- રાજ ગોસ્વામી
અર્ચના પૂરન સિંહ
તાજેતરમાં જાણીતી અદાકાર અને ટેલિવિઝન હોસ્ટ અર્ચના પૂરન સિંહે એક વાત કહીને આજની પેઢીનું ધ્યાન એક મહત્ત્વના સંબંધ તરફ આકર્ષિત કર્યું છે. એ છે : સાસુ અને વહુ.
એક ઈન્ટરવ્યૂ દરમિયાન તેમણે કહ્યું હતું કે તે તેમના બે દીકરા આર્યમાન અને આયુષ્યમાનની સાથીદાર- યોગિતા બિહાની અને સમીક્ષા શેટ્ટી-ને દીકરીઓની જેમ સ્વીકારી છે.
એમણે કહ્યું છે : ‘પહેલાં મારે બે દીકરા હતા, હવે બે દીકરીઓ પણ છે,’
ભાવી પુત્રવધૂઓને પરિવારમાં સ્વીકારવા અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં અર્ચનાએ કહ્યું કે તેમને પ્રેમ અને આદર આપવો એ કોઈ અસાધારણ ગુણ નથી, તે એક સહજ માનવીય સભ્યતાનું જ પ્રતિબિંબ છે. ‘એ બહુ અઘરું નથી. તમારે માણસાઈ રાખવાની હોય. તમે તમારા બાળકોને પ્રેમ કરો છો. તમારા બાળકો કોઈને જીવનસાથી તરીકે પસંદ કરે છે. એટલે તમે એમને પણ પ્રેમ કરો. એમાં શું મોટી વાત છે?’
પહેલી નજરે આ એક સામાન્ય પારિવારિક ટિપ્પણી લાગે. પણ થોડું અટકીને વિચારીએ તો, આ ભારતીય પરિવારની બદલાતી તસવીરનો સંકેત પણ છે. સવાલ એ નથી કે અર્ચનાએ શું કહ્યું. અસલી સવાલ એ છે કે શું આજની સાસુ સાચે જ તેની પરંપરાગત માનસિકતામાંથી બહાર આવી રહી છે? શું સાસુ-વહુનો સંબંધ જૂના ઢાંચામાંથી બહાર આવી રહ્યો છે, જેને દાયકાઓ સુધી ‘સાસ ભી કભી બહુ થી’ જેવી ટીવી ધારાવાહિકો, ફિલ્મો અને સામાજિક માન્યતાઓએ સર્ટિફિકેટ આપ્યાં હતાં?
‘તમારી દીકરી તો હવે અમારી દીકરી છે’ એવું અનેક સાસુઓ જાનને વળાવતી વખતે બોલતી આવી છે, પરંતુ નવા ઘરમાં એ ‘દીકરી’ના કેવા હાલ થાય છે એ આખા સમાજને ખબર છે. અર્ચનાનું બયાન દીકરાની બગી પાસે ઊભેલી એવી કોઈ બેઈમાન સાસુનું નથી. તે ભણેલી-ગણેલી, કામ કરતી, સ્વતંત્ર દિમાગવાળી અને આજની સફળ સ્ત્રીનું છે. તેનામાં સચ્ચાઈનો એક રણકો છે.
ભારતીય સમાજમાં સાસુ-વહુનો સંબંધ કેવળ બે વ્યક્તિનો સંબંધ નથી રહ્યો. તે પરિવારની સત્તા, પરંપરા, જવાબદારીઓ અને અપેક્ષાઓનો સંબંધ રહ્યો છે. લગ્ન પછી એક છોકરી એક નવા ઘરમાં જ પ્રવેશ નથી કરતી, પણ એ એક એવી વ્યવસ્થામાં પગ મૂકે છે, જ્યાં તેણે સ્વયંને સિદ્ધ કરવાની હોય છે (અને એના કારણે જ મોટાભાગના અત્યાચાર અને અન્યાય જન્મે છે). તેના બોલવાના, ઊઠવા-બેસવાના અને હસવા સુધ્ધાંનાં નિયમો હોય છે. સાસુ આ વ્યવસ્થાની રક્ષક મનાય છે. એટલા માટે જ આપણા લોકગીતોથી લઇને ફિલ્મો સુધીનાં લોકપ્રિય માધ્યમોમાં સાસુને અનુશાસન અને નિયંત્રણ પ્રેમી બતાવવામાં આવી છે. બીજી તરફ વહુ ત્યાગ, સમર્પણ અને પરીક્ષાનો પર્યાય બની ગઈ છે. આ સંબંધમાં પ્રેમ હતો તો પણ, તે કર્તવ્યના ભાર નીચે દબાયેલો રહેતો હતો.
પરંતુ પાછલા બે-ત્રણ દાયકામાં ભારતીય સમાજ તેજીથી બદલાઈ રહ્યો છે. આજની વહુઓ પહેલાંની જેમ કેવળ ગૃહિણીઓ નથી. તે ડૉકટર છે, એન્જિનિયર છે, ઉદ્યમી છે, પત્રકાર છે, મોડેલ છે, પાઈલટ છે. તેની પોતાની આર્થિક ઓળખ છે, સપનાં છે અને પોતાના સ્વતંત્ર વિચારો પણ છે. તે લગ્નને તેનું સામાજિક આઇડેન્ટિટી-કાર્ડ નહીં, જીવનની એક નવી શરૂઆત માને છે.
