Sat May 02 2026

Logo

ક્રૂડતેલના ભાવ વધતાં ડૉલર સામે રૂપિયો 16 પૈસા તૂટ્યો...

2026-03-11 19:48:47
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
મધ્ય પૂર્વના દેશોમાં વધેલા તણાવની સાથે આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં તથા બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં તેજીનું વલણ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 16 પૈસા તૂટીને 92.01ની સપાટીએ બંધ રહ્યો હતો. વધુમાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત વેચવાલી જળવાઈ રહી હોવાના નિર્દેશોને કારણે રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 91.85ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 91.92ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 92.06 અને ઉપરમાં 91.85 સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે 16 પૈસાના ઘટાડા સાથે 92.01ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં 36 પૈસાનો સુધારો જોવા મળ્યો હતો. 

એકંદરે પશ્ચિમ એશિયામાં ભૂરાજકીય તણાવની સ્થિતિ વચ્ચે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ, બે્રન્ટ ક્રૂડતેલના ભાવમાં વધારો, ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં આજે રૂપિયો દબાણ હેઠળ આવ્યો હોવાનું મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવ્યું હતું. દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંઘ સામે 0.14 ટકા વધીને 98.96 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 5.44 ટકા ઉછળીને બેરલદીઠ 92.58 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે સ્થાનિક સ્તરે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી અનુક્રમે 1342.27 પૉઈન્ટ અને 394.75 પૉઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો. તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 4672.64 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયો ગબડ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.