Wed Sep 02 2026

Logo

રાજપીપળામાં 400 વર્ષ જૂના ઐતિહાસિક હરસિદ્ધિ માતાજીના મંદિરમાં ચોરી, લોકોમાં રોષ

2026-07-21 17:53:45
Author: Pooja Shah
રાજપીપળામાં 400 વર્ષ જૂના ઐતિહાસિક હરસિદ્ધિ માતાજીના મંદિરમાં ચોરી, લોકોમાં રોષ

અમદાવાદઃ રાજપીપળા શહેરમાં 400 વર્ષ જૂના અને લોકોની શ્રદ્ધાના કેન્દ્રસ્થાન એવા હરસિદ્ધિ માતાજીના મંદિર પરિસરમાં ચોરીના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે. આ ઘટના બહાર આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અહીંના ઐતિહાસિક મંદિરમાં રાત્રીના સમયે એક શખ્સ પરિસરમાં ઘુસી ગયો હતો અને તેણે દાનપેટીનું તાળું તોડી રોકડ રકમની ચોરી કરી હતી. મળતી માહિતી અનુસાર અહીં આજુબાજુના બાંધકામો તોડી પાડવામાં આવ્યા હોવાથી કે દિવાલ કૂદી અંદર ઘુસી ગયો હતો. 

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

આ મામલે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ સ્થળ પરથી આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આટલા મોટા યાત્રાધામમાં સુરક્ષા વ્યવસ્થા સાવ નહિવત છે. મંદિરમાં રાત્રિના સમયે માત્ર એક જ ચોકીદાર હોય છે, અને બહારના ભાગે સીસીટીવી કેમેરા કે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો નથી. મંદિરની આસપાસના જૂના ઘરો તોડી પાડવામાં આવ્યા છે, છતાં તંત્ર કે મંદિરના હોદ્દેદારો દ્વારા કોઈ યોગ્ય સુરક્ષા પગલાં લેવાયા નથી. 

ઘટનાની જાણ થતાં શ્રદ્ધાળુઓ મંદિરની સઘન સુરક્ષા માટેની માગણી કરી હતી.