Thu Oct 08 2026

Logo

મુંબઈની લોકલ ટ્રેનના દિવ્યાંગ કોચમાં દારુ પીને પ્રવાસીએ બોટલ ફેંકી ટ્રેક પર, વાયરલ વીડિયોએ સુરક્ષા પર ઉઠાવ્યા સવાલ

2026-09-28 21:14:29
Author: Mumbai Samachar Team
મુંબઈની લોકલ ટ્રેનના દિવ્યાંગ કોચમાં દારુ પીને પ્રવાસીએ બોટલ ફેંકી ટ્રેક પર, વાયરલ વીડિયોએ સુરક્ષા પર ઉઠાવ્યા સવાલ

X


(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સબર્બન રેલવે વધતી પ્રવાસીઓની ભીડ, લોકલ ટ્રેનોની અનિયમિતા અને પ્રવાસીઓની સુરક્ષા મુદ્દે ચર્ચામાં રહે છે ત્યારે તાજેતરમાં પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેનમાં એક પ્રવાસી દારુ પીને કોચમાંથી બોટલ ફેંકતો જોવા મળ્યો હતો, જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી લોકોએ પ્રવાસીની હરકતને વખોડી નાખી હતી.

વિરારથી ચર્ચગેટ તરફ જતી લોકલ ટ્રેનના દિવ્યાંગ કોચમાં એક પ્રવાસી દારૂ પી રહ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. મળતી માહિતી મુજબ આ ઘટના વિરાર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પરથી સવારે 11:50 વાગ્યે ઉપડેલી ચર્ચગેટ તરફ જનારી લોકલમાં બની હતી. તેની સામે વાળી લોકલ ટ્રેનમાં હાજર એક જાગૃત મુસાફરે સમગ્ર ઘટનાનો વીડિયો રેકોર્ડ કરીને મીડિયા સુધી પહોંચાડ્યો હતો.

વાયરલ વીડિયોમાં મુસાફર કાચની બોટલમાંથી દારૂ પી રહ્યો હોવાનું જોવા મળે છે. વીડિયોમાં તે ખાલી બોટલ રેલવે ટ્રેક પર ફેંકતો પણ દેખાઈ રહ્યો છે. ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર આ મુદ્દે ચર્ચા શરૂ થઈ છે અને લોકલ ટ્રેન તથા રેલવે પરિસરમાં આવી પ્રવૃત્તિઓ અંગે મુસાફરોની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

આ ઘટના એવા સમયે બની છે જ્યારે મુંબઈની લોકલ ટ્રેનોમાં મુસાફરોની સલામતી અને શિસ્તને લઈને વારંવાર પ્રશ્નો ઊભા થાય છે. રેલવે સ્ટેશનની હદમાં કે ટ્રેનમાં દારૂનું સેવન કરવા તેમ જ ખાલી બોટલ ટ્રેક પર ફેંકવી બંને બાબતોને લઈને મુસાફરોમાં નારાજગી જોવા મળી રહી છે. 

ખાસ કરીને ભીડવાળી લોકલ ટ્રેનોમાં આવી ઘટનાઓ અન્ય મુસાફરો માટે અસુવિધા અને સલામતીના સવાલો ઊભા થયા હતા. સોશિયલ મીડિયા પર લોકોએ લખ્યું હતું કે મુંબઈ એવું શહેર છે, જ્યાં મોટે ભાગે લોકોમાં શિસ્તનું પાલન જોવા મળે છે, પરંતુ ધોળે દિવસ આ પ્રકારની હરકત મુંબઈગરાની શાખ પર ગંભીર સવાલો કરે છે. 

હાલ વાયરલ વીડિયોના આધારે ઘટનાની વિગતો સામે આવી છે, પરંતુ સંબંધિત મુસાફર સામે કોઈ સત્તાવાર કાર્યવાહી થઈ છે કે નહીં તેની માહિતી આપવામાં આવી નથી. વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતાં હવે રેલવે પરિસરમાં આવી ઘટનાઓને રોકવા માટે સુરક્ષા અને દેખરેખની વ્યવસ્થા અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.