મુંબઈઃ મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અને દિવગંત ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પત્ની સુનેત્રા પવારે તેમના જન્મદિન નિમિત્તે એક ભાવુક પોસ્ટ શેર કરી હતી. પોસ્ટમાં તેમણે તેમના પતિને યાદ કરતી પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. આ વર્ષની શરૂઆતમાં અજિત પવારનું 28 જાન્યુઆરીના રોજ વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. તેઓ મુંબઈથી બારામતી જઈ રહ્યા હતા ત્યારે ગાઢ ધુમ્મસ અને નબળી વિઝિબિલિટીને કારણે બારામતી એરપોર્ટ પર ઉતરાણ દરમિયાન તેમનું વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ લોકોના મોત થયા હતા.
મહારાષ્ટ્રનાં નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે તેઓ અજિત પવારનો જન્મદિવસ ખૂબ જ ઉત્સાહ અને આનંદથી ઉજવતા હતાં. આ અવસરે ઘરનું વાતાવરણ ખુશીઓથી ભરેલું રહેતું અને ચારેબાજુથી અભિનંદન સંદેશાઓ આવતા. જોકે, હવે તેમને અજિત પવારનો જન્મદિવસ તેમની જયંતીના રૂપે ઉજવવો ખૂબ જ મુશ્કેલ લાગે છે. તેમણે જણાવ્યું કે આ વાસ્તવિકતા સ્વીકારવી તેમના માટે હજુ પણ સરળ નથી.
સુનેત્રા પવારે આગળ લખ્યું હતું કે અજિત પવાર દરેક મુશ્કેલ સમયમાં તેમની સૌથી મોટી તાકાત બનીને ઊભા રહ્યા હતા. તેમનો સાથ, વિશ્વાસ અને દરેક પગલે તેમણે આપેલો સાથ અચાનક ગુમાવવાથી પોતાની જિંદગીમાં ખાલીપો અનુભવાય છે. તેમણે લખ્યું કે તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે જીવન તેમના સૌથી મોટા આધારસ્તંભને આટલી ઝડપથી છીનવી લેશે અને એ દિવસની યાદ તેમનું હૈયું ભારે કરી દે છે અને તેઓ તેમના આંસુઓ પણ રોકી શકતા નથી.
પોતાની પોસ્ટના અંતે, સુનેત્રા પવારે જણાવ્યું હતું કે અજિત પવાર હવે તેમની વચ્ચે નથી, તેમ છતાં તેમના વિચારો, યાદો અને લોકો પ્રત્યેની સેવાની ભાવના હંમેશાં જીવંત રહેશે. તેમને પોતાના જીવનસાથી ગણાવતા તેમણે તેઓને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપી. નોંધનીય છે કે આ દુર્ઘટના મહારાષ્ટ્ર માટે એક મોટો ફટકો હતો. અજિત પવાર લાંબા સમયથી રાજ્યના રાજકારણમાં સક્રિય હતા.