પ્રતીક્ષા થાનકી
નોર્વેમાં સ્ટાવાન્ગરનો તે દિવસ વરસાદમાં મોલથી ચાલુ થયો હતો, પણ ઓઇલ મ્યુઝિયમ જોઇ લીધું ત્યાં અમારો મિત્ર ઘરે પોતાની વાઇફને શોપિંગ પછી સેટ કરીને અમને સિટીમાં ગાઇડ કરવા આવી પહોંચ્યો હતો. અમે બધાં આમ અચાનક જ એકબીજાને એવી રીતે ભટકાઈ ગયાં હતાં કે હવે તે સાથે વિતાવવા મળેલા સમયનો પૂરતો ઉપયોગ કરવા માટે બધાં તત્પર હતાં.તેની પાસેથી અમને જાણવા મળ્યું કે નોર્વેમાં માત્ર આઇટી જ નહીં પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીમાં અને જનરલ ઇન્ફ્રાસ્ટ્રકચર જોબ માર્કેટમાં ભારતથી ઘણાં એન્જિનિયરો આવીને વસ્યાં છે.
તેની સાથે એ બધું કેચ-અપ કરવા માટે આખો દિવસ હતો. અમે મ્યુઝિયમમાં હતાં ત્યારે જ તેનો ફોન આવી ગયેલો કે અમે બહાર નીકળીએ પછી તે અમારી રાહ જોઈ રહૃાો છે અને અમને તે પછી હવે એ સ્ટાવાન્ગરની વોકિગ ટૂર કરાવશે.
એક રીતે જોવા જાઓ તો નોર્વેમાં આ ટ્રિપ દરમ્યાન અમારો ટૂરિઝમનો પહેલો આખો દિવસ હતો. તે પણ અમે થાકીએ નહીં ત્યાં સુધી જલસા કરવાના હતા. અહીં અંધાં થાય એટલે નાઇટ લાઇફ માટે બહાર નીકળવાનો સમય જુલાઈમાં તો આવવાનો હતો જ નહીં.
એવામાં સ્ટાવાન્ગરની સૌથી લોકપ્રિય ગલી ઉવરે હોલમ્ગાટેથી શરૂઆત થઈ. ત્યાં ઝરમર વરસાદમાં પણ અમે ત્યાંનાં રંગોને, સ્ટ્રીટ આર્ટને, માહોલને જોવા માટે ઊભાં રહીને ધાર્યા કરતાં વધુ સમય તો ફોટા પાડવામાં જ વિતાવ્યો. ત્યાં વરસાદમાં પણ લોકો બહાર કાફેમાં બેઠાં હતાં. સમરમાં એકદમ ભારે વરસાદ પડે તો જ લોકો અંદર જાય, બાકી થોડા વરસાદમાં લોકો પોતાનાં લેઝર ટાઇમને ભરપૂર માણવા માટે ત્યાં અડ્ડો જમાવીને જ બેસી ગયેલાં.
દેબાયનની નોર્વેની લાઇફ, તેના દીકરાની સ્કૂલ, તેનાં ફેવરેટ કાફે અને બાર, શહેરની તેની મનપસંદ જગ્યાઓ પર લાઇવ કોમેન્ટ્રી મળી રહી હતી. અમે પણ ઝરમર વરસાદમાં કાફેમાં ગોઠવાયાં. ત્યાંનો ઓનર એટલો ફ્રેન્ડલી અને મળતાવડો હતો કે તેણે અમને ડ્રિંક માટે પણ ઓર્ડર આપવાને બદલે હું તમને જે બનાવી આપું તે ટ્રાય કરો, એમ કહીને જલસા કરાવ્યા. મને તેણે દાડમ અને જીનવાળું કોઈ ટોલ ડ્રિંક બનાવી આપ્યું, જેની રેસિપી ભાગ્યે જ કોઈ રેસિપી બુકમાં જોવા મળે. આ રંગીન ગલી તે દિવસે તો ધમધમી રહી હતી. અને સ્થાનિકો અહીં શિયાળામાં પણ એટલા જ ઉત્સાહથી આઉટડોર એક્ટિવિટી માટે નીકળી પડેલાં હતાં.
ખાસ આ ગલી અહીં `ફાર્ગોગાટાન' એટલે કે `રંગીન ગલી' તરીકે પણ ઓળખાય છે, કારણ કે અહીંનાં ઘરોમાં ઇન્દ્રધનુષમાં બધા રંગો દેખાઈ જાય છે. આ કદાચ નોર્વેની સૌથી દેખાવડી ગલી હોય તો પણ નવાઈ નહીં. તેમાંય અહીંનાં રંગો વધુ પોપ એટલે થતા હતા કે બાકીનું આખું ગામ સફેદ ઘરોથી ભરેલું હતું. ગામલે એટલે કે અહીંનું આખું ઓલ્ડ સિટી તે સમયે વ્યસ્ત લાગતું હતું.