આ બદલાવથી કેવળ વહુઓ જ નથી બદલાઈ, સાસુઓ પણ બદલાઈ છે. આજની અનેક સાસુઓ સ્વયં એ પેઢીમાંથી આવે છે જેમણે અનેક સામાજિક બંધનોનો સામનો કર્યો હતો. તેમણે કેરિયર અને પરિવાર વચ્ચે સંતુલન બનાવવામાં મુશ્કેલીઓ અનુભવી હતી. તેમણે મહેસૂસ કર્યું હતું કે વધુ પડતું નિયંત્રણ કોઈ સંબંધને મજબૂત નથી બનાવતું, પણ કમજોર કરે છે. એટલા માટે તે તેમની વહુઓને એ જ સ્વતંત્રતા આપવા ઈચ્છે છે, જેની ગેરહાજરી તેમણે ખુદ અનુભવી હતી.
અર્ચનાને જ લો. તેણે આ જ વાત કરી છે :
‘મારી સાથે જેવું થયું છે તેવું હું બીજા સાથે ન થવા દઉં.’
એ પણ સાચું છે કે આ બદલાવ ભારતના તમામ ઘરોમાં નથી આવ્યો. ભારત જેવો વિશાળ અને વિવિધતાથી ભરેલો સમાજ એક સાથે નથી બદલાતો. આજે પણ એવા અનેક પરિવારો છે, જ્યાં વહુઓની નિરાશાઓની યાદી બહુ લાંબી છે અને અધિકારોની બહુ ટૂંકી.
આજે પણ કેટલાય ઘરોમાં નોકરી કરતી વહુ પસંદ નથી કરવામાં આવતી અને એવાંય ઘરો છે જ્યાં નોકરી કરતી વહુ પાસે ઑફિસ અને રસોડા બંનેમાં સફળ થવાની અપેક્ષા રાખવામાં આવે છે. આજ પણ આધુનિક કપડાં પહેરવાને, મોડે સુધી બહાર રહેવાને અથવા પોતાના નિર્ણયો જાતે લેવાને સંદેહની નજરે જોવામાં આવે છે. અર્થાત્, શહેર આધુનિક હોઈ શકે, પણ વિચારો હંમેશાં આધુનિક નથી હોતા.
છતાં, એ માનવામાં કોઈ સંકોચ ન હોવો જોઈએ કે બદલાવ શરૂ થઇ ચુક્યો છે. મહાનગરો અને શિક્ષિત મધ્યમવર્ગીય પરિવારોમાં હવે સંબંધોની ભાષા બદલાઈ રહી છે. ‘મારા દીકરાની વહુ’ને બદલે ‘અમારા પરિવારની સભ્ય’ જેવી માનસિકતા વિકસિત થઇ રહી છે. અધિકારની જગ્યાએ સંવાદ આવી રહ્યા છે. આદેશના સ્થાને સહયોગ આવી રહ્યો છે.
જોકે અહીં એક રસપ્રદ પ્રશ્ન ઊભો થાય છે : ‘શું વહુને ‘દીકરી’ કહેવા માત્રથી બદલાવ સાબિત થાય છે?’ પહેલી નજરે આ સ્નેહપૂર્ણ લાગે છે, પણ સમાજશાસ્ત્રીઓ કહે છે કે દરેક સંબંધની એક અલગ અને આગવી ઓળખ હોય છે. વહુ દીકરી નથી હોતી અને તેણે દીકરી બનાવવાની પણ જરૂર નથી. તે તેનાં માતા-પિતાની દીકરી છે. નવા પરિવારમાં તેને તેની અલગ ઓળખ સાથે જ સ્વીકારવામાં આવવી જોઈએ.
એટલે વધુ સારું તો એ છે કે વહુને દીકરીનું નામ આપવાને બદલે એક સ્વતંત્ર, સન્માનીય અને સમકક્ષ વ્યક્તિ તરીકે સ્વીકારવામાં આવે. સંબંધો નામથી નહીં, વ્યવહારથી બને છે. નવી પેઢીના છોકરાઓ આ પરિવર્તનમાં મોટી ભૂમિકા ભજવી રહ્યા છે. પહેલાં દીકરો માં અને પત્ની વચ્ચે મૂક દર્શક બનીને રહેતો હતો. આજે તે બંને સંબંધોને બરાબર સન્માન આપવાની કોશિશ કરે છે. તે ઈચ્છે છે કે ઘર શક્તિ-પ્રદર્શનનું મેદાન ન બને, બલકે સહયોગનું કેન્દ્ર બને.
સોશ્યલ મીડિયાએ આ પરિવર્તનને ગતિ આપી છે. આજે લોકો દુનિયાભરના પરિવારોને જુવે છે. તે પણ જાણે છે કે સન્માન અને પ્રેમ કેવળ ભારતીય સંસ્કારોની ભાષામાં જ નહીં, પણ સમાનતા અને વ્યક્તિગત ગરિમાની ભાષામાં પણ વ્યકત કરી શકાય છે. નવી પેઢી એ સમજે છે કે કોઈ સંબંધને ટકાઉ બનાવવા માટે અધિકાર નહીં, વિશ્વાસ જોઈએ.
અર્ચના પૂરન સિંહની વાત એટલા માટે મહત્ત્વની નથી કે તે એક પ્રસિદ્ધ એક્ટર છે. તે એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કારણ કે તેણે સાસુ-વહુના સંબંધો માટે સૌથી સરળ સૂત્ર યાદ કરાવ્યું છે - ‘માણસાઈ રાખો.’ અંતત: દરેક સંબંધ સન્માનથી શરૂ થાય છે અને સન્માન પર જ ટકે છે.