Sun Aug 23 2026

Logo

બંગાળમાં મોટો અકસ્માત ટળ્યો: સિંગાપોરનું વિરાટ કાર્ગો જહાજ હુગલી નદીના કિનારે ભટકાયું

2026-08-13 08:43:00
Author: Vimal Prajapati
Article Image

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના સાઉથ 24 પરગણા જિલ્લાના ડાયમંડ હાર્બર વિસ્તારમાંથી એક ભયાનક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. નદીના નિર્ધારિત શિપિંગ ચેનલમાંથી પસાર થઈ રહેલું સિંગાપોરનું એક વિશાળ માલવાહક જહાજ (કાર્ગો શિપ) અચાનક પોતાનું સંતુલન ગુમાવી બેઠું હતું. અનિયંત્રિત બનેલું આ શિપ હુગલી નદીના કિનારા સાથે ધડાકાભેર અથડાઈને છેક રસ્તાની નજીક સુધી પહોંચી ગયું હતું. આ દ્રશ્ય જોઈને સ્થાનિક રહીશોમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી.  

નૂરપુર ફેરી ટર્મિનલ પાસે સર્જાયો અકસ્માત

વધારે વિગતે વાત કરવામાં આવે તો, આ ઘટના બુધવારે બપોરના સમયે ડાયમંડ હાર્બર નજીક આવેલા નૂરપુર ફેરી ઘાટ પાસે ઘટી હતી. જહાજ કિનારા સાથે ભટકાતા જ નદીના પાળા પર મોટી તિરાડો પડી ગઈ છે. સૌથી રાહતની વાત એ રહી કે જે સમયે આ ઘટના બની ત્યારે ફેરી ટર્મિનલ પર કોઈ પેસેન્જર લોન્ચ કે બોટ ઊભી નહોતી. જો ત્યાં બોટ કે મુસાફરો હાજર હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત. 

કેવી રીતે બની આ ઘટના?

આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં જહાજે નિયંત્રણ ગુમાવતા જ લોકો અને અન્ય બોટને એલર્ટ કરવા સતત હોર્ન વગાડવાનું શરૂ કરી દીધું હતું. દુર્ઘટનામાં સામેલ આ કાર્ગો શિપની ઓળખ MV Nawata Bhum તરીકે થઈ છે, જે સિંગાપોરના ફ્લેગ હેઠળ ચાલે છે. આશરે 147 મીટરથી વધુ લંબાઈ ધરાવતું આ જહાજ મલેશિયાના પોર્ટ કલેંગથી કન્ટેનર ભરીને કોલકાતા પોર્ટ તરફ જઈ રહ્યું હતું. 
 

કોલકાતાથી દક્ષિણે લગભગ 50 કિલોમીટર દૂર ડાયમંડ હાર્બર પાસે હુગલી નદીના તીવ્ર વળાંક પર જહાજ વળતી વખતે કેપ્ટન સંતુલન જાળવી શક્યા નહોતા. પ્રાથમિક તપાસમાં શિપના 'સ્ટીયરીંગ ગિયર'માં ટેકનિકલ ખામી સર્જાઈ હોવાનું બહાર આવ્યું છે. ઘટના બાદ સ્થાનિક વહીવટીતંત્ર અને પોર્ટ ઓથોરિટીના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ટગ બોટની મદદથી આ માલવાહક શિપને સલામત રીતે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.