Sun Sep 06 2026

Logo

જુનિયરનું ‘રૅગિંગ’ કરવા પ્રકરણે પુણેની લૉ કૉલેજના પાંચ વિદ્યાર્થી વિરુદ્ધ ગુનો

2026-04-27 20:11:52
Author: યોગેશ સી પટેલ
જુનિયરનું ‘રૅગિંગ’ કરવા પ્રકરણે પુણેની લૉ કૉલેજના પાંચ વિદ્યાર્થી વિરુદ્ધ ગુનો

પુણે: જુનિયર વિદ્યાર્થીનું કથિત રૅગિંગ કરવા પ્રકરણે પોલીસે પુણેની પ્રતિષ્ઠિત લૉ કૉલેજના પાંચ વિદ્યાર્થી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. વિદ્યાર્થીએ આ મામલે કૉલેજ પ્રશાસનને ફરિયાદ કર્યાના લગભગ વર્ષ બાદ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ ડેક્કન પોલીસ સ્ટેશનમાં મહારાષ્ટ્ર પ્રોહિબિશન ઑફ રૅગિંગ ઍક્ટ હેઠળ વિદ્યાર્થીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો. આ મામલે કૉલેજ દ્વારા શરૂઆતમાં તપાસ કરાઈ હતી, પરંતુ ફરિયાદીને તેનાથી સંતોષ નહોતો. તે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)ની એન્ટિ-રૅગિંગ યંત્રણા મારફત ફરિયાદ આગળ લઈ ગયો હતો અને કયાં પગલાં લેવાયાં તેની સતત તપાસ કરતો હતો.

ફરિયાદી એલએલબીનો પ્રથમ વર્ષનો વિદ્યાર્થી હતો ત્યારથી હોસ્ટેલમાં તેને કથિત માનસિક ત્રાસ આપીને રૅગિંગ કરવામાં આવતું હતું. આરોપીઓ ફરિયાદી કરતાં એક વર્ષ સિનિયર હતા, એવું ફરિયાદમાં જણાવાયું હતું.ફરિયાદ અનુસાર હોસ્ટેલ પરિસરમાં સિગારેટ ફૂંકવાની સામે વાંધો ઉઠાવ્યો ત્યારથી ફરિયાદીની સાતમણી કરાતી હતી. તેને ગાળાગાળી કરવામાં આવતી, તેની રૂમનો દરવાજો બહારથી લૉક કરી દેવાતો, દરવાજા પર ઈંડાં ફેંકવામાં આવતાં અને ગુટકા ખાઈને બહાર થૂંકવામાં આવતું હતું.

ફરિયાદીએ દાવો કર્યો હતો કે રાતના સમયે ત્રાસ આપતા માટે મોટા અવાજે મ્યુઝિક વગાડવામાં આવતું હતું. અમુક વખત તેને વૉશરૂમમાં અને હોસ્ટેલમાં હરવાફરવાથી રોકવામાં આવતો હતો. તે એકલો પડી ગયો હતો, જેને કારણે માનસિક તાણમાં આવી ગયો હતો. આની અસર તેના ભણતર પર પણ થઈ હતી.કૉલેજ પ્રશાસને કહ્યું હતું કે આ મામલો 2024નો છે અને હોસ્ટેલના રહેવાસીઓમાં વિખવાદથી ઉદ્ભવ્યો હતો. સંસ્થાએ ફરિયાદ મળ્યા પછી જરૂરી પગલાં લીધાં હતાં, જેનો વિગતવાર અહેવાલ યુજીસીને સોંપાયો હતો.

કૉલેજની એન્ટિ-રૅગિંગ કમિટીએ તપાસ કરી હતી, પરંતુ પ્રથમદર્શી રૅગિંગના કોઈ પુરાવા મળ્યા નહોતા. કોઈ નક્કર પુરાવા હોત તો તુરંત શિસ્તભંગનાં પગલાં લેવામાં આવ્યાં હોત, એવું પ્રશાસને કહ્યું હતું. (પીટીઆઈ)

વધુ જુઓ...