Thu Apr 30 2026

Logo

ચિંતનઃ ‘નવ’નું મહત્ત્વ

2026-03-23 10:56:00
Author: Hemu Bhikhu
Article Image

 

હેમુ ભીખુ

સનાતની સંસ્કૃતિમાં ‘નવ’ અંકનું આગવું મહત્ત્વ છે. તે વાસ્તવિકતા સ્વરૂપે, પ્રતિકાત્મક રીતે અને ધાર્મિક તેમજ આધ્યાત્મિક સત્ય તરીકે ગૂઢ અર્થ ધરાવે છે.

બધાં જાણે છે કે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ; આ નવ ગ્રહ છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન; ભક્તિની આ નવ રીત છે. મત્સ્યેન્દ્રનાથ, ગોરખનાથ, જાલંધરનાથ, કાનિફાનાથ, ભતૃહરી, રેવન્નાથ, નાગનાથ, ચર્પટીનાથ અને ગોપીચંદ; નાથ સંપ્રદાયના આ નવ આદિ મુખ્ય ગુરુ છે - જોકે આ યાદીમાં કેટલાક મતમતાંતર છે, પરંતુ અહીં નવ અંકની વાત છે.ભરતમુનિ દ્વારા લિખિત નાટ્યશાસ્ત્રમાં પણ શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ અને અદ્ભુત એમ નવ રસની વાત છે.

આગળ જોતાં જણાશે કે જંબુદ્વીપ, લક્ષદ્વીપ, શાલ્મલિદ્વીપ, કુશદ્વીપ, ક્રૌંચદ્વીપ, શાકદ્વીપ, પુષ્કરદ્વીપ, ઇલાવૃત અને ગોમેદ ખંડ; પૌરાણિક પરંપરા પ્રમાણે ધરતી આ નવ દ્વીપમાં વિભાજિત હોય તેમ કલ્પના કરવામાં આવી છે. જોકે અમુક સાહિત્યમાં થોડો વિચારભેદ છે. સ્કંદ પુરાણમાં નવ પ્રકારનાં સમુદ્રનું વર્ણન પણ જોવાં મળે છે. 

આ નવ સમુદ્ર છે; દૂધનો ક્ષીર સમુદ્ર, દહીંનો દધિ સમુદ્ર, ઘીનો ઘૃત સમુદ્ર, મદિરાનો સુરા સમુદ્ર, રસનો ઇક્ષુરસ સમુદ્ર, તેલનો સ્નેહ સમુદ્ર, મધનો ક્ષૌદ્ર સમુદ્ર, મીઠાનો લવણ સમુદ્ર અને મીઠાં પાણીનો સ્વાદુ જળ સમુદ્ર. કોઈ કહી શકે કે આ કલ્પનાનો વિષય છે, પરંતુ અહીં વાત નવ અંકની છે. કલ્પના હોય તો તે પણ નવ સંખ્યા અનુસાર જ કેમ. કલ્પનાની ક્ષિતિજ તો વિસ્તરી શકે. પણ અહીં તેનો વિસ્તાર નવ સુધી જ છે. 

સનાતની તત્ત્વજ્ઞાનમાં સ્વર્ગ, પાતાળ અને પૃથ્વી, આ ‘ત્રિલોક’નો સિદ્ધાંત વધુ પ્રચલિત છે, પરંતુ કેટલાંક ગ્રંથોમાં નવ-લોકનું વર્ણન જોવાં મળે છે. આ નવ-લોક છે, માનવજાતિ માટેનું ભૂલોક, ગંધર્વ - અપ્સરા માટેનું ભુવર્લોક, દેવતાઓ માટેનું સ્વર્ગલોક, મહર્ષિઓ માટેનું મહર્લોક, વિદ્વાન - જ્ઞાની - મુનિઓ માટેનું જનલોક, તપસ્વીઓ માટેનું તપલોક, બ્રહ્માનું સત્યલોક, અસુરો માટેનું પાતાળલોક અને પાપીઓ માટેનું નરક લોક.

આધ્યાત્મમાં પ્રપંચને જીવનમાં આવતાં નવ પ્રકારના બંધનો અથવા અવરોધ તરીકે સમજાવવામાં આવે છે, જે માનવને સાચા જ્ઞાન અને પરમાત્માથી વિમુખ કરે છે. આ નવ પ્રપંચ છે, અવિદ્યા અર્થાત અજ્ઞાન એટલે કે આત્મા અને પરમાત્માના સાચા સ્વરૂપના જ્ઞાનનો અભાવ, અહંકાર એટલે કે કોઈપણ સ્વરૂપે કોઈપણ સ્તરે સ્થાપિત થતો હુંનો ભાવ, રાગ એટલે કે ઇન્દ્રિય-ભોગ કાજે વિષયો પ્રત્યેનું આકર્ષણ, દ્વેષ એટલે કે રાગથી સ્થાપિત ભાવથી વિરુદ્ધ ભાવ, 

અભિનિવેશ એટલે કે મરણનો ભય અને જીવન પ્રત્યેની ચિંતા, કામના એટલે કે અનિયંત્રિત અને અસીમ ઇચ્છાઓ, ક્રોધ એટલે કે ઇચ્છા પૂર્ણ ન થાય ત્યારે ઊપજતો રોષ, લોભ એટલે કે વધારે અને વધારે મેળવવાની તૃષ્ણા અને મોહ એટલે કે વ્યક્તિને સત્યથી વિમુખ કરીને મમત્વ અને સંબંધોમાં ફસાવનાર લાગણી. સાંખ્ય-દર્શનમાં જે પચીસ તત્ત્વોની વાત છે તેમાં દ્રવ્યરૂપ તત્ત્વ નવ ગણાવાયા છે. તે છે ભૂમિ, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, અહંકાર, બુદ્ધિ અને અવ્યક્ત/પ્રકૃતિ. પતંજલિના યોગસૂત્રમાં વ્યાધિ, સ્યાન, સંશય, પ્રમાદ, આલસ્ય, અવિરતિ, ભ્રાંતિદર્શન, અપ્રાપ્તભાવ અને અનવસ્થિતત્વ, એમ નવ વિઘ્નો જણાવાયાં છે.

