Tue Apr 21 2026

Logo

શિવ રહસ્યઃ હું તને શાપ આપું છું કે, તારા કુળ ને તારી કીર્તિનો નાશ થાય

2026-04-06 08:58:00
Author: Bharat Patel
Article Image

 

ભરત પટેલ

મહારાજા પ્રિયવર્ત અને મહારાણી બહિષ્મતી સાગર કિનારે સંધ્યાવિહાર (સનસેટ જોવા) માટે પહોંચ્યાં એ જ સમયે બ્રહ્માજી ત્યાં પધારે છે અને કહે છે, ‘ભગવાન શિવની લીલા અસંભવ કાર્યને પણ સંભવ બનાવી દે છે. હવે સમય થઈ ગયો છે કે તમે તમારું માનવ જીવન સાર્થક કરી શકો. શિવ કૃપાથી આ પૃથ્વીને સાત ખંડોમાં અને એ સાત ખંડોમાં સાત સમુદ્રની રચના કરો. સૃષ્ટિની રચના વખતે આ કાર્ય તમારા માટે છોડી દેવામાં આવ્યું હતું, જે હવે તમારે પૂર્ણ કરવાનું છે. 

મહારાજા પ્રિયવર્ત કહે છે કે ‘પણ આ કાર્યને હું કઈ રીતે પૂર્ણ કરીશ?’
ત્યારે બ્રહ્માજી જણાવે છે કે પૃથ્વીને નવું રૂપ આપવાના કાર્યમાં તમને દેવતાઓના શિલ્પી અને મહારાણી બહિષ્મતીના પિતા વિશ્ર્વકર્માની સહાય અવશ્ય મળશે, પ્રથમ તમેે બંને તેમને પ્રસન્ન કરો.’  
સાથે જ બ્રહ્માજી કહે છે કે ‘સફળતા મેળવવાનો પહેલો અને સરળ માર્ગ ધૈર્ય છે. જો અનુષ્ઠાનમાં તમે ધૈર્ય ધારણ કરશો તો સફળતા જરૂર મળશે.’

મહારાજા પ્રિયવર્ત અને મહારાણી બહિષ્મતી તેમને પ્રણામ કરે છે અને તેમની આજ્ઞાને પ્રથમ કર્તવ્ય માને છે. બાદમાં બ્રહ્માજી ત્યાંથી વિદાય લે છે.

મહારાજા પ્રિયવર્ત અને મહારાણી બહિષ્મતી સામે દેવતાઓના શિલ્પી ભગવાન વિશ્ર્વકર્મા ત્યાં પ્રકટ થાય છે. તેમને જોઈને બહિષ્મતી પિતાને કહે છે કે ‘અમને તમારા આશીર્વાદ અને સહકારની જરૂર છે.’

ભગવાન વિશ્ર્વકર્મા જણાવે છે કે ‘જે કાર્યને સ્વયં બ્રહ્માજીએ અપૂર્ણ રાખ્યું છે એને પૂર્ણ કરવાની જવાબદારી અમારા જમાઈ મહારાજા પ્રિયવર્તને સોંપી છે, જે ખૂબ અગત્યનું છે. તેમને સહકાર આપવો એ અમારા માટે ગર્વની વાત છે.’

આટલું કહીને ભગવાન વિશ્વકર્મા તેમને એક દિવ્ય સિંહાસન અને એક દિવ્ય ખડગ આપે છે. સાથે જ જણાવે છે કેઆ ઉત્તમ કાર્ય માટે તમારી સાથે સમસ્ત દેવગણ અને ત્રિદેવના આશીર્વાદ સાથે છે. 

પ્રિયવર્ત અને બહિષ્મતી માતા પૃથ્વીને પ્રસન્ન કરવા આરાધના કરતાં માતા પૃથ્વી પ્રસન્ન થાય છે. મહારાજા પ્રિયવર્ત અને મહારાણી બહિષ્મતી કહે છે, ‘માતા! ભગવાન શિવની આજ્ઞાથી અમે તમારી શરીરરૂપી ભૂમિને સપ્તદ્વિપ ખંડ અને સાત મહાસાગરમાં પરિવર્તિત કરવા માગીએ છીએ. માના હૃદયમાં મમતાનો વાસ હોય છે. અમારા કાર્યથી ભૂમિ અને સાગર વચ્ચે નવો સંબંધ સ્થાપિત થશે. પૃથ્વીવાસી માનવોનો વિકાસ સુગમ થશે. આશીર્વાદ આપો જેથી અમે અમારા કાર્યમાં સફળ થઇએ.’ 

પ્રસન્ન માતા પૃથ્વી દ્વારા અનુમતિ આપતાં જ મહારાજા પ્રિયવર્ત અને મહારાણી બહિષ્મતી એ દિવ્ય સિંહાસન પર આરુઢ થતાં જ તેમને બંનેને પૃથ્વીનો ભૂમિ ભાગ અને જળ સ્પષ્ટ દેખાવા લાગ્યા અને આ ખડગમાંથી નીકળેલો દૈવી પ્રકાશ પૃથ્વીમાતાને ખંડ ખંડમાં રૂપાંતરિત કરવા લાગ્યો. ભગવાન વિશ્ર્વકર્મા દ્વારા અપાયેલા ખડગનો મહારાજા પ્રિયવર્તએ સાત વખત ઉપયોગ કર્યો. ફળસ્વરૂપે એ સાતેય સ્થાન સાત દ્વીપોમાં પરિવર્તિત થઈ ગયા અને આ પ્રકારે સાત મહાસાગરનું પણ નિર્માણ થયું. 

