Thu Aug 27 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ હવે અનામતનો વિરોધ કરનારા પણ દેશદ્રોહી!

2026-08-26 07:36:18
Author: Bharat Bharadwaj
એકસ્ટ્રા અફેરઃ હવે અનામતનો વિરોધ કરનારા પણ દેશદ્રોહી!

ભરત ભારદ્વાજ

ભારતમાં પોતાનાથી અલગ મત પ્રગટ કરનારને દેશદ્રોહી ચિતરીને તેમને ભાંડવાનું કલ્ચર ભાજપના અંધભક્તોએ વિકસાવ્યું છે. સંગ એવો રંગ એ હિસાબે ભાજપની સંગતમાં રહેનારા બીજા પક્ષના નેતા પણ એ વાદે ચડી રહ્યા છે ને તેનો નમૂનો કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ પૂરો પાડ્યો છે. 

કૉક્રોચ જનતા પાર્ટીના નીટ પેપર લીક સામેના આંદોલનને મળેલી પ્રચંડ સફળતાના પગલે બીજી માગણીઓ સાથેનાં આંદોલનો પણ શરૂ થયાં છે. તેમાં એક આંદોલન સરકારી નોકરીઓ અને શિક્ષણમાં પ્રવેશમાં અનામતની નાબૂદીનું છે. આ માગણીના સમર્થનમાં કેટલાંક સંગઠનોએ દિલ્હીના જંતર મંતર ખાતે આંદોલન પણ શરૂ કર્યું છે. આઠવલેએ અનામતનો વિરોધ કરનારાને દેશદ્રોહી ગણાવીને અનામતની નાબૂદી માટે આંદોલન કરનારા સામે રાજદ્રોહનો કેસ ઠોકી દેવાની તરફેણ કરી છે. 

આઠવલેએ જ્ઞાન પિરસ્યું છે કે, અનુસૂચિત જાતિ (એસસી), અનુસૂચિત જનજાતિ (એસટી) અને અન્ય પછાત વર્ગો (ઓબીસી)ને અપાયેલી અનામત બંધારણીય અધિકાર છે તેથી આ અનામત કોઈ છિનવી ના શકે. બાબાસાહેબ આંબેડકરે બનાવેલી  આ વ્યવસ્થાનો વિરોધ કરનારી દરેક વ્યક્તિ ‘બંધારણ વિરોધી’ હોવાથી તેની સામે રાજદ્રોહનો કેસ કરવો જોઈએ. બીજા એક કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પણ આઠવલે જેવો જ સૂર કાઢીને કહ્યું છે કે, અનામત કંઈ દાનમાં મળેલી ખેરાત નથી પણ બંધારણીય અધિકાર છે તેથી દુનિયાની કોઈ તાકાત તેને હટાવી ના શકે. 

પાસવાને આઠવલેની જેની અનામતનો વિરોધ કરનારાને દેશદ્રોહી નથી ગણાવ્યા કે તેમની સામે રાજદ્રોહનો કેસ કરવાની વાત નથી કરી એ જોતાં પાસવાનની વાત વાંધાજનક નથી. લોકશાહી દેશમાં દરેકને પોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર છે. ચિરાગ પાસવાને પણ પોતાનો મત મૂક્યો એ ખોટું નથી પણ આઠવલે દેશપ્રેમના સર્ટિફિકેટ આપવા નિકળ્યા છે એ ખોટું છે. આઠવલેની છાપ જોકર રાજકારણી તરીકેની છે. સંસદમાં જોડકણાં બનાવીને લોકોનું મનોરંજન કર્યા કરતા અને લોકસભામાં એક પણ બેઠક નહીં હોવા છતાં ભાજપની નેતાગીરીની ચાપલૂસી કરીને મંત્રીપદે જામી ગયેલા આઠવલેને કોઈ ગંભીરતાથી લેતું નથી પણ આ વાત ગંભીર છે. 

