અમદાવાદઃ રાજકોટના હિરાસર એરપોર્ટ પર બર્ડ હિટની ઘટના બની છે. રાજકોટથી દિલ્હી જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ સાથે ટેકઓફ દરમિયાન જ એક મોટી દુર્ઘટના બનતા રહી ગઇ. એર ઇન્ડિયાનું વિમાન ટેક ઓફ થતા જ અચાનક પક્ષી અથડાવાની (બર્ડ હિટ) ઘટના સામે આવી હતી. આ ઘટનાને પગલે વિમાનમાં તાત્કાલિક ટેક્નિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે પાયલોટે ભારે સતર્કતા દાખવીને ફ્લાઇટનું હિરાસર એરપોર્ટ પર જ ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું.
ફ્લાઇટના 124 જેટલા મુસાફરોનો આબાદ બચાવ
પ્રાપ્ત માહિતી મુજબ, એર ઇન્ડિયાની આ ફ્લાઇટમાં કુલ 124 જેટલા મુસાફરો સવાર હતા. વિમાન હવામાં ફંટાયું કે તુરંત જ પક્ષી એન્જિનના પંખા સાથે અથડાયું હતું, જેના કારણે એરલાઇન્સના પંખાની બ્લેડને મોટું નુકસાન પહોંચ્યું હતું. પક્ષી અથડાવાની સાથે જ પાયલોટને એન્જિનમાં ટેક્નિકલ ખામીની જાણ થઈ ગઈ હતી. સદનસીબે પાયલોટની સમયસૂચકતા અને કુશળતાના કારણે વિમાનને સુરક્ષિત રીતે રનવે પર પાછું ઉતારી લેવામાં આવ્યું હતું, જેથી મોટી હોનારત ટળી હતી અને તમામ 124 મુસાફરોનો આબાદ બચાવ થતાં એરપોર્ટ પ્રશાસને રાહતનો શ્વાસ લીધો હતો.
પ્રાથમિક તપાસમાં એર ઈન્ડિયાના વિમાનના પંખા (એન્જિન ફેન બ્લેડ) વિસ્તારમાં નુકસાન થયું હોવાની વિગતો સામે આવી છે. જોકે, તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત હોવાનું જણાવાયું છે, જેના કારણે મુસાફરો અને તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
ટેક્નિકલ ટીમ દ્વારા ફ્લાઇટનું રિપેરિંગ કામ શરૂ
આ ઘટના બાદ એર ઇન્ડિયાની ટેક્નિકલ ટીમ દ્વારા ફ્લાઇટનું રિપેરિંગ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. એરપોર્ટના સત્તાધીશોના જણાવ્યા અનુસાર, વિમાન સંપૂર્ણ રિપેર થઈ ગયા બાદ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન ની ખાસ ટીમ દ્વારા તેની બારીકાઈથી ચકાસણી અને તપાસ કરવામાં આવશે.
વૈકલ્પિક વ્યવસ્થા
DGCAની મંજૂરી બાદ એરક્રાફ્ટનું પ્રોપર ફ્લાઇટ ઇન્પેક્શન અને ટ્રાયલ લેવામાં આવશે, અને તમામ સેફ્ટી માપદંડો યોગ્ય જણાશે ત્યારબાદ જ આ વિમાનને ફરી આકાશમાં ઉડાન ભરવા માટેની લીલી ઝંડી આપવામાં આવશે. ત્યાં સુધી મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.