Sun Sep 13 2026

Logo

Instagram, FB અને YouTube પર નિયમો બદલાયા: ગેરકાનૂની પોસ્ટ પર માત્ર 2 કલાકમાં એક્શન!

2026-08-06 21:24:45
Author: Mumbai Samachar Team
Instagram, FB અને YouTube પર નિયમો બદલાયા: ગેરકાનૂની પોસ્ટ પર માત્ર 2 કલાકમાં એક્શન!

સરકારે આઈટી નિયમો ૨૦૨૧માં કર્યા સુધારા: ડીપફેક, એઆઈ કન્ટેન્ટ અને બોગસ પ્રોફાઈલ સામે સખત કાર્યવાહી થશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યૂટ્યુબ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટેના નિયમોમાં મોટો સુધારો કર્યો છે. આઈટી નિયમો ૨૦૨૧માં કરવામાં આવેલા નવા સુધારા મુજબ, ડીપફેક્સ, એઆઈ-જનરેટેડ કન્ટેન્ટ અને અન્ય ગેરકાનૂની પોસ્ટ્સને રોકવા માટે કાર્યવાહીની સમયમર્યાદા સખત બનાવી દેવામાં આવી છે.

સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે સંવેદનશીલ બાબતો સાથે જોડાયેલું ઓનલાઇન કન્ટેન્ટ હટાવવાનો સમય અગાઉના 24 કલાકથી ઘટાડીને બે કલાક કર્યો છે, એમ  સરકારી નિવેદનમાં જણાવાયું હતું.

નિવેદન અનુસાર, ડીપફેક્સ અને એઆઇ-જનરેટેડ કન્ટેન્ટ સહિત સિન્થેટિકલી જનરેટેડ ઇન્ફોર્મેશનથી થતા નુકસાનને રોકવા માટે નિયામક માળખાને મજબૂત કરવાના હેતુથી 10 ફેબ્રુઆરી, 2026ના આઇટી નિયમો 2021માં સુધારા કરવામાં આવ્યા હતા.

સિદ્ધાંતોના પાલન માટેની સમયમર્યાદા સખત કરવામાં આવી છે, જે હેઠળ યોગ્ય સરકાર અથવા કોર્ટના આદેશથી મળેલા માન્ય અને સકારણ સૂચનાના આધારે ગેરકાનૂની માહિતી હટાવવાની સમયમર્યાદા 36 કલાકથી ઘટાડીને 3 કલાક કરવામાં આવી છે. 

આ ઉપરાંત, ફરિયાદોના નિવારણ માટેની સમયમર્યાદા 72 કલાકથી ઘટાડીને 36 કલાક અને નગ્નતા/કોઈની ઓળખ ચોરીને બોગસ પ્રોફાઇલ બનાવવી જેવી વિશેષ સંવેદનશીલ બાબતો માટે સમયમર્યાદા 24 કલાકથી ઘટાડીને બે કલાક કરવામાં આવી છે, એમ સરકારી નિવેદનમાં જણાવાયું છે.