Sat Sep 05 2026

Logo

સામખિયાળી-ભચાઉ વચ્ચે ૧૧૦ કિ.મી.ની ઝડપે સ્પીડ ટ્રાયલ સફળ: ટૂંક સમયમાં નવી રેલવે લાઈનો શરૂ થશે

2026-07-31 12:00:00
Author: Mumbai Samachar Team
સામખિયાળી-ભચાઉ વચ્ચે ૧૧૦ કિ.મી.ની ઝડપે સ્પીડ ટ્રાયલ સફળ: ટૂંક સમયમાં નવી રેલવે લાઈનો શરૂ થશે

ભુજઃ પશ્ચિમ રેલવે દ્વારા હાથ ધરવામાં આવેલા આદિપુર-ગાંધીધામ અને સામખિયાળી-ગાંધીધામ ચાર લાઈન (ક્વાડ્રપલિંગ) પ્રોજેક્ટ અંતર્ગત સામખિયાળીથી ભચાઉ વચ્ચેની કામગીરી પૂર્ણ થતાં આજે ૧૧૦ કિલોમીટરની ઝડપે સ્પીડ ટ્રાયલ યોજવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, રેલવે વિભાગ દ્વારા સામખિયાળીથી ભચાઉ વચ્ચે ત્રીજી અને ચોથી લાઈનનું નિર્માણ કાર્ય પૂર્ણ કરી દેવાયું છે. આ સાથે જ ભચાઉ, વોંધ અને સામખિયાળી વચ્ચે અત્યાધુનિક 'ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ' પણ અમલી બનાવવામાં આવી છે. આ કામગીરીને આખરી ઓપ આપવા માટે હાલ નોન-ઈન્ટરલોકિંગ કાર્ય ચાલુ હોવાથી આગામી ૪ ઓગસ્ટ સુધી કચ્છ રૂટની મોટાભાગની ટ્રેનો રદ રાખવામાં આવી છે.

આજે નવી લાઈનોની ચકાસણી અર્થે રેલવેના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં સામખિયાળીથી ભચાઉ સેક્શન પર ૧૧૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે રેલવે એન્જિન દોડાવવામાં આવ્યું હતું. આ સ્પીડ ટ્રાયલ સંપૂર્ણપણે સફળ રહી હોવાનું રેલવે સૂત્રોએ જણાવ્યું હતું.

આગામી ૪ અને ૫ ઓગસ્ટના રોજ પશ્ચિમ રેલવેના સેફ્ટી કમિશનર દ્વારા આ નવા ટ્રેકનું આખરી પરીક્ષણ કરવામાં આવશે. સેફ્ટી ક્લિયરન્સ મળ્યા બાદ ત્રીજી અને ચોથી લાઈન પર પ્રથમ તબક્કે માલગાડીઓ દોડાવવાની મંજૂરી અપાશે. આગામી સમયમાં ઔદ્યોગિક મથક એવા ગાંધીધામ સુધી વધારાની આ બે લાઈનો પૂર્ણપણે કાર્યરત થઈ જતાં માલગાડીઓ તેમજ પેસેન્જર ટ્રેનોનું આવાગમન વધુ ઝડપી અને સુચારુ બનશે.
 
(ઉત્સવ વૈદ્ય)