શ્વેતા જોષી અંતાણી
‘તમારા પર ઘરની બહાર એકલા નીકળવા પર પ્રતિબંધ હોય... નાની નાની વાતોમાં સતત ડરનો ઓછાયો હોય... ભૂલ થાય તો સજા થવી નિશ્ર્ચિત હોય... સ્વતંત્રતાનો ‘સ’ પણ બોલી શકાતો ના હોય અને તેમ છતાં તમે એક હૅપ્પી ટીનએજર છો એવું સ્થાપિત કરવું પડતું હોય તો કેવી ઘૂટન અનુભવાય? ’
આવું મનચમન વિચારતી આરોહીના કાને શબ્દો અથડાયા, ‘આજે સ્કૂલથી સીધી ઘેર આવજે. વચ્ચે ક્યાંય ઊભી રહેતી નહીં... ’મમ્મીનો આ આદેશ આરોહીને રોજ સાંભળવા મળતો. હાઈસ્કૂલમાં ભણતી આરોહી માટે આ વાક્ય જાણે વણકહ્યો નિયમ હતો. સ્કૂલ, ટ્યુશન અને ઘર. બસ, એ જ એની દુનિયા હતી. આરોહીનાં માતા-પિતા એને ખૂબ પ્રેમ કરતાં, પણ એ પ્રેમમાં વિશ્વાસ કરતાં ડર વધુ હતો. ‘બહારની દુનિયા ખતરનાક છે. લોકો ખરાબ છે. છોકરીએ વધારે છૂટછાટ ના લેવી જોઈએ...’ આવા વિચારો વચ્ચે આરોહી ઉછરી હતી.
એના મિત્રો ક્યારેક સાથે આઇસક્રીમ ખાવા જતા, લાઇબ્રેરીમાં બેસતા, ક્રિકેટ મૅચ જોવા કે શહેરના પુસ્તક મેળામાં ફરવા જતા. આરોહી માત્ર એમણે સોશ્યલ મીડિયામાં મૂકેલી પોસ્ટ જોઈ શકતી. આરોહી ભોળા પક્ષી માફક રોજ ડરેલી રહેતી.
‘તું કેમ નથી આવતી?’ એની ફ્રેન્ડ જાનવીએ એકવાર પૂછી લીધેલું.
‘ઘેરથી ચોખ્ખી ના છે’ આરોહી હસીને કહેતી, પણ અંદરથી એને દુ:ખ થતું.
એક દિવસ સ્કૂલમાં જાહેર થયું કે શહેરમાં લિટરેચર સોસાયટી દ્વારા લાઇબ્રેરીમાં યુવા લેખકો માટે વાર્તાલેખન વર્કશૉપ યોજાવાની છે. આરોહીને લખવાનો ખૂબ શોખ હતો. ડાયરીનાં પાનાંઓમાં એ પોતાની લાગણીઓ, સપનાંઓ અને નાની-નાની વાર્તાઓ લખતી.
એ ઉત્સાહથી ઘરે આવી :
‘મમ્મી, રવિવારે એક વર્કશૉપ છે. માત્ર ત્રણ કલાકની. હું જઈ શકું?’
મમ્મીએ તરત પપ્પા તરફ જોયું :
‘એટલે એકલી જશે?’ પપ્પા જાણે એ અન્ય શહેરમાં જતી હોય એમ બોલ્યા.
‘પણ ત્યાં મારા ફ્રેન્ડ્સ પણ હશે,’ આરોહીએ ગભરાતાં સ્વરે કહ્યું.
‘ના, જરૂર નથી,’ બસ વાત પૂરી થઈ ગઈ.
એ રાત્રે આરોહી લાંબા સમય સુધી જાગતી રહી. એને ગુસ્સો નહોતો આવતો. ફક્ત એક પ્રશ્ર્ન સતાવતો હતો. શું હું ખરેખર એટલી બંધાયેલી છું કે ત્રણ કલાક માટે પણ એકલી જઈ ન શકું? બીજા દિવસે સ્કૂલમાં વર્કશૉપ માટે નામ નોંધાવવાનો છેલ્લો દિવસ હતો. જાનવીએ પોતાનું નામ લખાવ્યું.
‘તું નથી આવતી?’ આરોહીએ નકારમાં માથું હલાવ્યું. જોકે એ દિવસ પછી આરોહીના વિચારો બદલાવા લાગ્યા. એણે સમજ્યું કે પોતાની દરેક ઇચ્છા માટે મંજૂરીની રાહ જોવી એ નૉર્મલ નથી.
