Sun Sep 13 2026

Logo

આટકોટ નિર્ભયા કેસના આરોપીને ફાંસી, 43મા દિવસે જ આવ્યો ન્યાય; હર્ષ સંઘવીએ કહી આ વાત...

2026-01-17 10:19:00
Author: Mayur Patel
આટકોટ નિર્ભયા કેસના આરોપીને ફાંસી, 43મા દિવસે જ આવ્યો ન્યાય; હર્ષ સંઘવીએ કહી આ વાત...

રાજકોટઃ રાજકોટ જિલ્લાના આટકોટ તાલુકામાં સાત વર્ષની બાળકી પર થયેલા દુષ્કર્મ કેસમાં આરોપીને કોર્ટે દોષિત ઠેરવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી 11 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી, ઘરપકડ બાદ 34 દિવસમાં કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો હતો અને હવે આજે કોર્ટે તેને 45મા દિવસે ફાંસીની સજા સંભળાવી હતી. આ ઉપરાંત કોર્ટે પીડિતાના પરિવારને 7 લાખ રૂપિયાના વળતરનો પણ આદેશ કર્યો હતો. ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આ વાતને આવકારી હતી.

હર્ષ સંઘવીએ શું લખ્યું

હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, ગુજરાત સરકારનો સ્પષ્ટ સંદેશ: અમારી દીકરીઓ પર હુમલો = જીવનનો અંત. નાયબ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી તરીકે હું સ્પષ્ટ કહું છું ગુજરાતમાં બાળકી અને મહિલાઓ સામેના ગુનાઓ માટે અમારી નીતિ એકદમ સ્પષ્ટ છે: Zero Tolerance. આટકોટ પોક્સો કેસમાં FIRથી લઈને સજા સુધીનો સમગ્ર પ્રક્રિયા માત્ર 40 દિવસમાં પૂર્ણ થયો. આ બતાવે છે કે ગુજરાતમાં ગુનેગારને હવે વર્ષો સુધી ન્યાયથી બચવાની તક મળતી નથી. આ માત્ર એક કેસ નથી, આ એક કડક સંદેશ છે. દીકરીઓ પર હાથ ઉઠાવનાર માટે દયા નથી, માત્ર કડક સજા છે. આ સફળ કાર્યવાહી બદલ હું રાજકોટ ગ્રામ્ય પોલીસ, સરકારના વકીલો અને સમગ્ર ન્યાયિક તંત્રને હાર્દિક અભિનંદન પાઠવું છું. તેમની ઝડપ, નિષ્ઠા અને વ્યાવસાયિકતા કારણે એક નિર્દોષ દીકરીને સમયસર ન્યાય મળ્યો. ગુજરાત સરકાર દરેક દીકરીની સુરક્ષા માટે અડગ રીતે પ્રતિબદ્ધ છે.


શું છે સમગ્ર ઘટના?

4 ડિસેમ્બર 2025ના રોજ જસદણના આટકોટમાં કાનપર ગામે એક શ્રમિક પરિવારની 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ થયું હતું, જેણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. આરોપી રેમસીંગ તેરસીંગે હેવાનિયતની હદ વટાવતા ઝાડ નીચે દુષ્કર્મ આચરી બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો ઘુસાડી દીધો હતો અને તેને ગંભીર ઇજા પહોંચાડી ક્રૂરતા આચરી હતી. બાળકીએ બૂમાબૂમ કરતાં ગંભીર હાલતમાં બાળકીને છોડીને આરોપી નાસી ગયો હતો. જો કે બાળકીને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવતા તેનો બચાવ થયો હતો.

ધારિયાથી પોલીસ પર કર્યો હતો હુમલો

આ ઘટના બાદ તા.08.12.2025ના રોજ આરોપી રેમસીંગ તેરસીંગને શંકાના આધારે ઝડપી લેવામાં આવ્યો હતો. નામદાર કોર્ટે 15 ડિસેમ્બર 2025ના સાંજે 5 વાગ્યા સુધી આરોપી રેમસીંગ તેરસીંગના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે બાદ ગુનામાં વપરાયેલા લોખંડના સળિયાને એકત્ર કરવા અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા આરોપીને સાથે રાખીને પોલીસ ખેતરમાં તેમજ આરોપીના ઘરે પહોંચી હતી. જ્યાં ઘરમાં રાખેલા ધારિયા વડે આરોપીએ પોલીસ પર હુમલો કર્યો હતો. જેના જવાબમાં પોલીસે આરોપી પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આરોપીને બંને પગે ઇજા થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે કરેલી કાર્યવાહીના પગલે આરોપીએ કણસતા અવાજે કહ્યું હતું કે, 'મારી ભૂલ થઈ ગઈ. હું ક્યારેય ગુજરાત સામે જોઈશ નહીં. હું કયારેય ગુજરાતમાં આવીશ નહીં.' 

11 દિવસમાં આરોપી સામે ચાર્જશીટ ફાઈલ

તપાસ કરનાર અધિકારીએ દુષ્કર્મ કેસની ગંભીરતાની નોંધ લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, મોબાઈલ ફોન જપ્ત કરી સી.ડી.આર. મેળવતા આરોપીની હાજરી કાનપર ગામમાં મળી આવી હતી. બનાવ સ્થળેથી લોખંડનો સળિયો પણ મળી આવ્યો હતો જેના પર બાળકીનું લોહી હતું તે પણ તપાસમાં પુરવાર થયું હતું. તે ઉપરાંત દુષ્કર્મના બનાવ સ્થળેથી માથાનો વાળ પણ મળી આવ્યો હતો જે આરોપી રેમસીંગ તેરસીંગનો હોવાનું ખૂલ્યું હતું.