Thu Jun 18 2026

Logo

રાજુલાની હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે કર્યા 'પ્રેમલગ્ન': વીડિયો શેર કરી પરિવાર પર લગાવ્યા ગંભીર આક્ષેપ...

2026-03-22 21:27:39
Author: Devayat Khatana
Article Image

'લવ જેહાદ'ના આક્ષેપો વચ્ચે યુવતીએ સુરક્ષાની માંગ કરી

(અમારા પ્રતિનિધિ તરફથી) 
અમરેલી
: ગુજરાતમાં છેલ્લા દિવસોમાં આંતરજ્ઞાતિય લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે. કિંજલ દવે, આરતી સાંગાણી, કિંજલ રબારી સહિતના વિવાદે ભારે ચર્ચા જગાવી હતી. જો કે હવે અમરેલીના રાજુલામાં હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવાન સાથે લગ્ન કરી લેતા નવો મુદ્દો ચર્ચામાં આવ્યો છે, તેમાંય વળી યુવતીએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને વિવાદ ઊભો કરનારાને પણ જવાબ આપ્યો છે. આ મુદ્દે પરિવાર અને અન્ય સંગઠનોએ મિશ્ર પ્રતિભાવો વ્યક્ત કર્યાં હતા.

મળતી વિગતો અનુસાર થોડા દિવસ પૂર્વે રાજુલાની નેહા પરમાર નામની યુવતી ઘરેથી સુરત જવાનું કહીને જતી રહી હતી. બાદમાં યુવતીનો પતો નહીં લાગતાં પરિવારે યુવતી ગુમ થયાની પોલીસને જાણ કરી હતી. જો કે હવે યુવતીએ વીડિયો શેર કરીને મુસ્લિમ યુવક મુહિસ ફિરાણી સાથે હિન્દુ અને મુસ્લિમ બંનેના રિવાજો અનુસાર પ્રેમલગ્ન કરી લીધા હોવાનું જણાવ્યું હતું. આશરે 4-5 મહિના પહેલા પ્રેમલગ્ન કર્યા હોવાની માહિતી આપી હતી. આ મામલો પ્રકાશમાં આવતા જ વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ) અને બજરંગ દળ સહિત અન્ય હિન્દુ સંગઠનોએ તેનો તીવ્ર વિરોધ નોંધાવ્યો હતો. 

જોકે, આ મામલે યુવતીએ વીડિયો શેર કરીને તે છેલ્લા 4-5 વર્ષથી મુહિસ સાથે રિલેશનશિપમાં હોવાનું જણાવ્યું હતું, આ બાબતની જાણ થતાની સાથે જ પરિવારે યુવતીને 3-4 મહિના સુધી ઘરમાં બંધ કરીને રાખી હોવાનો આરોપ યુવતીએ કર્યો હતો. તેણે માનસિક ત્રાસ આપવાનો અને માર મારવામાં આવ્યો હોવાનો પણ આરોપ કર્યો હતો. આથી તેણે તેની મરજીથી લગ્ન કરી લીધા હોવાનું જણાવ્યું હતું. 

પરિવાર અને હિન્દુ સંગઠનોના વિરોધ અંગે યુવતીએ કહ્યું હતું કે સંગઠનો અને અન્ય આગેવાનો આ કેસને હાલ રાજકીય મુદ્દો બનાવી રહ્યા છે. મુહિસના પરિવાર અને અમને ધમકીઓ મળી રહી છે, જેથી અમને કંઈ પણ થયું તો તેનો જવાબદાર પરિવાર હશે તેમ યુવતીએ જણાવ્યું હતું.