Fri May 01 2026

Logo

જાણીતા બોલીવૂડ એક્ટરના પિતાનું નિધન, સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આપી માહિતી...*

2026-02-18 16:01:55
Author: Darshana Visaria
Article Image

ગઈકાલે જ બોલીવૂડના સુપસ્ટાર સલમાન ખાનના પિતા અને જાણીતા રાઈટર સલીમ ખાનની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં દાખસ કરવામાં આવ્યાં હતા. આ બધા વચ્ચે જ ઈન્ડસ્ટ્રીમાંથી દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. બોલીવૂડના લોકપ્રિય અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra)ના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. 

મળતી માહિતી મુજબ લાંબી માંદગી બાદ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતા સુનિલ મલ્હોત્રાનું 14મી ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં નિધન થયું હતું. એક્ટરે સોશિયલ મીડિયા પર પિતા માટે ઈમોશનલ પોસ્ટ શેર કરીને આ ન્યુઝ ફેન્સ સાથે શેર કર્યા હતા. આ મુશ્કેલ સમયમાં પત્ની કિયારા અડવાણી સતત સિદ્ધાર્થ સાથે જોવા મળી હતી. 

મલ્હોત્રા પરિવારના નજીકના સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સિદ્ધાર્થના પિતા સિદ્ધાર્થ મલ્હોત્રાના નિધનના સમાચાર મળતાં જ સિદ્ધાર્થ અને કિયારા મુંબઈથી દિલ્હી જવા માટે રવાના થઈ હતા. દિલ્હીમાં જ સુનિલ મલ્હોત્રાના પાર્થિવ શરીર પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 

અત્રે ઉલ્લેખનીય છે કે એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતા સુનીલ મલ્હોત્રા મર્ચન્ટ નેવીમાં ઓફિસર તરીકે સેવા આપી ચૂક્યા હતા. સિદ્ધાર્થ હંમેશા તેના પિતાની ખૂબ નજીક રહ્યો છે અને અવારનવાર સોશિયલ મીડિયા પર તેમના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતો જોવા મળ્યો છે.

સુનીલ મલ્હોત્રા છેલ્લા ઘણા સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. ફેબ્રુઆરી, 2023માં સિદ્ધાર્થ અને કિયારાના લગ્નના રિસેપ્શન દરમિયાન સુનીલ મલ્હોત્રા વ્હીલચેર પર જોવા મળ્યા હતા. જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે તેઓ વર્ષોથી બીમાર હતા. પિતાના નિધન બાદ સિદ્ધાર્થ મલ્હોત્રાએ સોશિયલ મીડિયા પર ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. જે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર ચાહકો આ મુશ્કેલ સમયમાં સિદ્ધાર્થ અને તેના પરિવારને સાંત્વના આપી રહ્યા છે.

એક્ટરના પરિવાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ ઇન્ડસ્ટ્રીના અનેક લોકોએ શોક વ્યક્ત કરી રહ્યા છે. અહીંયા તમારી જાણ માટે કે ગઈકાલે બોલીવૂડના દબંગ સ્ટાર સલમાન ખાનના 90 વર્ષીય પિતા અને ઈન્ડસ્ટ્રીના જાણીતા રાઈટર સલીમ ખાનને મુંબઈની લીલાવતી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં સિદ્ધાર્થના પિતાના નિધનના સમાચારને કારણે ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.