શ્વેતા જોષી અંતાણી
પ્રાચીના ફોન પર લગાતાર નોટિફિકેશન્સનો વરસાદ થઈ રહ્યો હતો. વ્હોટ્સ એપ ગ્રૂપ, ઈન્સ્ટાગ્રામ લાઇક્સ, સ્નેપ ચેટ સ્ટ્રીક્સ અને એવું કેટલુંય બધું ... સ્ક્રીન પર બ્લીન્ક થઈ રહેલા દરેક નોટિફિકેશન્સ એ સાબિત કરી રહ્યાં હતાં કે પ્રાચી પાસે ખૂબ બધા લોકો છે. જોકે સતત અઢળક લોકોથી ઘેરાયેલી રહેતી પ્રાચી પોતે જ જાણતી હતી કે એ અંદરથી કેટલી એકલી છે. કોઈ અજીબ શૂન્યાવકાશ સતત એને અનુભવાતો.
સ્કૂલમાં હંમેશાં એની આસપાસ અનેક મિત્રો ફરતાં રહેતાં. લંચ બ્રેકમાં એના ટેબલની આસપાસ સૌથી વધારે લોકો ઉભરાતાં. ત્યાં હસી-મજાક, જોક્સ, સેલ્ફી લેવી,રીલ્સ બનાવવી આ બધું થતું રહેતું. પ્રશ્ન એ હતો કે જ્યારે પ્રાચી કોઈ ગંભીર વાત કરવા માગતી હોય ત્યારે એની વ્હારે કોઈ ના આવતું. ક્યારેક એ કશું બોલવાનો પ્રયત્ન પણ કરે તો લોકો ભેગા મળી એની વાતને ઉડાવી દેતાં. ‘અરે યાર, આટલું ડીપ શું વિચારવાનું!’ એમ કહી કોઈ વાત ટાળી દેતું તો બીજું હસીને આઘું ખસી જતું. પ્રાચી પણ હસી દેતી, પણ એની અંદર કંઈક અધૂરું છૂટી જતું.
એક દિવસ હિન્દીના ક્લાસમાં શિક્ષકે એક સવાલ પૂછ્યો: ‘તમને ક્યારે એવો અહેસાસ થયો છે કે તમે લોકોની વચ્ચે હોવા છતાં પણ એકલા હોવ?’
આખો ક્લાસ થોડી ક્ષણ માટે શાંત થઈ ગયો. પ્રાચીનું હૃદય જોરથી ધડકવા લાગ્યું. એણે ધીરેથી હાથ ઊંચો કરવાની કોશીશ તો કરી, પણ વળી પાછો નીચે લઈ લીધો. એને ડર હતો કે લોકો પોતાના વિશે શું વિચારશે?
એ દિવસે ઘરે જઈને એણે જાતને પૂછ્યું: ‘શું સાચે જ મારી પાસે એવું કોઈ જ નથી કે જેની સાથે હું ખુલ્લા મને કંઈ વાત કરી શકું?’ પ્રાચીએ પોતાના ચેટ બોક્સ ખોલ્યાં. અઢળક મેસેજ, મીમ્સ, આડાં-અવળાં લીધેલાં ફોટોગ્રાફ્સ પણ એમાંથી કોઈ એક એવું નહોતું કે જેની પાસે વિચાર્યા વગર, મન ખોલીને વાતો કરી શકાય. એ રાત્રે એણે ‘માય સ્પેસ’ નામની ડિજિટલ ડાયરીમાં એકાઉન્ટ બનાવ્યું. એને શીર્ષક આપ્યું ‘સરાઉન્ડેડ બટ નોટ કનેક્ટેડ’ એટલે કે ‘ઘેરાયેલી હોવા છતાં હું સંકળાયેલી નથી...’
બીજા દિવસે સ્કૂલમાં પ્રાચી થોડી ચુપ હતી. એ જોઈ નિહારિકા પૂછી બેસી, ‘કેમ આજે બોલતી નથી?’ પ્રાચી એ પહેલાં તો વાત ટાળવાની કોશિશ કરી, પણ અંતે એનાથી કહ્યાં વગર ના રહેવાયું, ‘મને લાગે છે હું બહુ જ એકલી છું.
