નવી દિલ્હી: બજારમાં નકલી નોટો ફેલાતી અટકાવવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. વાસ્તવમાં, RBI ને એવું લાગ્યું કે કેટલીક બેંકો નકલી નોટો પકડવામાં બેદરકારી દાખવી રહી છે. આ વાતને ગંભીરતાથી લઈને કેન્દ્રીય બેંકે એક કડક આદેશ જારી કર્યો છે. હવે આંતરરાષ્ટ્રીય સરહદો (બોર્ડર) સાથે જોડાયેલા જિલ્લાઓની તમામ બેંકોએ તેમની બ્રાન્ચોમાં ખાસ પ્રકારના મશીનો લગાવવી પડશે. આ સાથે જ, કેશ ગણતરી કરતા કર્મચારીઓને 31 ઓક્ટોબર 2026 સુધી અસલી-નકલી નોટો ઓળખવાની પૂરેપૂરી તાલીમ આપવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.
બેંકોની બેદરકારી પર એક્શન
રિઝર્વ બેંકે આ જ વર્ષના એપ્રિલ મહિનામાં બેંકો માટે કેટલાક નિયમો બનાવ્યા હતા. જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે બેંકમાં આવતી દરેક નોટની ચકાસણી મશીન દ્વારા થવી જોઈએ. જો કોઈ નોટ નકલી નીકળે, તો બેંક તેને તરત જ જપ્ત કરી લેશે. તે નકલી નોટ ન તો ગ્રાહકને પાછી આપવામાં આવશે અને ન તો તેને ફાડી નાખવામાં આવશે. તેનો વિધિવત રિપોર્ટ નોંધવામાં આવશે. પરંતુ, RBI ની ચકાસણીમાં આ વાત સામે આવી કે ઘણી બેંકો આ નિયમોનું યોગ્ય રીતે પાલન કરી રહી નથી. આ બેદરકારીને ધ્યાનમાં રાખીને RBI એ બેંકોને પોતાની વ્યવસ્થા સુધારવા કહ્યું છે.
સીમાવર્તી વિસ્તારોમાં વધશે ચોકી
અવારનવાર એવું જોવા મળ્યું છે કે નકલી નોટો બીજા દેશોમાંથી આપણા દેશની સીમામાં ધકેલવામાં આવે છે. આ જોખમને ઓછું કરવા માટે RBI એ નવી યોજના બનાવી છે. હવે તે તમામ જિલ્લાઓમાં વધુ કડકાઈ રાખવામાં આવશે, જેની સરહદો બીજા દેશો સાથે જોડાયેલી છે. આ સંવેદનશીલ વિસ્તારોની બેંકોને કડક નિર્દેશ છે કે તેઓ પોતાની દરેક બ્રાન્ચમાં નોટો અલગ તારવવાની અને તપાસવાના મશીનો (ઓથેન્ટિકેશન મશીન) તુરંત લગાવે. આ ઉપરાંત, તમામ બેંક બ્રાન્ચ અને બેક ઓફિસમાં અલ્ટ્રા-વાયોલેટ (UV) લેમ્પ પણ હોવા જોઈએ, જેથી નકલી નોટ બેંકની સિસ્ટમમાં પ્રવેશી ન શકે.
કર્મચારીઓ માટે નક્કી થઈ ડેડલાઇન
મશીનો ગમે તેટલા સારા હોય, પરંતુ તેને ચલાવનારા કર્મચારીઓનું એલર્ટ રહેવું ખૂબ જ જરૂરી છે. તેથી RBI એ બેંકકર્મીઓની તાલીમ પર પણ વિશેષ ભાર મૂક્યો છે. બેંકોને કહેવામાં આવ્યું છે કે તેઓ કેશ કાઉન્ટર પર બેસતા પોતાના સ્ટાફને અસલી નોટના તમામ સિક્યોરિટી ફિચર્સની સારી રીતે ઓળખ કરવાનું શીખવે. આ માટે બેંકોએ જાગૃતિ અને રિફ્રેશર પ્રોગ્રામ ચલાવવા પડશે. RBI એ સ્પષ્ટ કરી દીધું છે કે 31 ઓક્ટોબર 2026 સુધીમાં કોઈપણ ભેાગે રોકડ લેવડ-દેવડ કરતા તમામ કર્મચારીઓની તાલીમ પૂરી થઈ જવી જોઈએ.
ડેટાથી પકડાશે નકલી નોટોના અડ્ડા
નકલી નોટોના આ સમગ્ર જાળને ખતમ કરવા માટે ટેકનોલોજી અને ડેટાનો પણ ઉપયોગ થશે. રિઝર્વ બેંકે બેંકોની અંદર કામ કરતી 'ફોર્જ્ડ નોટ વિજિલન્સ' (FNV) સેલને વધુ એક્ટિવ થવા કહ્યું છે. આ સેલ તપાસ કરશે કે બેંકમાં પકડાયેલી જાલી નોટોનો ડેટા શું કહે છે. તેનાથી એ જાણી શકાશે કે કયા વિસ્તારોમાંથી સૌથી વધુ નકલી નોટો આવી રહી છે. આ માહિતીના આધારે બેંકો પોતાની દેખરેખ વધુ કડક કરી શકશે. આ સમગ્ર કવાયતનો હેતુ એ જ છે કે બેંકિંગ સિસ્ટમ પારદર્શી રહે અને સામાન્ય માણસની મહેનતની કમાણી હંમેશાં સુરક્ષિત રહે.