મુંબઇઃ પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ અધિકારીને ભાજપે પોતાના મુખ્યમંત્રી બનાવ્યા છે. શુભેન્દુના મુખ્યમંત્રી બનવા પર શિવસેના (ઉદ્ધવ ઠાકરે) પાર્ટીના રાષ્ટ્રીય પ્રવકતા સંજય રાઉતે ભાજપ પર આકરો પ્રહાર કર્યો છે. સંજય રાઉતે કહ્યું કે ભાજપે શુભેન્દુ સામે જ ભ્રષ્ટાચારની ઝુંબેશ ચલાવી હતી. ભાજપમાં બહારથી આવનારા ભ્રષ્ટ વ્યક્તિને મુખ્યમંત્રી બનાવવાની પરંપરા તેમણે જાળવી રાખી છે.
સંજય રાઉતે શુભેન્દુ અધિકારીને બંગાળના મુખ્યમંત્રી બનાવવા પર કટાક્ષ કરતા કહ્યું કે "ભારતીય જનતા પાર્ટીને અભિનંદન આપવા જોઈએ, જે પોતાની પરંપરા ક્યારેય તોડતી નથી. પરંપરા જાળવી રાખવામાં તેમને કોઇ ના પહોંચે. થોડા વર્ષો પહેલા, આ જ શુભેન્દુ અધિકારી વિરુદ્ધ ભાજપના લોકોએ, આખી ભાજપે ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝુંબેશ ચલાવી હતી. આ જ અધિકારી વિરુદ્ધ ઘણું મોટું આંદોલન ચલાવ્યું હતું."
બીજા પક્ષમાંથી આવેલા ભ્રષ્ટ વ્યક્તિને બનાવ્યા મુખ્યમંત્રી
શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે શુભેન્દુ અધિકારી ઓન કેમેરા લાંચ લેતા પકડાયા હતા અને આખા ભાજપના ટ્વિટર હેન્ડલ અને સોશિયલ મીડિયા પર શુભેન્દુ અધિકારી જ છવાઇ ગયા હતા. મહિનાઓ સુધી શુભેન્દુ અધિકારી કેટલા ભ્રષ્ટ છે તે ચલાવવામાં આવ્યું હતું. આ ભ્રષ્ટ વ્યક્તિની ઉપર ઇડી (ED)એ રેડ પણ પાડી હતી. પછી આ મહાન વ્યક્તિ ભાજપમાં જતો રહ્યો અને આજે તે રાજ્યનો મુખ્યમંત્રી બની ગયો.
સંજય રાઉતે કટાક્ષ કરતા કહ્યું કે ભાજપમાં એક ભ્રષ્ટ વ્યક્તિને મુખ્યમંત્રી બનાવવાની પરંપરા છે, અને તે પણ બહારથી આવનારા માટે. આ પરંપરાને ભારતીય જનતા પાર્ટીએ જાળવી રાખી છે. જેના માટે તેમને ધન્યવાદ આપવા જોઇએ.
તમિલનાડુમાં કોંગ્રેસ ગઠબંધન તોડવા પર નિવેદન
બીજીબાજુ તમિલનાડુમાં DMK સાથેનું જોડાણ તોડીને કોંગ્રેસ દ્વારા વિજય થલાપતિની ટીવીકેનું સમર્થન કરવા પર સંજય રાઉતે કહ્યું કે રાજકારણમાં આવું થાય છે, તમિલનાડુની રાજનીતિ ઘણી ચંચળ છે. સ્ટાલિન સાથે રાહુલ ગાંધીએ આ અંગે ખુલીને વાત કરી છે કે NDAની સરકાર રોકવા માટે આપણે આ નિર્ણય લેવો પડશે. તમે પણ તેમાં સામેલ થાઓ. ધીમે ધીમે તેનો ઉકેલ આવી જશે.