Sun Mar 08 2026

Logo

કોસ્ટલ રોડ પાર્કની ખુલ્લી જગ્યા અને મહાલક્ષ્મી રેસકોર્સના રીડેવલપમેન્ટ સામે  વિરોધ

1 week ago
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ  કોસ્ટલ રોડ પ્રોજેક્ટમાં ખુલ્લી રહેલી જગ્યાનો પુનર્વિકાસ અને મહાલક્ષ્મી રેસકોર્સ પર સેન્ટ્રલ પાર્ક બનાવવાના માસ્ટર પ્લાન સામે મુંબઈ આર્કિટેક્ટસ કલેક્ટિવ (એમસીએ)ના લગભગ ૧૧૯ સભ્યએ  મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિત મુંબઈ મહાનગરપાલિકા કમિશનર ભૂષણ ગગરાણીને  પત્ર લખી વિરોધ નોંધાવ્યો હોવાનું જાણવા મળ્યું  છે.
 
મળેલ માહિતી મુજબ એમસીએ દ્વારા લખવામાં આવેલા પત્રમાં તેઓએ આ રિડેવલપમેન્ટ સામે ચેતવણી આપી છે કે ૨૯૮ એકરના પ્રોજેક્ટના ખર્ચમાં વધારો, પર્યાવરણીય નુકસાન, નબળી જમીન સહિત અનેક જોખમ આ પ્રોજેક્ટમાં છે.

મુંબઈ આર્કિટેક્ટસ કલેક્ટિવમાં શહેરના અનેક નામાંકિત આર્કિટેક્ટનો સમાવેશ થાય છે.  મુંબઈ આર્કિટેક્ટસ કલેક્ટિવ દ્વારા ૧૯ ફેબ્રુઆરીના પત્ર લખીને ચેતવણી આપી હતી કે મુંબઈની ખુલ્લી જગ્યામાં  અંડરગ્રાઉન્ડ ક્ધસ્ટ્રકશન કરવાથી આ જગ્યાને કાયમી ધોરણે નુકસાન થઈ શકે છે.
 
એ બાદ ૨૨ ફેબ્રુઆરીએ દક્ષિણ મુંબઈ રેસિડન્ટ અસોસિએશન સાથે થયેલા સંવાદ દરમ્યાન પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ પ્રેઝેન્ટેશન રજૂ કરીને કોસ્ટલ રોડની ખુલ્લી જગ્યા અને મહાલક્ષ્મી પ્રોજેક્ટ બાબતે માહિતી આપી હતી. આ પ્રેઝેન્ટેશન બાદ મુંબઈ આર્કિટેક્ટસ કલેક્ટિવ દ્વારા ફરી એક વખત ચેતવણી આપવામાં આવી હતી કે તેમની આ પ્રોજેક્ટને લઈને ચિંતા ટેક્નિકલ અને પર્યાવરણીય તથા નાણાકીય તથા મુંબઈની લાંબા ગાળાની સલામતીને લઈને છે.

એમસીએ તેમના પત્ર દ્વારા ચેતવણી આપી હતી કે રેસકોર્સ ફક્ત ખાલી જમીન નથી પણ એક મહત્ત્વપૂર્ણ કુદરતી જમીન છે, જે વરસાદી પાણીને શોષી લે છે, ભૂગર્ભજળને રિચાર્જ કરે અને ગરમીને નિયંત્રિત કરે છે. કોસ્ટલ રોડના ઓપન સ્પેસમાં બાંધવામાં આવનારા ત્રિસ્તરીય અંડરગ્રાઉન્ડ બેસમેન્ટ (પાર્કિંગ)મુંબઈની ‘સ્પોન્જ સિટી’ની ક્ષમતાને ભારે નુકસાન પહોંચાડશે. ચોમાસામાં પાણીના વહેણને વધુ ખરાબ કરશે.અંડરગ્રાઉન્ડ બેસમેન્ટ અને  સેન્ટ્રલ પાર્કથી લાંબા ગાળે પર્યાવરણીય જોખમ ઊભું થશે એવી ચેતવણી પણ આપવામાં આવી છે.

એમસીએ પાલિકાના અધિકારીઓ પાસેથી  પત્ર પર ૧૪ દિવસની અંદર દરેક મુદ્દા પર લેખિત જવાબ માગ્યો છે. તેમ જ ટેક્નિકલ ચર્ચાની પણ તેમણે વિનંતી કરી છે અને રાજ્ય સરકાર, પાલિકા તથા એમસીએ સાથે એક સંયુક્ત બેઠક યોજવાની માગણી પણ તેઓએ પત્રમાં કરી હોવાનું કહેવાય છે.

નોંધનીય છે કે ગયા અઠવાડિયામાં દક્ષિણ મુંબઈમાં  પાલિકા કમિશનરે એક પ્રેઝન્ટેશન રજૂ કરીને જણાવ્યું હતું કે મુંબઈમાં હરિયાળીનું પ્રમાણ ઘટી રહ્યું છે તેથી તેની સરભર કરવા માટે કોસ્ટલ રોડની બાજુમાં આવેલી ૭૦ હેકટર ખુલ્લી જગ્યાને એક વિસ્તૃત ગ્રીન કોરિડોરમાં રૂપાંતરિત કરવામાં આવશે.તેમ જ ૧૧૨ એકરના મહાલક્ષ્મી રેસકોર્સને પણ પબ્લિક બોટેનિકલ ગાર્ડનમાં રૂપાંતરિત કરવાનો પ્રસ્તાવ મૂકયો હતો.