Tue Jul 14 2026

Logo

સમય રૈનાની મુશ્કેલી વધીઃ સુપ્રીમ કોર્ટે ફટકાર્યો ત્રણ લાખનો દંડ, જાણો શું છે મામલો?

2026-07-14 20:53:00
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: પ્રખ્યાત સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈનાને તેમના શો 'ઈન્ડિયાઝ ગોટ લેટન્ટ' સાથે જોડાયેલા એક જૂના કેસમાં સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કોમેડિયન દ્વારા અદાલતના અગાઉના નિર્દેશોનું પાલન કરવામાં આવ્યું નથી, જેને પગલે કોર્ટે તેમની પર 3 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ જ કેસમાં પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયા અને યુટ્યુબર આશિષ ચંચલાની પર પણ દંડ લાદવામાં આવ્યો છે.

મીડિયાના અહેવાલ મુજબ સુપ્રીમ કોર્ટે સમય રૈના અને રણવીર અલ્હાબાદિયા વિરુદ્ધ આકરી ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે તેઓ અદાલતના આદેશોનું પાલન નથી કરી રહ્યા અને આથી કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે સમય રૈનાએ અદાલતને ગેરમાર્ગે દોરી છે. કોર્ટે આ બંનેને બે સપ્તાહની અંદર 3-3 લાખ રૂપિયાનો દંડ ભરવાનો આદેશ આપ્યો છે.

આ સમગ્ર વિવાદ સમય રૈના દ્વારા તેમના શોમાં દિવ્યાંગ લોકોની મજાક ઉડાવવાને કારણે શરૂ થયો હતો. આ બાબતે કાયદાકીય કાર્યવાહી દરમિયાન કોર્ટે સમય રૈનાને આદેશ આપ્યો હતો કે તેઓ દિવ્યાંગ વ્યક્તિઓને તેમના શોમાં આમંત્રિત કરે. 

સાથે જ અન્ય આરોપીઓને પણ દિવ્યાંગોની સારવાર માટે બનાવવામાં આવેલા ફંડમાં મદદ કરવા અને દર મહિને ઓછામાં ઓછા બે કાર્યક્રમો યોજવા માટે નિર્દેશ આપવામાં આવ્યા હતા, જેનું પાલન કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા.

દિવ્યાંગો વિશેની ટિપ્પણી બાદ એક સામાજિક સ્વૈચ્છિક સંસ્થા (NGO)એ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુનાવણી દરમિયાન NGOના વકીલે દાવો કર્યો હતો કે સમય રૈનાએ કોર્ટના આદેશ છતાં કોઈ દિવ્યાંગ વ્યક્તિનો સંપર્ક કર્યો નથી. 

બીજી તરફ, સમય રૈનાના વકીલે દાવો કર્યો હતો કે તેમણે પોતાના શો દ્વારા દિવ્યાંગો માટે 9 લાખ રૂપિયા એકઠા કર્યા છે, જેના જવાબમાં NGOના વકીલે સ્પષ્ટ કર્યું હતું કે તેમને કોઈ પણ નાણાકીય સહાયની જરૂર નથી.