Wed Jun 10 2026

Logo

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીમાં મતદાન અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

2026-04-13 22:13:30
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીમાં  SIR અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે લોકોના મતદાર યાદીમાંથી નામ દૂર થયા છે અને તેમની અપીલ પેન્ડિંગ છે તે  લોકો મતદાન નહિ કરી શકે. 

રાજકીય પક્ષો વચ્ચેનો મુકાબલો વધુ તીવ્ર

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, રાજ્યમાં મતદાર યાદીમાંથી નામ દૂર કરવા સામે અપીલ પેન્ડિંગ હોય તેવા વ્યક્તિઓને આગામી પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં મતદાન કરવાની મંજૂરી આપવામાં નહિ આવે.  રાજ્યમાં ચાલી રહેલા SIR વિવાદ વચ્ચે  સુપ્રીમ કોર્ટનો ચુકાદો  રાજકીય પક્ષો વચ્ચેના મુકાબલાને વધુ તીવ્ર બનાવી શકે છે.

મતદાનની મંજૂરી કાનૂની પ્રક્રિયાની વિરુદ્ધ

સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે, જ્યાં સુધી  સંબંધિત અપીલો પર અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી આવા વ્યક્તિઓને મતદાન કરવાની મંજૂરી આપવી એ કાનૂની પ્રક્રિયાની વિરુદ્ધ હશે. સુપ્રીમ કોર્ટની બેન્ચ  આ મામલાની સુનાવણી કરી રહી હતી ત્યારે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે અવલોકન કર્યું હતું કે જો આવા વ્યક્તિઓને મતદાન કરવાની મંજૂરી આપવામાં આવે તો તે સમગ્ર વ્યવસ્થાને ખોરવી નાખશે.

34  લાખ મતદારોના મતદાન અધિકાર પર પ્રશ્નાર્થ 

સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ  રાજ્યના આશરે 34  લાખ મતદારોના મતદાન અધિકાર પર પ્રશ્નાર્થ ઉભો થયો છે.  ઉલ્લેખનીય છે કે,  આ સમગ્ર મામલો રાજ્યમાં મતદાર યાદીની SIR પ્રક્રિયા સાથે જોડાયેલો છે. જેમના નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હતા તેમણે આ કાર્યવાહી સામે અપીલ દાખલ કરી છે. અત્યાર સુધીમાં 34 લાખથી વધુ અપીલ દાખલ કરવામાં આવી છે.