આઠવલે કેન્દ્રીય મંત્રી છે પણ આ સાહેબને એટલી ખબર નથી કે, બંધારણમાં અપાયેલા મૂળભૂત અધિકારોને ના છિનવી શકાય પણ બંધારણીય અધિકાર તો આ જ છે ને કાલે નથી. જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજજો આપતી કલમ 370 અને 35 એનું ઉદાહરણ નજર સામે છે. 5 ઓગસ્ટ, 2019 પહેલાં સુધી જમ્મુ અને કાશ્મીર રાજ્ય અને કાશ્મીરનાં લોકો વિશેષ અધિકારો ભોગવતાં હતાં. કલમ 370 અને 35 એ નાબૂદ થતાં જ એ બધા અધિકારો છિનવાઈ ગયા. જમ્મુ અને કાશ્મીરના નાગરિકો હવે ભારતના બીજા નાગરિકો જેવા જ છે. અનામતના કિસ્સામાં પણ એવું થઈ જ શકે છે. આ દેશમાં લગભગ અડધું બંધારણ બદલી દેવાયું છે ત્યાં અનામતને લગતી જોગવાઈની શી વિસાત? 

આઠવલે અને પાસવાનને તો એ પણ ખબર નથી કે, અનામત તો બંધારણીય જોગવાઈ પણ નથી પણ સરકારોએ કરેલી વ્યવસ્થા છે. કોઈ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર એક આદેશ આપીને તેમાં ફેરફાર કરી શકે છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપેલો કે, નિમણૂકો તથા પ્રમોશનમાં અનામતનો લાભ આપવો કે નહીં એ નક્કી કરવાનો અધિકાર માત્ર ને માત્ર સરકારને જ છે. સુપ્રીમ કોર્ટે બીજા ચુકાદામાં એ પણ કહેલું કે, અનામત મૂળભૂત અધિકાર નથી ને અનામતનો લાભ આપવો કે નહીં સરકારે નક્કી કરવાનું છે. 

ભારતના બંધારણમાં ક્યાંય અનામત આપવી જ એવું સ્પષ્ટ લખાયેલું નથી. બંધારણની કલમ 16 (4) અ 16 (4-એ) હેઠળ, એસસી અને એસટી સમુદાયને સરકારી નોકરીઓમાં યોગ્ય પ્રતિનિધિત્વ નથી મળતું એવું સરકારને લાગે તો અનામતની જોગવાઈ કરી શકે. રાજ્ય સરકારનો એ વિશેષાધિકાર છે પણ એ માટે કોઈ ફરજ ના પાડી શકે. મતબેંકના રાજકારણને કારણે અનામતની જોગવાઈ થઈ તેથી કોઈ તેને છેડતું નથી, બાકી અનામત બંધારણીય જોગવાઈ પણ નથી કે અધિકાર પણ નથી.  

બીજું એ કે, બાબાસાહેબ આંબેડકરે જે અનામત વ્યવસ્થાની તરફેણ કરેલી એ પ્રમાણેની આ વ્યવસ્થા નથી. બાબાસાહેબે તો અનામતનો લાભ લઈને સધ્ધર થનારાને બાકાત કરવાની તરફેણ કરેલી જ્યારે અત્યારે તો સધ્ધર હોય કે અધ્ધર, જ્ઞાતિના આધારે બધાને લાભ મળે છે. 

આઠવલેએ દેશદ્રોહનાં લેબલ લગાવવાની ને બંધારણીય જોગવાઈઓનો વિરોધ કરનારાં સામે રાજદ્રોહનો કેસ ઠોકી દેવાના લવારા પણ કર્યા છે. આઠવલેનું લોજિક લગાવીએ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને ભાજપના સાવ છેવાડાના કાર્યકર સુધીના બધા સામે રાજદ્રોહનો કેસ થઈ જાય કેમ કે આ બધા કલમ 370ની નાબૂદીની માગ વરસોથી કરતા હતા. 

