Tue Aug 18 2026

Logo

કચ્છના કેટલાક વિસ્તારોમાં શ્રાવણમાં રાહત: વરસાદની ઘટ વચ્ચે હળવા વરસાદની આગાહી યથાવત

2026-08-17 11:35:00
Author: Mumbai Samachar Team
Article Image

 

ભુજ: મેઘતૃષ્ણાનાં મુલક સમાન રણપ્રદેશ કચ્છમાં વરસાદની પ્રવર્તી રહેલી ખેંચ વચ્ચે જિલ્લાના કેટલાક ભાગોમાં શ્રાવણી સરવડિયાં વરસતાં રાહત પ્રસરી હતી. બંદરીય મુંદ્રા તાલુકાના ગુંદાલામાં વીક-એન્ડ દરમિયાન અડધો ઈંચ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા, જેને પગલે રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. આ ઉપરાંત, જિલ્લા મથક ભુજમાં ઝરમર વરસાદ વરસતા રસ્તાઓ ભીંજાયા હતા. હવામાન વિભાગે આગામી સપ્તાહ દરમિયાન કચ્છમાં હળવા વરસાદની આગાહી કરી છે.

મુંદ્રા તાલુકાના ગુંદાળામાં વીક-એન્ડ દરમિયાન અડધો ઈંચ વરસાદ

કચ્છના મુન્દ્રા તાલુકાના ગુંદાળા ગામ અને આસપાસના વિસ્તારમાં હાલ પવન સાથે હળવા વરસાદ કે ઝાપટાં પડવાની સંભાવના છે. આગામી દિવસોમાં પણ આકાશ વાદળછાયું રહી શકે છે અને થોડો વરસાદ કે વાવાઝોડા જેવું વાતાવરણ જોવા મળી શકે છે. વરસાદી ઝાપટા પડવાના કારણે ઘાસચારા અને મોલ પાકને નવજીવન મળી શકે છે. વરસાદી માહોલથી સ્થાનિક ખેડૂતો અને માલધારી સમુદાયમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. 

આજે ક્યાં છે વરસાદની આગાહી

હવામાન કેન્દ્ર, અમદાવાદ મુજબ આજે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ વલસાડ તથા દાદરા અને નગર હવેલીમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

છેલ્લા 24 કલાકમાં કેટલો વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ રાજ્યમાં આજે સવારે 6 વાગ્યે પૂરા થયેલા 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ પડ્યો હતો. તાપીના ડોલવણમાં સૌથી વધુ 1.57 ઇંચ, નવસારીના ખેરગામમાં 1.46 ઇંચ, ગણદેવીમાં. 1.26 ઇંચ, ચીખલીમાં 1.02 ઇંચ, વલસાડમાં 1.02 ઇંચ વરસાદ નોંધાયો હતો. 125 તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો.

ઉત્સવ વૈદ્ય