Sun Jul 26 2026

Logo

ખામેનેઈની મોત બાદ શિયા કાઉન્સિલે દિલ્હી-લુધિયાણામાં વિરોધ પ્રદર્શન, ઈઝરાયલ-અમેરિકા વિરુદ્ધ લગાવ્યા નારા...

2026-03-01 20:06:22
Author: Mumbai Samachar Team
Article Image

PTI


નવી દિલ્હીઃ અમેરિકા-ઇઝરાયલના સંયુક્ત હવાઈ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈના મૃત્યુ બાદ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ઈરાનની સરકારી મીડિયાએ તેમના મૃત્યુની પુષ્ટી કરતા કહ્યું હતું કે શનિવારે તેહરાનમાં તેમની ઓફિસ પર હુમલો કરવામાં આવ્યો હતો. ખામેનેઈના મોત બાદ નવી દિલ્હીના જામિયા નગર વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

પંજાબના શાહી ઇમામ મૌલાના મોહમ્મદ ઉસ્માન રહેમાની લુધિયાનવીના નેતૃત્વમાં ખામેનેઈની હત્યાના વિરોધમાં લુધિયાણામાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. તેમણે ભારત સરકાર પાસેથી પણ માંગ કરી હતી કે સર્વોચ્ચ નેતા માટે એક અઠવાડિયાનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવે. 

ઐતિહાસિક ફિલ્ડ ગંજ મસ્જિદની બહાર મોટી સંખ્યામાં મુસ્લિમો એકઠા થયા હતા જેમાં મહિલાઓ પણ સામેલ હતી. પ્રદર્શનકારીઓએ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના પૂતળા બાળ્યા હતા. નોંધનીય છે કે ઈરાને ખામેનેઈના મોત બાદ 40 દિવસનો રાષ્ટ્રીય શોક અને સાત દિવસની જાહેર રજા જાહેર કરી છે. આ ઘટનાથી ઈરાનમાં શોક અને અશાંતિનું વાતાવરણ સર્જાયું છે.

UNI

દરમિયાન ઓલ ઈન્ડિયા શિયા કાઉન્સિલે દિલ્હીના જંતર મંતર પર ખામેનેઈના મૃત્યુના વિરોધમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમો શિયા સમુદાયમાં હુમલાની નિંદા કરવા અને શોક વ્યક્ત કરવા માટે આયોજિત કરવામાં આવ્યા હતા, જ્યારે દેશના અન્ય ભાગો, જેમ કે લખનઉ અને શ્રીનગરમાં વિરોધ પ્રદર્શનો અને શોક પ્રદર્શનો કકરવામાં આવ્યા હતા.

પ્રદર્શનો દરમિયાન લોકોએ ઇઝરાયલ અને અમેરિકાની વિરોધમાં નારા લગાવ્યા હતા. ઘણા લોકોએ પ્લેકાર્ડ અને બેનરો પકડ્યા હતા. પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું કે તેઓ ઇરાન સાથે એકતા દર્શાવવા માટે રસ્તાઓ પર ઉતર્યા છે. જામિયા નગર અને આસપાસના વિસ્તારોમાં પ્રદર્શનોમાં ભાગ લેનારા કેટલાક લોકોએ જણાવ્યું હતું કે આ ફક્ત એક દેશનો મામલો નથી, પરંતુ સમગ્ર રાષ્ટ્ર અને ન્યાયનો પ્રશ્ન છે. 

તેઓએ જણાવ્યું હતું કે તેઓ કોઈ હિંસા ઇચ્છતા નથી, પરંતુ શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. કેટલાક સ્થાનિક રહેવાસીઓએ એવી પણ ચિંતા વ્યક્ત કરી હતી કે આંતરરાષ્ટ્રીય સમુદાયે ખાતરી કરવી જોઈએ કે સ્થાનિક વાતાવરણ વધુ ખરાબ ન થાય.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જામિયા નગર અને આસપાસના વિસ્તારોમાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓએ જનતાને શાંતિ જાળવવા અને કાયદો પોતાના હાથમાં લેવાથી દૂર રહેવા અપીલ કરી હતી. 

કોઈ મોટી અથડામણ કે હિંસાના કોઈ અહેવાલ નથી અને પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું કહેવાય છે. વહીવટીતંત્રે સ્પષ્ટતા કરી છે કે તે સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને કોઈ પણ અફવાઓ સામે સલાહ આપવામાં આવી છે.