રાજકોટ: શહેરમાં એક ચોંકાવનારી ઘટના બહાર આવી છે, જેમાં કૌટુંબિક ભાભી સાથેના પ્રેમસંબંધમાં એક યુવાનને ભયંકર માર મારવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદની વિગતો અનુસાર, ફરિયાદી યુવાનને તેની કૌટુંબિક ભાભી રાધા (નામ બદલાવેલ છે) સાથે પાછલા કેટલાક સમયથી પ્રેમસંબંધ હતો. આ ગેરકાયદેસર સંબંધના કારણે ઘટનાના દિવસે ફરિયાદી યુવાન તેની ભાભી અંજુને છુપાઈને મળવા માટે તેના ઘરે ગયો હતો. જોકે, આ ગુપ્ત મુલાકાત વિશે પરિવારના અન્ય સભ્યોને અચાનક જાણ થઈ ગઈ હતી. ઘરમાં અચાનક પ્રેમીને જોઈને પરિવારના સભ્યોનો પિત્તો ગયો હતો અને તેઓએ પોતાનો સમાન ઈરાદો પાર પાડવા એકસંપ થઈને યુવાન પર હુમલો કરી દીધો હતો.
પોલીસ ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપ અનુસાર, ચાર શખ્સોએ ભેગા મળીને યુવાનની બેરહેમીથી ધોલાઈ કરી હતી. જેમાં રાધાના સાસરા આરોપી પૂંજાભાઈ વઘેરાએ ઉશ્કેરાઈ જઈને ફરિયાદીના માથાના ભાગે લોખંડના સળિયા વડે જોરદાર ફટકો માર્યો હતો, જેના કારણે યુવાનને માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું અને ગંભીર ઈજા પહોંચી હતી. આ ઉપરાંત, મહિલાના પતિ મુકેશ વઘેરાએ ફરિયાદીને ઢીકાપાટુનો બેફામ માર માર્યો હતો. જ્યારે અન્ય બે શખ્સો એટલે કે આરોપી કે જેમાં મહિલાની સાસુ અને નણંદે યુવાનને ગાલ પર ઉપરાછાપરી ફડાકા ઝીંકી દીધા હતા, જેથી તેને મોઢાના ભાગે મુંઢ ઈજાઓ થઈ હતી. આટલો માર માર્યા બાદ મહિલાના સસરા અને પતિએ યુવાનને ધમકી આપતા કહ્યું હતું કે, "જો હવે બીજી વાર અમારા ઘરે આવ્યો તો તને જાનથી મારી નાખીશું."
આ લોહિયાળ હુમલા બાદ ઈજાગ્રસ્ત યુવાને પોલીસનો સંપર્ક સાધીને તમામ આરોપીઓ સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. રાજકોટ પોલીસે આ બાબતે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસે નવી ભારતીય ન્યાય સંહિતા-2023 (BNS) ની કલમ 115(2), 118(1), 351(3) અને 3(5) હેઠળ ગુનો નોંધ્યો છે.