આરોહીને અહેસાસ થાય છે કે પોતે કેટલા ખોટા ભ્રમમાં ઉછરેલી છે. એ પોતાના પર લદાયેલા બંધનોની બેડીઓ તોડવાની શરૂઆત કરે છે. પોતાની નાની ને ક્ષુલ્લક લાગતી ઇચ્છાઓ પૂરી કરવા એ કટીબદ્ધ બને છે.
થોડા સમય પછી સ્કૂલ તરફથી એને એક પ્રોજેક્ટ મળ્યો, જેમાં શહેરની કોઈ જાહેર જગ્યાની મુલાકાત લઈ રિપોર્ટ બનાવવાનો હતો. આ વખતે ટીચર્સે માતા-પિતાને સત્તાવાર પત્ર મોકલ્યો. ઘરે ચર્ચા થઈ.
‘સ્કૂલનું કામ છે એટલે જવા દેવી પડશે,’ મમ્મીએ કહ્યું. પપ્પાએ મને-કમને મંજૂરી આપી.
આરોહી માટે આ માત્ર પ્રોજેક્ટ નહોતો, આ એની જિંદગીએ અલગ દિશામાં લીધેલું પહેલું નાનકડું પગલું હતું. તે દિવસે એ બસમાં એકલી બેઠી. બારી બહાર દોડતા રસ્તાઓ જોઈને એને અજાણી ખુશી થઈ. શહેર તો એ જ હતું, જગ્યાઓ પણ એકસરખી, પરંતુ આજે પહેલી વાર એ પોતાના માટે જોઈ રહી હોય એમ લાગ્યું. હંમેશાં પેરેન્ટ્સનો પોચો ઝાલી ચાલનારી આરોહી જ્યારે બહાર ખુલ્લી હવામાં શ્વાસ લે છે ત્યારે જાણે મુઠ્ઠીભર આકાશ મળી ગયું હોય એવો આનંદ અનુભવે છે. પ્રોજેક્ટનું કામ પૂરું કર્યા બાદ બધાંએ કૅફેમાં જવાનું નક્કી કયુર્ં.
‘મારે ઘેર જવું જોઈએ’ આરોહીએ વિચાર્યું, પણ પછી એ થોડી ક્ષણો ઊભી રહી. કૅફેમાં બેસવું એ કોઈ ગુનો નહોતો. મિત્રો સાથે અડધો કલાક ગાળવામાં કોઈ બળવો નહોતો. એ અંદર ગઈ. ચાની સુગંધ, મિત્રોની વાતો અને ખડખડાટ હાસ્ય વચ્ચે આરોહીને લાગ્યું કે આટલી સામાન્ય વસ્તુ માટે પણ એ કેટલાં વર્ષોથી તરસતી હતી.
સાંજે ઘેર આવી ત્યારે પપ્પાએ પૂછ્યું, ‘કેમ મોડું થયું?’ પહેલી વાર આરોહીએ ડર્યા વગર જવાબ આપ્યો. ‘પ્રોજેક્ટ પછી મિત્રો સાથે કૉફી પીવા ગઈ હતી.’
ઘરમાં થોડી ક્ષણ શાંતિ છવાઈ ગઈ. એને લાગ્યું કે હવે ઠપકો પડશે, પણ કશું થયું નહીં.
એ રાત્રે પોતાના રૂમમાં બેસીને એણે ડાયરીમાં લખ્યું, ‘આજે મેં કોઈ મોટી લડાઈ જીતી નથી. કોઈ સાથે ઝઘડો પણ કર્યો નથી. મેં માત્ર એક નાનું પગલું ભર્યું છે. પણ કદાચ જીવનના બધા મોટા રસ્તા આવા જ નાના પગલાથી શરૂ થતા હશે.’
સમય જતાં આરોહી વધુ આત્મવિશ્વાસી બનતી ગઈ. એ હજુ પણ પોતાના પરિવારને પ્રેમ કરતી, એમની કાળજી લેતી, પણ હવે પોતાની ઇચ્છાઓને પણ મહત્ત્વ આપતાં શીખી હતી.
એણે શીખી લીધું હતું કે સ્વતંત્રતા હંમેશાં ઘોષણા કરીને મળતી નથી. ક્યારેક એ શાંતિથી લેવાયેલા એક નાના નિર્ણયમાં છુપાયેલી હોય છે. એને સમજાઈ ચૂક્યું હતું કે ઉંબર ઓળંગવો એટલે માત્ર ઘરની બહાર નીકળવું નહીં. ઉંબર ઓળંગવો એટલે પોતાના ડરને પાછળ મૂકી, જાત સુધી પહોંચવાનો રસ્તો શોધી કાઢવો. હા, કેટલીક છોકરીઓ માટે એ રસ્તો ખૂબ લાંબો હોય છે, પણ શરૂઆત માટે માત્ર એક કદમ જ પૂરતું છે.