Sun Sep 06 2026

Logo

રાજપાલ યાદવની સુનાવણી વચ્ચે સોનુ સૂદની પોસ્ટ વાયરલ, જાણો શું લખ્યું?

2026-02-16 13:02:00
Author: Tejas Rajpara
રાજપાલ યાદવની સુનાવણી વચ્ચે સોનુ સૂદની પોસ્ટ વાયરલ, જાણો શું લખ્યું?

મુંબઈ: બોલીવુડના જાણીતા કોમેડિયન રાજપાલ  યાદવ માટે આજનો દિવસ અત્યંત નિર્ણાયક સાબિત થવાનો છે. ચેક બાઉન્સના જૂના કેસમાં દિલ્હીની કોર્ટ આજે પોતાનો છેલ્લો નિર્ણય સંભળાવશે. રાજપાલ યાદવને જેલ થશે કે જામીન મળશે, તે અંગે તેમના પરિવાર અને ચાહકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. તેમની પત્ની રાધા યાદવ સહિત લાખો ફેન્સ એવી પ્રાર્થના કરી રહ્યા છે કે અભિનેતા તિહાર જેલમાંથી વહેલી તકે બહાર આવી જાય. આ દરમિયાન બોલીવુડના 'મસીહા' ગણાતા સોનુ સૂદે રાજપાલ માટે એક ભાવુક પોસ્ટ લખી છે.

રાજપાલ યાદવના સમર્થનમાં સૌથી પહેલા આગળ આવનાર સોનુ સૂદે ઈન્સ્ટા સ્ટોરી પર લખ્યું કે, "આજે અમારા ભાઈ રાજપાલ યાદવ માટે ઘણો મહત્વનો દિવસ છે. હું દુઆ કરું છું કે બધું બરાબર થઈ જાય અને તેમને રાહત મળે. તેઓ એક અદભૂત કલાકાર અને સારા માણસ છે, તેઓ આ મુશ્કેલીમાંથી બહાર નીકળવાનું ડિઝર્વ કરે છે." સોનુએ સ્પષ્ટ કર્યું કે તે રાજપાલની પડખે મક્કમતાથી ઉભો છે અને જ્યાં સુધી બધું બરાબર ન થાય ત્યાં સુધી સાથ આપતો રહેશે.

સોનુ સૂદે અગાઉ પણ સોશિયલ મીડિયા પર રાજપાલ યાદવને આર્થિક મદદનો ભરોસો આપ્યો હતો. તેમણે લખ્યું હતું કે ક્યારેક જિંદગી અન્યાય કરે છે, પણ તે પ્રતિભાની ઉણપ નહીં પણ ખરાબ સમયને કારણે હોય છે. સોનુએ પોતાની ફિલ્મમાં રાજપાલને કામ આપવાની જાહેરાત કરતા કહ્યું કે, સાઈનિંગ અમાઉન્ટ આપવી એ કોઈ દાન નથી પરંતુ એક કલાકારનું સન્માન છે. જ્યારે આપણો પોતાનો કોઈ મુશ્કેલ સમયમાંથી પસાર થતો હોય, ત્યારે સમગ્ર ઇન્ડસ્ટ્રીએ સાથે મળીને તેને અહેસાસ કરાવવો જોઈએ કે તે એકલો નથી.

રાજપાલ યાદવના આ ખરાબ સમયમાં માત્ર સોનુ સૂદ જ નહીં, પરંતુ બોલીવુડના દિગ્ગજ સ્ટાર્સ પણ મદદે આવ્યા છે. અહેવાલો અનુસાર, સલમાન ખાન, અજય દેવગણ, વરુણ ધવન અને ડેવિડ ધવન જેવા કલાકારોએ તેમને આર્થિક સહાય પૂરી પાડી છે. આ ઉપરાંત ભોજપુરી અને પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોએ પણ મદદનો હાથ લંબાવ્યો છે. ફિલ્મ જગત તરફથી મળી રહેલા આ અભૂતપૂર્વ સમર્થન બદલ રાજપાલ યાદવની પત્નીએ તમામ કલાકારોનો આભાર વ્યક્ત કર્યો છે.