વળી યુરોપ કે બાકીના સ્કેન્ડિનેવિયાની માફક આ ગલીની ઐતિહાસિક ખાસિયતોની વાર્તા માટે તૈયાર થયા પછી જાણવા મળ્યું કે આ ગલીને તો છેક 2005માં હાલમાં જ આ સ્વરૂપ આપવામાં આવેલું. થોડાંક સ્થાનિક દુકાનદારોએ એક સ્કોટિશ ડિઝાઇનર સાથે મળીને આ રંગીન ગલીને એક અનોખું ડેસ્ટિનેશન બનાવી દીધું હતું. આ સ્વરૂપ મળતા પહેલાં પણ અહીં શોપિંગ અને કાફેઝ તો પહેલેથી હતાં જ, હવે તો અહીં ગ્રાફિટી પણ કલરફુલ હતી.
ખાસ નુઆર્ટ ફેસ્ટિવલ દરમ્યાન અહીં આર્ટ સ્ટુડન્ટને શહેરમાં જ્યાં મન પડે ત્યાં પોતાની કારીગરી બતાવવાનો મોકો મળતો રહે છે. જ્યાં પણ જુઓ ત્યાં ચિત્ર-વિચિત્ર મોટિફવાળી દીવાલો જોવા મળી રહી હતી. ક્યાંક બિલાડીઓનાં પોપ આર્ટથી માંડીને ક્યાંક ભૂતિયા સ્ત્રી... રોકાઈને ફોટા પાડવાની ઇચ્છા થઈ જાય તેવું દરેક ઠેકાણે લાગતું હતું. હાર્બરથી જરા આગળ તો સ્કલ્પચર પણ નજરે પડવા લાગ્યાં હતાં. કોને ખબર હતી કે નાનકડું સ્ટાવાન્ગર પોતાની ભીતર આર્ટ માટે આટલો ઉત્સાહ છુપાવીને બેઠું હશે. સ્ટાવાન્ગરનો કલા પ્રત્યેનો પ્રેમ જોઈને ત્યાંની યુનિવર્સિટીમાં આર્ટ ભણવાની ઇચ્છા થઈ આવે તેવું હતું.
આખું સ્ટાવાન્ગર એટલું કોમ્પેક્ટ અને ટચૂકડું છે કે ત્યાં જો ઊભા રહૃાા વિના પગે ચાલીને જાઓ તો કલાકમાં તો આખું સિટી સેન્ટર ચાલીને જોઈ શકાય. જોકે ત્યાંના રહેણાંક વિસ્તારો પછી સબર્બમાં દૂરદૂર સુધી ફેલાયેલા છે. અમે તે સમયે રંગીન ગલીથી આગળ હાર્બર સુધી આવી ગયાં. અહીં એક સેવન-ઇલેવનમાં ગરમાગરમ સમોસાં મળતાં હતાં.
એક સમયે તો એ પણ મજાક થઈ કે અહીં આવ્યા પછી જાણે અમને ભારતનાં મિત્રો અને ખાણીપીણીમાં નોર્વેની ખાસ વાનગીઓ ચાખવાનો ખાસ મોકો મળ્યો ન હતો. હાર્બર પાસે રેસ્ટોરાંની હારમાળા હતી. ત્યાં રોજેરોજની ફિશ મળતી. ત્યાં વીકેન્ડ પર ફિશ માર્કેટ પણ ભરાતી હતી. હાર્બર આસપાસ એક સુંદર અને જુનવાણી અને ભવ્ય બોટ પાર્ક થયેલી હતી. બીજી તરફ માર્કેટનાં રેસ્ટોરાં, નજીકમાં ત્યાંનું ઓપેરા હાઉસ અને ત્યાંથી થોડું આગળ જતાં ત્યાંનો સેન્ટ્રલ લેક, આખી `ગામલે' સર્કિટ ક્યાં પૂરી થઈ ગઈ ખબર પણ ન પડી.
હજી અહીંનું કથિડ્રાલ, અહીંનું આર્કિયોલોજિકલ મ્યુઝિયમ વગેરે બાકી હતાં. હજી તો નોર્વેજિયન વાઇકિગની વાર્તાઓની વાતો પણ ચાલુ નહોતી થઈ. આગળ ઉલાન્જહાઉગ વિસ્તારમાં છેક લોહયુગના સમયની વસાહતોના અવશેષો આજે પણ અકબંધ છે. અહીંની હાલની લોકપ્રિય ગલી ભલે માંડ વીસ વર્ષ પહેલાંની હોય, સ્ટાવાન્ગર તો સદીઓથી અહીં નોર્વેના ઇતિહાસને અંદર છુપાવીને બેઠું છે. તે રાત્રે અજવાળામાં જ ફરી એપાર્ટમેન્ટ પહોંચ્યા પછી હવે અમને ઘણાં દિવસો સુધી કોઈ શહેર જોવા નહોતું મળવાનું.