Sat Sep 05 2026

Logo

કોઈ આભ નથી તૂટી પડવાનું...રામ મંદિર દાન ચોરી કેસમાં સુપ્રીમ કોર્ટે આવું કેમ કહ્યું?

2026-06-29 12:44:00
Author: Mumbai Samachar Team
કોઈ આભ નથી તૂટી પડવાનું...રામ મંદિર દાન ચોરી કેસમાં સુપ્રીમ કોર્ટે આવું કેમ કહ્યું?

નવી દિલ્હીઃ અયોધ્યાના રામ મંદિર દાન ચોરી કેસમાં તાત્કાલિક સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો છે. રામ મંદિરને મળેલા દાન અને નાણાકીય ગેરરીતિઓને લઈને સોમવારે સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં CBIની દેખરેખ હેઠળ તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે આ મામલે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અરજદાર સવાલ કર્યો કે, "આ મામલામાં તાત્કાલિક સુનાવણીની શું જરૂર છે? શું પછીથી સુનાવણી કરવાથી કોઈ આભ તૂટી પડવાનું છે?"

સુપ્રીમ કોર્ટ સમક્ષ આજે જ્યારે આ અરજી આવી ત્યારે જજ સાહેબ નારાજ થઈ ગયા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો ઉનાળાના વેકેશન પછી કોર્ટની નિયમિત કામગીરી શરૂ થવા પર આ મામલાની સુનાવણી થાય, તો કોઈ આભ નથી તૂટી પડવાનું. આમાં આટલી ઉતાવળ શું છે, પ્રક્રિયા મુજબ તેની સુનાવણી કરી લઈશું.

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ શીલ નાગૂની બેન્ચે તાત્કાલિક સુનાવણી કરવાની આ અરજીને ફગાવી દીધી છે. બેન્ચે જણાવ્યું કે આ અરજી પર 12 થી 17 જુલાઈના અઠવાડિયા દરમિયાન સુનાવણી હાથ ધરાશે.

કોણે અરજી દાખલ કરી હતી અને શું હતી માંગ?

રામ મંદિર દાન ચોરી કેસમાં બે વકીલો તરફથી અરજી દાખલ કરવામાં આવી હતી. આ જાહેર હિતની અરજી (PIL)માં રામ મંદિર માટે એકત્રિત કરવામાં આવેલા દાનના નાણાંના કથિત દુરુપયોગની CBI તપાસ કરાવવાની માંગ કરવામાં આવી હતી.

ચંપત રાયે આપ્યું હતું રાજીનામું

રામ મંદિર દાન ચોરી કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ કરી છે. પોલીસે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાયનું નિવેદન નોંધ્યું છે, જ્યારે જરૂર પડ્યે ટ્રસ્ટી અનિલ મિશ્રા સહિત ટ્રસ્ટના અન્ય વરિષ્ઠ અધિકારીઓના નિવેદનો પણ નોંધવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે ચંપત રાયે ગત દિવસોમાં ટ્રસ્ટમાંથી રાજીનામું આપી દીધું હતું.