Fri Sep 11 2026

Logo

જાડેજાનો સીએસકે-પ્રેમ છૂટતો જ નથી, ખલીલ અહમદ પાસે જઈને તેણે...

2026-03-31 16:33:00
Author: Ajay Motiwala
જાડેજાનો સીએસકે-પ્રેમ છૂટતો જ નથી, ખલીલ અહમદ પાસે જઈને તેણે...

ગુવાહાટીઃ ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા આઇપીએલમાં હવે પોતાની ફેવરિટ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમમાં નહીં, પણ પોતાની સૌપ્રથમ રાજસ્થાન રૉયલ્સ (RR) ટીમમાં છે અને સોમવારે અહીં રાજસ્થાને સીએસકે સામેની મૅચમાં વિજય મેળવ્યો ત્યાર બાદ જાડેજાએ આરઆરના સાથીઓ જોડે જીત સેલિબ્રેટ કરી હતી, પણ સીએસકે પ્રત્યેનો તેનો પ્રેમ લેશમાત્ર ઓછો નથી થયો એની તેણે ઝલક આપી હતી.

જાડેજા (Jadeja) એક દાયકાથી પણ વધુ સમય સુધી સીએસકે વતી રમ્યો હતો અને એ ટીમને 2018, 2021 અને 2023ની સીઝનના ટાઇટલ અપાવવામાં તેણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સોમવારે આરઆરની ટીમે સીએસકે પર સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું હતું અને આઠ વિકેટે વિજય મેળવ્યો હતો. જાડેજા એ મૅચ બાદ સીએસકેના પેસ બોલર ખલીલ અહમદ પાસે ગયો હતો અને તેના યલો જર્સી પરના સીએસકેના લૉગોને જાડેજાએ ચૂમી લીધો હતો. જાડેજાની આ લાગણીસભર પ્રતિક્રિયાનો વીડિયો અને ફોટો તરત જ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ ગયા હતા.

જાડેજાએ આઇપીએલમાં કરીઅરની શરૂઆત રાજસ્થાનની ટીમથી જ કરી હતી અને એ ટીમ ત્યારે સૌપ્રથમ ટાઇટલ જીતી હતી. જાડેજા ફરી એ જ ટીમમાં આવી ગયો છે. આ સીઝન પહેલાં સીએસકે સાથેના ટ્રેડ-ડીલમાં આરઆરને જાડેજા તેમ જ સૅમ કરૅન મળ્યા હતા અને સીએસકેને સંજુ સૅમસન મળ્યો હતો.

જાડેજાએ પોતાની ભૂતપૂર્વ ટીમ સીએસકે વિશેની પ્રતિક્રિયામાં કહ્યું હતું કે `હું સીએસકે વતી 12થી 13 વર્ષ રમ્યો હતો એટલે સ્વાભાવિક છે કે એ ટીમને ભૂલવી આસાન નથી. હું ખૂબ લાગશીશીલ થઈ ગયો હતો. મેં ખુદને કહ્યું કે આવા ફેરફારો ક્રિકેટની સફરનો એક હિસ્સો જ કહેવાય.'