‘એકલીઈઈઈ...’ નિહારિકા લગભગ ચીસ પાડતાં બોલી. પ્રાચીએ એનો હાથ દબાવતા ધીરેથી કહ્યું, ‘હા તમે લોકો છો, પણ ખબર નહીં હું મારી જાતને એક્સપ્રેસ નથી કરી શકતી. મને લાગે છે કે મને કોઈ સમજતું નથી.’
નિહારિકાને જાણે નકરો આઘાત લાગ્યો. એને તો એજ સમજાતું નહોતું કે આ ઉંમરે વળી ગંભીર વાતો શી કરવાની હોય! આપણે તો મોજેમોજ જીવવાનું અને ના ગમે તો ઘડીક રોઈ લેવાનું. બાકી આપણી પાસે તો આવી અઘરી વાતો સમજવાનો સમય જ ક્યાં હોય છે?
એ દિવસ પછી પ્રાચી હન્ટીંગ મોડ પર આવી ગઈ. એ સમજી ચૂકેલી કે આ બધાં એને નહીં સમજે. એને ગમે તેમ કરી આ ઘેટા-બકરાંના ટોળાંને બદલે એકાદ શાંત ઘુવડ જોઈતું હતું. એણે દરેક સાથે બધી જ વાતો કરવાને બદલે અમુક પસંદગીના વ્યક્તિઓ સાથે કનેક્શન બનાવવાનું નક્કી કર્યું. એ દરેક ગ્રૂપમાં એક્ટિવ રહેવાની કોશિશો બંધ કરવા લાગી. દરેક નોટિફિકેશનનો તુરંત જવાબ આપવાનું ટાળવા લાગી.
દરેક સ્નેપ સ્ટ્રીક પકડી રાખવાની જિદ હવે ઓસરતી ચાલી. શરૂઆતમાં એને પોતાનું વર્તન અજીબ લાગ્યું. સામેવાળા લોકો માટે તો આઘાતજનક હતું. મિત્રોને થયું આનું ચસ્કી ગયું છે. પણ પછી ધીરે ધીરે બધું છૂટતું ગયું. સોશ્યલ મીડિયા, મિત્રો, મસ્તી, મીમ્સ, રીલ્સ, લાઈક્સ બધું છૂટ્યા પછી પોતે ગંભીર લોકો સાથે વધુ કનેક્ટેડ ફીલ કરી શકશે એવું માનતી પ્રાચીની એકલતામાં વધારો થયો. ના એને એનું ઘુવડ મળ્યું, ના એ ઝટ્ દઈ પોતે કોઈ સાથે મન ખોલી વાતો કરવા લાગી. હા,
એ ચોક્કસ બદલાવ આવ્યો કે હવે એની આસપાસ નકામા ટોળાં કે કહેવાતા ફ્રેન્ડ્સ ગ્રૂપને બદલે બહુ મર્યાદિત લોકો બચ્યાં હતાં.
એકલદોકલ ફ્રેન્ડ સિવાયના બધાં એનો સાથ છોડી ગયેલાં, પણ એને સમાધાન સ્વીકાર્ય નહોતું. એને વિશ્વાસ હતો કે ક્યારેક તો એની પાસે એવા એકાદ-બે મિત્રો હશે જે એની સાથે શાંતિથી બેસી ભવિષ્યનાં સપનાઓની, જિંદગીની, ભય અને હિંમતની વાતો કરશે.
જિંદગીમાં બદલાવ આને જ કદાચ કહેવાતો હશે. જ્યારે માણસ જાતે જ પોતાનું ગ્રૂપ બદલે ,મિત્રો બદલે પોતાની પ્રાથમિકતા બદલે. એણે ડિજિટલ ડાયરીમાં નવું ક્વોટ લખ્યું ‘આઈ એમ અલોન, બટ નોટ લોન્લી.’ બીજા શબ્દોમાં એણે મનોમન સ્વીકારી લીધું કે
‘જ્યાં સુધી મનગમતાં મિત્રો ના મળે ત્યાં સુધી આ એકાંત મને મંજૂર છે...’