રાજકોટઃ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે ચઢી રહ્યો છે. શહેર કાલાવડ રોડ પર મટુકી રેસ્ટોરન્ટ પાછળ આવેલા સીતારામ પાર્કમાં રહેણાંક મકાનમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં મહિલાની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પોલીસ કાફલો દોડી આવ્યો
મૃતક મહિલાની ઓળખ ગીતાબેન વાજા (ઉંમર આશરે 55 વર્ષ) તરીકે થઈ છે. તેઓ બ્યુટી પાર્લરનું સંચાલન કરતા હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસનો કાફલો તેમજ ACP સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. હાલ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારની તપાસ કરવામાં આવી રહી છે.
તપાસનો ધમધમાટ
હત્યાની આશંકાને પગલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અને SOGની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા મૃતદેહ કબજે લઈ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મહિલાનું મોત કયા સંજોગોમાં થયું અને હત્યા પાછળનું કારણ શું છે તે જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.