Sat May 02 2026

Logo

રાપરના પદમપર પાસે ટ્રેનની હડફેટે આવતા અપરિણીત યુવક અને ત્રણ સંતાનોની માતાનું મોત

2026-03-20 15:07:00
Author: Mumbaisamachar Team
Article Image

ભુજઃ કચ્છના રાપર તાલુકાના પદમપર ગામે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં ગામના એક 21 વર્ષીય અપરિણિત યુવક અને 32 વર્ષીય પરિણીત મહિલાનું માલગાડી હડફેટે આવતા કમકમાટીભર્યું મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ગત બુધવારે મોડી રાત્રે અઢી વાગ્યાના અરસામાં પદમપર રેલવે સ્ટેશનથી થોડે દૂર આ અકસ્માત સર્જાયો હતો. 

માલગાડીની હડફેટે આવી જતાં બંનેનું ઘટનાસ્થળે જ મોત

ગામના 21 વર્ષીય અરવિંદ કાનજી કોલી અને 32 વર્ષીય દયાબેન કિશનભાઈ કોલી એક માલગાડીની હડફેટે આવી જતાં બંનેના સ્થળ પર જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતા. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે બંનેને રાપર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

ત્રણ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી

મૃતક દયાબેન પરણીત હતા અને તેમને ત્રણ સંતાનો હોવાનું જાણવા મળ્યું છે. માતાની છત્રછાયા ગુમાવતા બાળકો અને પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. બીજી તરફ, મૃતક યુવક અરવિંદના પરિવાર માટે આ બીજો મોટો આઘાત છે. આ ઘટનાની જાણ થતા જ રેલવે પોલીસનો કાફલો હોસ્પિટલ પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાતા 35 વર્ષીય યુવાનનું મોત

આ સાથે અંજાર તાલુકાના રતનાલ રેલવે સ્ટેશન નજીક કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાંથી નીચે પટકાવાના કારણે 35 વર્ષીય એક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે રેલવે તંત્ર અને સ્થાનિકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે મૃતક યુવાનની ઓળખ જવાહરસિંહ સિતારામસિંહ (ઉં.વ.૩૫) તરીકે થઈ છે, જે મૂળ ઝારખંડનો વતની હતો. જવાહરસિંહ કચ્છ એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં મુસાફરી કરી રહ્યો હતો. ટ્રેન જ્યારે રતનાલ સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે તે અચાનક નીચે પટકાયો હતો. ગંભીર ઈજાઓ થવાના કારણે તેનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું.

(ઉત્સવ વૈદ્ય)