Thu Jul 23 2026

Logo

સલીમ ડોલા ડ્રગ્સ કેસમાં ઇડીના મહારાષ્ટ્ર, ગુજરાતમાં 20 સ્થળે દરોડા

2026-06-02 18:58:00
Author: Yogesh D. Patel
Article Image

મુંબઈ: તુર્કીથી તાજેતરમાં ભારતમાં પ્રત્યર્પણ કરવામાં આવેલા દાઉદ ગેન્ગના ડ્રગ તસ્કર મોહંમદ સલીમ ડોલા સામે મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે (ઇડી) મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વ્યાપક દરોડા પાડ્યા હતા.

સેન્ટ્રલ એજન્સી દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ મુંબઈ ઉપરાંત ગુજરાતમાં સુરત, રાજકોટ અને અંકલેશ્ર્વરમાં મંગળવારે 20 સ્થળે સાગમટે દરોડા પાડવામાં આવ્યા હતા. 

ડોલા ઉર્ફે સલીમ ઇસ્માઇલ ડોલા વૈશ્ર્વિક મોસ્ટ વોન્ટેડ આતંકવાદી દાઉદ ઇબ્રાહિમનો નિકટવર્તી સાગરીત છે અને એન્ટિ-નાર્કોટિક્સ એજન્સીઓ દ્વારા તેના પર ટ્રાન્સ-નેશનલ ડ્રગ્સ ટ્રાફિકિંગ સિન્ડિકેટ ચલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

59 વર્ષના ડોલાને માર્ચ, 2024માં ભારતની વિનંતી પર જારી ઇન્ટરપોલ રેડ કોર્નર નોટિસને આધારે થોડા સમય પહેલા તુર્કીથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તેને તુર્કીથી એપ્રિલમાં ભારતમાં લાવવામાં આવ્યો હતો અને દિલ્હી એરપોર્ટ પર આવી પહોંચ્યા બાદ નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એનસીબી)એ તેની ધરપકડ કરી હતી. 

રસાયણના વ્યાપારમાં સંકળાયેલા પ્રિકર્સર કેમિકલ્સના પુરવઠાકારો, મધ્યસ્થીઓ, અકાઉન્ટન્ટ, સિન્થેટિક નાર્કોટિક ડ્રગ મેફેડ્રોન (એમડી)ના ઉત્પાદન અને વિતરણમાં સંડોવાયેલા તસ્કરો, હવાલા ઓપરેટરો અને આર્ગેનાઇઝ્ડ ડ્રગ સિન્ડિકેટ થકી ઊપજેલી પ્રાપ્તિઓમાંથી ખરીદાયેલી બેનામી મિલકતો ધરાવતી વ્યક્તિઓ સાથે સંકળાયેલાં સંકુલો પર દરોડા પાડવામાં આવ્યા હતા, એમ ઇડીના અધિકારીએ જણાવ્યું હતું.

મની લોન્ડરિંગનો કેસ ડ્રગ તસ્કરી સંબંધી ગુના માટે ડોલા અને અન્યો વિરુદ્ધ દાખલ ઘણા બધા એફઆઇઆરમાંથી ઊભો થયો છે. એનસીબીના જણાવ્યા મુજબ ડોલાએ છેલ્લાં 20 વર્ષમાં મિડલ ઇસ્ટ, આફ્રિકા અને યુરોપમાં ડ્રગ્સનું નેટવર્ક નિર્માણ કર્યું અને ભારતમાં એનસીબી, મહારાષ્ટ્ર પોલીસ, ગુજરાત એટીએસ અને ડીઆરઆઇ સહિતની ઘણી બધી તપાસ એજન્સીઓ માટે તે વોન્ટેડ હતો. 

ડોલાની ધરપકડ અને તેને ભારતમાં લાવવાની જાહેરાત 28 એપ્રિલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પોતાના એક્સ હેન્ડલ પર કરી હતી. ભારતીય એજન્સીઓ દ્વારા શરૂ કરાયેલા ‘ઑપરેશન ગ્લોબલ હંટ’ના ભાગરૂપે તમામ ભાગેડુ ડ્રગ્સ તસ્કરો અને સંગઠિત ગુનાખોર ટોળકીના ગુંડાઓને ભારત લઇ આવવાના મોદી સરકારના ‘મક્કમ નિર્ધાર’નો પુનરોચ્ચાર કર્યો હતો.

દરમિયાન તપાસ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે ડોલાએ એવું નેટવર્ક બનાવ્યું હતું કે તેને મેફેડ્રોન કિંગ તરીકે ઓળખાવવામાં આવતો હતો. ડોલાએ તુર્કીમાં હમઝા અને અબ્દુલ નામ ધારણ કર્યું હતું. તે તુર્કીમાં નાગરિકત્વ પ્રાપ્ત કરવા અમુક સ્થાવર મિલકતો ખરીદી કરવાના ચક્કરમાં હતો. ડોલાના પુત્ર તાહિલ અને અન્ય સાગરીતોની 2025માં યુએઇથી પ્રત્યર્પણ બાદ મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી.

(પીટીઆઇ)