Thu Sep 10 2026

Logo

રાજકોટવાસીઓ માટે ગુડ ન્યૂઝ: માલવિયા ફાટક પર રૂ. 40 કરોડના ખર્ચે બનશે ‘ઝેડ’ આકારનો અંડરબ્રિજ

2026-06-19 21:56:31
Author: Devayat Khatana
રાજકોટવાસીઓ માટે ગુડ ન્યૂઝ: માલવિયા ફાટક પર રૂ. 40 કરોડના ખર્ચે બનશે ‘ઝેડ’ આકારનો અંડરબ્રિજ

Chat GPT Generated Image


 

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ:
રાજકોટ શહેરમાં રાજકોટ-જેતપુર નેશનલ હાઇવે બાદ ટ્રાફિક માટે સૌથી વધુ હેરાન કરનાર સ્થળ એ પી. ડી. માલવિયા કોલેજ પાસેનું રેલવે ફાટક છે. ત્યારે હવે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા પી. ડી. માલવિયા કોલેજ ફાટક ગોંડલ ચોકડી તરફ અને નાગરિક બેન્ક તરફ બંને છેડે ‘ઝેડ’ આકારનો અંડરબ્રિજ બનાવમાં આવશે તેવો નિર્ણય અગાઉ લેવાયો હતો. જો કે આ પ્રક્રિયા ઘણા સમયથી અટકી પડી હતી ત્યારે હવે તેની કામગીરી હાથ ધરવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે. આ માટે મેયર નેહલ શુક્લ અને કમિશનર તુષાર સુમેરાએ બુલેટ પર સવાર થઈ પ્રોજેક્ટના ડિઝાઇન મેપ સાથે સ્થળનું પ્રાથમિક નિરીક્ષણ કર્યું હતું. 

આ અંગે મળતી વિગતો અનુસાર, રાજકોટવાસીઓને ટ્રાફિકમાંથી રાહત મળી રહે તે માટે રાજકોટ મનપા દ્વારા પી. ડી. માલવિયા કોલેજ પાસેના ફાટક પર અંદાજિત 40 કરોડના ખર્ચથી 'ઝેડ' આકારમાં બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. આ રોડથી શહેરના મહત્વના એવા ગોંડલ રોડ અને ઢેબર રોડ જોડાઈ છે, પરંતુ તે ફાટક આ રોડ પરના ટ્રાફિકનું સૌથી મોટું કારણ છે. ત્યારે હવે મનપા દ્વારા અંદાજિત 40 કરોડના ખર્ચથી કુલ 700 મીટર લંબાઈનો અંડરબ્રિજ બનાવવામાં આવશે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ માટેના પ્રારંભિક સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે તેમજ બ્રિજની ડિઝાઇન અને નિર્માણ માટે કઈ મિલકત કપાતમાં જશે તે નક્કી કરવા માટેનો રિપોર્ટ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટની કામગીરી દરમિયાન લગભગ આજુબાજુની 50 જેટલી મિકલતોને અસર થઈ શકે છે.