ભગવદ ગીતામાં મનુષ્ય શરીરને નવદ્વાર-પુરી જણાવવામાં આવ્યું છે. આ નવદ્વાર છે; બે આંખ, બે કાન, બે નાસિકા છિદ્ર, એક મુખ, એક ગુદા અને એક મૂત્રમાર્ગ. વળી સનાતની સંસ્કૃતિમાં માનવીની જીવનયાત્રાની નવ અલગ-અલગ અવસ્થાઓ દર્શાવવામાં આવી છે. આમાં શારીરિક સ્તરે બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થાની ગણના થતી હોય છે જ્યારે મનના સ્તરે જાગૃતિ, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરીયાવસ્થાની વાત થાય છે. 

સનાતની સંસ્કૃતિની શાખા, યોગ અને તંત્ર પરંપરામાં, કેટલાંક ગ્રંથોમાં, ચેતનાના પણ નવ સ્તરો જણાવાયાં છે; પાંચ ઇન્દ્રિયોના સંદર્ભમાં પાંચ પ્રકારની ઇન્દ્રિય ચેતના, મન ચેતના, બુદ્ધિ ચેતના, અહંકાર ચેતના અને આત્મ ચેતના. અન્ય કેટલાંક ગ્રંથોમાં માનવીય ચેતનાનું વર્ગીકરણ દૈહિક ચેતના, ઇન્દ્રિય ચેતના, માનસિક ચેતના, બુદ્ધિ ચેતના, સંસ્કાર ચેતના, કરુણા કે પ્રેમ ચેતના, શક્તિ ચેતના, આત્મ ચેતના અને પરમ ચેતના મુજબ પણ કરાયું છે. આ બંને શાખામાં સંખ્યા તો નવ જ છે.

પ્રતીકાત્મક સ્વરૂપે નવને સંપૂર્ણ અંક ગણવામાં આવે છે. શૂન્યથી શરૂ થઈ નવ પછી દશાંશ પદ્ધતિનો સૌ પ્રથમ શૂન્ય સહિતનો અંક દસ આવે અને ગણતરી ફરીથી શરૂ થાય. નવ પછીના બધાં અંકનું મૂલ્ય ફરી એકથી શરૂ થાય છે, અર્થાત પ્રતીકાત્મક રીતે નવની પરિપૂર્ણતા પછી નવી શરૂઆત દર્શાવે છે. એમ કહી શકાય કે સર્જનની શરૂઆત થઈ તે પૂર્ણતાને પામે અને ફરીથી નવી શરૂઆત થાય. બાળકના સંદર્ભમાં આ સર્જન પાછળ નવ મહિના જેટલો સમય લાગે, આ રીતે પણ નવનો અંક સર્જનનું પ્રતીક બની રહે. ‘નવ’ની પૂર્ણતા પામ્યા પછી જ નવાં જીવનની શરૂઆત થાય.

ગણિતનાં સંદર્ભમાં દશાંશ પદ્ધતિમાં દસ પહેલાનો છેલ્લો અંક એટલે નવ. ગણિતમાં તો જેટલું મહત્વ શૂન્યનું છે એટલું જ મહત્ત્વ ‘નવ’નું છે. તે સૌથી મોટો એકઅંકી અંક છે. નવના ગુણાકારથી આવતી સંખ્યાના દરેક અંકનો સરવાળો નવના ગુણાકારમાં આવે. નવને અવશોષક સંખ્યા ગણવામાં આવે છે. નવના અંક વિશે આવી ગણિતની બાબતો તો બહુ પ્રચલિત છે, જેની ચર્ચાની આવશ્યકતા અહીં નથી.

આ બધાં સાથે એ જાણી લેવું પડે કે દેવીના પણ સ્વરૂપ નવ છે. શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કૂષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાળરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રી; મા દુર્ગાના આ નવ સ્વરૂપ છે. સાથે સાથે સનાતની સંસ્કૃતિમાં ‘નવકુમારી’નો ઉલ્લેખ પણ જોવા મળે છે, જેમનું જે તે પ્રસંગે કન્યા-પૂજન થતું હોય છે. આ નવ કુમારીકાઓ છે, કુમારી, ત્રિમૂર્તિ, કલાકારિણી, રોહિણી, કાલિકા, ચંડિકા, શાંભવી, દુર્ગા અને સુભદ્રા. આ પ્રત્યેક કુમારી એક વિશિષ્ટ શક્તિ અને તત્ત્વનું પ્રતિનિધિત્વ કરે છે.

સનાતની સંસ્કૃતિમાં આ છે ‘નવ’નું આધ્યાત્મિક મહત્ત્વ. નવ અંક માનવ શરીર, પ્રકૃતિ અને દૈવી શક્તિ, ત્રણેય સાથે સંકળાયેલો છે. સંક્ષેપમાં, નવ અંક સનાતન સંસ્કૃતિમાં પૂર્ણતા, શક્તિ, સર્જન અને પરિપૂર્ણ ચક્રનું પ્રતીક છે.