કલમ 370 બંધારણીય જોગવાઈ જ હતી તેથી તેનો વિરોધ કરનારા બંધારણ વિરોધી કહેવાય ને ? ભાજપે વરસો સુધી આ બંધારણીય જોગવાઈનો વિરોધ કર્યો, આંદોલનો પણ કર્યાં તો ભાજપવાળા પણ દેશદ્રોહી કહેવાય કે નહીં ? આ દેશમાં અલગ અલગ બંધારણીય જોગવાઈઓ નાબૂદ કરવાની સંખ્યાબંધ માગણીઓ થાય છે તો એ બધા દેશદ્રોહી કે બંધારણ વિરોધી થઈ ગયા ? 

આઠવલે જેવા લોકો પોતાના રાજકીય સ્વાર્થ ખાતર ભલે આ લવારા કરતા પણ કોઈ એક બંધારણીય જોગવાઈનો વિરોધ કરવો એ આખા બંધારણનો વિરોધ નથી. આઠવલેનું લોજિક લગાવીએ તો અડધો દેશ દેશદ્રોહી થઈ જાય જેમ કે મોટા ભાગના સવર્ણો અનામતની વિરુદ્ધ છે. આ દેશનું બંધારણ દરેક વ્યક્તિને વાણી સ્વાતંત્ર્યનો મૂળભૂત અધિકાર આપે છે. તેનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ ઈચ્છે તેનો વિરોધ કરી શકે છે, બંધારણીય જોગવાઈનો પણ વિરોધ કરી શકે છે,  ખાલી વૈમનસ્ય ના ફેલાય તેનું ધ્યાન રાખવાનું છે. 

ભાજપની નેતાગીરી આઠવલેના લવારા સામે ચૂપ છે એ જોઈને નવાઈ નથી લાગતી.  ભાજપવાળા પોતે જ દેશપ્રેમનાં સર્ટિફિકેટ છાપી છાપીને વોટ્સએપ યુનિવર્સિટી મારફતે વહેંચે છે તેથી એ લોકો આઠવલેને રોકવા કશું કરે એવી જરાય આશા નથી. ભાજપનાં સાંસદ કંગના રનૌતે આ દેશના યુવાઓને ગટર જનરેશન ગણાવી દીધા છતાં ભાજપના નેતા ચૂપ રહ્યા એ જોતાં આઠવલેને કશું કહે એ વાતમાં માલ નથી. 

ભાજપ ચૂપ છે પણ ઉત્તર પ્રદેશના ઓબીસી નેતા ઓમપ્રકાશ રાજભરે આઠવલેને જવાબ આપ્યો છે. રાજભરે આઠવલેને સુપ્રીમ કોર્ટના ચુકાદા તપાસી જવાની પણ સલાહ આપી છે પણ રાજભરે સૌથી મહત્ત્વની વાત એ કરી છે કે, અનામત નીતિની સમીક્ષા તો જરૂરી જ છે. રાજભરે કહ્યું છે કે, અનામતનો લાભ અત્યારે સધ્ધર લોકો જ લઈ રહ્યા છે. 

બાબાસાહેબ આંબેડકરે તો સમાજના નબળા વર્ગને મજબૂત કરવા અને તેમને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે અનામતની જોગવાઈ કરાવેલી જ્યારે અત્યારે તો આઈએએસ અને આઈપીએસ અધિકારીનાં સંતાનો, મુખ્યમંત્રી, રાજ્યપાલ અને રાષ્ટ્રપતિનાં સંતાનો સુધ્ધાં અનામતનો લાભ લે છે તો પછી બાબાસાહેબના ઉદ્દેશનું પાલન કઈ રીતે થયું ? આ સંજોગોમાં સૌથી પહેલાં તો અનામતનો લાભ લઈને સધ્ધર થનારાને બહાર કાઢવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કે જેથી ખરેખર યોગ્ય વ્યક્તિને તેનો લાભ મળે. 
રાજભરની વાત સો ટકા સાચી છે પણ આ દેશમાં સત્યની કશી કિંમત છે ખરી?