(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં સોમવારે એક હાઉસિંગ સોસાયટી દ્વારા કામે લગાડાયેલા બે મજૂરો ડ્રેનેજ લાઈનની સફાઈ કરતી વખતે ગટરના મેનહોલમાં પડી જતાં એક વ્યક્તિનું મોત થયું હતું અને બીજાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પાલિકાના જણાવ્યા મુજબ સાંતાક્રુઝ (પૂર્વ)માં વી. એન. દેસાઈ હોસ્પિટલની સામે ગોલીબાર રોડ નંબર આઠ પર આવેલી ભવ્ય નિકેતન હાઉસિંગ સોસાયટીમાં આ ઘટના બની હતી. ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર સોસાયટીએ તેની આંતરિક ગટર લાઈનની સફાઈ માટે ખાનગી કામદારોને રોક્યા હતા. સવારના ૧૦.૩૦ વાગ્યાની આસપાસ સફાઈ કામગીરી દરમ્યાન કથિત રીતે એક કામદારે પાલિકાના અધિકારીને જાણ કર્યા વિના પાલિકાની ગટરનું મેનહોલ ખોલી નાખ્યું હતું, જેના પગલે બંને વ્યક્તિઓ તેમાં પડી ગયા હતા.
ફાયર બ્રિગેડના જવાનોએ બંને કામદારોને બહાર કાઢ્યા અને તેમને તાત્કાલિક વી. એન. દેસાઈ હોસ્પિટલ લઈ ગયા હતા. તેમાંથી એકને હૉસ્પિટલ લાવી સારવાર મળે તે પહેલા જ મૃત જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે બીજાને સારવાર માટે હોસ્પિટલના મેડિકલ ઈન્ટેન્સિવ કેર યુનિટ (એમઆઈસીયુ)માં દાખલ કરવામાં આવ્યો હતો. મૃૃતકની ઓળખ ૫૦ વર્ષીય કાશ્તે તરીકે થઈ હતી. જયારે સારવાર લઈ રહેલો ૩૦ વર્ષનો યુવકનું નામ અજય ઠાકુર છે.
આ ઘટના બાદ પોલીસે ફાયર બ્રિગેડ અને ૧૦૮ એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. આ ઘટના મુંબઈના ઉપનગરીય વિસ્તારમાં એક જાહેર શૌચાલયની અંદર ઝેરી રસાયણના શ્ર્વાસમાં જવાથી બે પુરુષોના ગૂંગળામણને કારણે મોત થયાના એક દિવસ બાદ બની છે.