એજ સમયે ભગવાન શિવ, ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને બ્રહ્માજી ત્યાં પ્રકટ થાય છે અને ભગવાન શિવે આશીર્વાદ આપતાં કહ્યું કે, ‘હે પ્રિયવર્ત અને બહિષ્મતી તમારા નામ પણ અમારા ત્રિદેવની સાથે પૃથ્વીના રચનાકાર તરીકે પ્રખ્યાત થશે.’
---
એક સમયે શિવભક્ત રાજા વૃષધ્વજ નૈમિષારણ્ય પર રાજ કરતાં હતાં. વૃષધ્વજ રાજા અતિ જ્ઞાની અને પરાક્રમી હતા. તે ઈન્દ્રના પરમમિત્ર હતા. અવારનવાર અસુરો દેવલોક પર આક્રમણ કરતાં ત્યારે તેઓ હંમેશાં દેવરાજ ઇન્દ્રને સહાય કરતા. ઈન્દ્રલોકમાં પણ રાજા વૃષધ્વજનું બહુ માન અને દબદબો હતો. એક સમયે રાજા વૃષધ્વજે તેમના રાજ્યમાં ઢંઢેરો પિટાવ્યો કે, આખા રાજ્યમાં ભગવાન શંકર અને પાર્વતી સિવાય કોઈ દેવદેવીની પૂજા ન કરવી. 

પ્રતિબંધના આવા ઢંઢેરાને લીધે હોમ-હવન અને યજ્ઞભાગ રાજ્યમાં બંધ થઈ ગયા. આથી અન્ય દેવતાઓ નારાજ થયા. સમગ્ર દેવતાઓ પણ જાણતાં હતાં કે રાજા વૃષધ્વજ પર ભગવાન શિવની અનંત કૃપા હોવાથી તે ગર્વિષ્ઠ રાજાને શાપ પણ ન આપી શકાય.

એક દિવસ રાજા વૃષધ્વજે નદીમાં સ્નાન કર્યું. સ્નાન કરી તે સૂર્યનારાયણને અર્ઘ્ય આપતો હતો, પણ અન્ય દેવતાઓની પૂજા ન કરવી તેવો પ્રતિબંધ પોતે જ ફરમાવ્યો હોવાથી તે દિવસે રાજા વૃષધ્વજે ભગવાન સૂર્યની સામે નજર પણ ન કરી. આથી ભગવાન સૂર્ય નારાજ થઈ તેમની સામે પ્રગટ થયા.

ભગવાન સૂર્ય: ‘હે પરમ શિવભક્ત વૃષધ્વજ! દેવતાઓની મિત્રાચારીનો આ પ્રકારે લાભ લેવો ઉચિત નથી. માત્ર ભગવાન શિવ અને માતા પાર્વતી અન્ય દેવ-દેવીઓનું પૂજન અર્ચન ન કરવાની તમારી આજ્ઞા યોગ્ય નથી. જો તમે સર્વ દેવતાઓનું પૂજન કરશો અને કરાવશો તો તમારી કીર્તિમાં અભિવૃદ્ધિ થશે અને તમારા રાજ્ય પર દેવતાઓની અવિરત કૃપા વરસતી રહેશે.’

આટલી વાત સાંભળતાં  જ મહારાજ વૃષધ્વજનો ક્રોધ ભભૂકી ઉઠયો.

મહારાજ વૃષધ્વજ: ‘ભગવાન શિવ અને માતા પાર્વતી મારા આરાધ્ય છે અને અન્ય દેવતાઓ મારા મિત્ર છે, માટે મિત્રોનું પૂજન કરવું મને યોગ્ય લાગતું નથી. આજે મેં તમને અર્ઘ્ય ન આપ્યો પૂજા પણ કરી નથી તેથી તમે ઉશ્કેરાઈ ગયા છો. હું તો ખૂબ પરાક્રમી અને બલિષ્ઠ છું, મને તમારો જરાય ડર નથી.’

આવી કટુ વાણી સાંભળી સૂર્ય દેવ પણ ક્રોધે ભરાયા તેમણે કહ્યું, ‘તારા બળના કારણે તું અહંકારી બની ગયો છે, તું દેવતાઓનું અપમાન કરી રહ્યો છે, હું તને શાપ આપું છું કે, તારા કુળ અને તારી કીર્તિનો નાશ થાય.’

અભિશાપને લીધે રાજા વૃષધ્વજનો અહંકાર ઓગળી ગયો. એનો ઘમંડ નષ્ટ થઈ ગયો. તેને ખાતરી હતી કે દેવતાઓનો શાપ કદી મિથ્યા થતો નથી. તેણે વ્યથિત બનીને ભગવાન શિવને યાદ કર્યા. પોતાના પરમ ભક્તને શાપ મળતાં જ ભગવાન શિવ ત્યાં પ્રગટ થાય છે.

મહારાજા વૃષધ્વજ: ‘ત્રાહિમામ... પ્રભુ ત્રાહિમામ... મને ઉગારો પ્રભુ...મને ઉગારો. મને સૂર્ય દેવે શાપ આપ્યો છે કે મારું કુળ અને કીર્તિનો નાશ થાય. આ શાપથી મને ઉગારો પ્રભુ...મને ઉગારો...’

ભગવાન શિવ પોતાના પ્રાણપ્રિય ભક્ત મહારાજા વૃષધ્વજની અવસ્થા જોઈ ખૂબ રોષે ભરાયા. તેમણે ત્રિશૂળ ઉઠાવ્યો અને સૂર્યની પાછળ દોટ મૂકી. સૂર્યદેવ ભયભીત થઈ બ્રહ્મલોક તરફ દોડવા લાગ્યાં. સમગ્ર આકાશલોકમાં દેવતાઓની ભાગદોડ મચી ગઈ.    (ક્રમશ):