Tue Jul 07 2026

Logo

રોહિત શેટ્ટીના નિવાસસ્થાને ગોળીબાર: પુણેથી પકડાયેલા પાંચ આરોપીને છ દિવસની કસ્ટડી

2026-02-17 17:55:00
Author: Yogesh C. Patel
Article Image

યુપી-હરિયાણાથી પકડાયેલા અને પુણેથી ધરપકડ કરાયેલા આરોપીઓની પોલીસ સાથે પૂછપરછ કરશે

મુંબઈ: ફિલ્મમેકર રોહિત શેટ્ટીના નિવાસસ્થાને ગોળીબાર કરવાના કેસમાં અગાઉ પુણેથી ધરપકડ કરાયેલા પાંચ આરોપી અને રવિવારે ઉત્તર પ્રદેશ-હરિયાણાથી પકડાયેલા સાત આરોપીની સાથે પૂછપરછ કરવા માગે છે. પરિણામે કોર્ટે પુણેથી પકડાયેલા પાંચ આરોપીની પોલીસ કસ્ટડી છ દિવસ વધારી હતી.

જૂહુના શેટ્ટી ટાવર પર ગોળીબારના કેસમાં ક્રાઈમ બ્રાન્ચની ખંડણી વિરોધી શાખાએ પુણેથી પાંચ આરોપી આદિત્ય ગાયકી (19), સિદ્ધાર્થ યેનપુરે (20), સમર્થ પોમાજી (18), સ્વપ્નિલ સકટ (23) અને આસારામ ફાસલે (42)ની ધરપકડ કરી હતી. કોર્ટે પાંચેય આરોપીને 17 ફેબ્રુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. કસ્ટડી પૂરી થતી હોવાથી પાંચેય આરોપીને મંગળવારે ફરી વિશેષ એમસીઓસીએ કોર્ટમાં હાજર કરાયા હતા.

આ કેસમાં પોલીસે યુપી અને હરિયાણા એસટીએફની મદદથી શૂટર દીપક શર્મા સહિત સાત આરોપીની રવિવારે ધરપકડ કરતાં અત્યાર સુધી ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા 12 પર પહોંચી હતી. કોર્ટે તેમને પચીસ ફેબ્રુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે. આ આરોપી અને પુણેથી પકડાયેલા પાંચેય આરોપીની સાથે પૂછપરછની જરૂર હોવાનું પોલીસ દ્વારા કોર્ટમાં જણાવાયું હતું.

ગુનામાં આર્થિક લેવડદેવડ અને સ્કૂટરના થયેલા ઉપયોગ બાબતે પોલીસ આરોપીની સાથે પૂછપરછ કરવા માગે છે. જોકે બચાવ પક્ષના વકીલ અજિંક્ય મિરગલે આ અરજીનો વિરોધ કર્યો હતો અને તપાસ એજન્સીને પૂછપરછ માટે પૂરતો સમય મળ્યો હોવાનું કહ્યું હતું.

ગુનામાં થયેલા આર્થિક વ્યવહાર શોધી કાઢવા માટે આરોપીઓની કસ્ટડીની જરૂર નથી, કારણ કે તેમના મોબાઈલ ફોન પણ પોલીસે જપ્ત કર્યા છે, એવું વકીલે જણાવ્યું હતું.
કોર્ટે દલીલો સાંભળ્યા પછી પાંચેય આરોપીની પોલીસ કસ્ટડી 23 ફેબ્રુઆરી સુધી વધારી દીધી હતી. (પીટીઆઈ)