પ્રફુલ શાહ
ગતાંકથી શરૂ.
અબ્દુલ કરીમ તેલગી દેશભરમાં નકલી સ્ટૅમ્પ પેપરના વિશાળ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર બન્યો એ હવે કહેવાની જરૂર નથી. આ કૌભાંડ પર્દાફાશ થયા બાદ 2001માં તેની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ તપાસમાં એક પછી એક સનસનાટી મચાવતાં તથ્યો બહાર આવ્યાં હતાં.તપાસ દરમિયાન જાણવા મળ્યુંકે કેટલાક પોલીસ અધિકારીઓ અને સરકારી કર્મચારીઓની મદદ વગર આટલા મોટા પાયે કૌભાંડ ચલાવવું લગભગ અશક્ય હતું. આમાં સહાયક પોલીસ તપાસકર્તા નિખિલ કોઠારીનો પણ સમાવેશ થતો હતો, જેમની માસિક આવક માત્ર ₹ 9000 હોવા છતાં કુલ સંપત્તિ ₹ એક અબજથી વધુ હોવાનું બહાર આવ્યું હતું.
આ કેસમાં અન્ય પોલીસ અધિકારીઓનાં નામ પણ સામે આવ્યાં હતાં. તે સમયે મુંબઈ સ્પશ્યલ બ્રાંચના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ પ્રદીપ સાવંતને શરૂઆતમાં કેસમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં નિર્દોષ સાબિત થતાં તેમની પુન:નિયુક્તિ કરવામાં આવી હતી. પોલીસ અધિકારી એસ. એમ. મુશ્રિફે પણ આ કેસમાં નિર્ણાયક પગલાં લીધાં હતાં. આવા કારણે કેસ ખૂબ ચર્ચાસ્પદ બન્યો હતો.
તેલગી પર ભારતમાં સૌથી વધુ ચર્ચિત ગણાતા નાર્કો-એનાલિસિસ પરીક્ષણોમાંનું એક કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણના વિડિયો અને વિગતો વર્ષો સુધી સમાચાર અને જાહેર ચર્ચાનો વિષય રહ્યાં હતાં. તેણે ખુદ કોર્ટમાં કેટલાક આરોપો સ્વીકાર્યા પણ હતા.
2006ની 17 જાન્યુઆરીએ અબ્દુલ કરીમ અને તેમના કેટલાક સાથીદારોને 30 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી. ત્યાર બાદ 2007ની 28મીના રોજ તેલગીને આ કૌભાંડના અન્ય એક પાસા માટે 13 વર્ષની સખત કેદની સજા આપવામાં આવી હતી. ઉપરાંત તેમને ₹ 10 અબજનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. આવકવેરા વિભાગે તો દંડની રકમ વસૂલ કરવા માટે તેલગીની મિલકતો જપ્ત કરવાની માગણી કરી હતી.
મીડિયા અહેવાલો મુજબ, જેલમાં હોવા છતાં તેને કેટલીક વિશેષ સુવિધાઓ મળતી હોવાના આરોપો લાગ્યા હતા, જેના કારણે જેલ વ્યવસ્થા અંગે પણ પ્રશ્નો ઊભા થયા હતા. આમેય અઢળક પૈસા હતા, રાજકીય સંપર્ક હતા અને ઘણા પોલીસવાળા સાથે ઘરોબો હોવાથી તેલગીએ જેલમાં વીઆઇપી ટ્રીટમેન્ટ ન મળી હોત તો જ નવાઈની વાત હોત. આ ભારત છે અને પૈસો બધે બોલે છે.
જ્યારે વ્યવસ્થાની અંદર ભ્રષ્ટાચાર, બેદરકારી અને રાજકીય-પ્રશાસકીય સાંઠગાંઠ હોય ત્યારે એક વ્યક્તિ કેટલા મોટા પાયે છેતરપિંડી કરી શકે છે એનો જીવતોજાગતો પુરાવો બની ગયો હતો તેલગી.
અબ્દુલ કરીમ મેનિન્જાઇટિસથી પીડાતા હતો. તે 20 વર્ષથી વધુ સમયથી ડાયાબિટીસ અને ઉચ્ચ રક્તચાપ (હાઇપરટેન્શન)થી પણ પીડાતો હતો. અંતે 13 વર્ષના જેલવાસ બાદ 2017ની 23 ઑક્ટોબરે બેંગલુરુની વિક્ટોરિયા હૉસ્પિટલમાં તેલગીએ અંતિમ શ્વાસ લીધા હતા. પરંતુ ભારતના સૌથી કુખ્યાત આર્થિક ગુનેગારોમાંના એક એવા અબ્દુલ કરીમ તેલગીના કૌભાંડ અને ખટલા સંબંધી ઘણી સનસનીખેજ માહિતી હજી બાકી છે. (ક્રમશ:)