અને જસ્ટિસ ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે કરવામાં આવેલી બેઠકોની ફાળવણીની બંધારણીયતા પર સવાલો ઊભા કરાયા હતા.