- નજમુદ્દીન મેઘાણી (એડવોકેટ)
હાલ જમીન મિલકતને લગતા ઘણા વાદવિવાદો વધી રહ્યા છે તેથી કોર્ટ રૂબરૂ દાવાદુવીના તેમ જ ફોજદારી પ્રકરણો પણ વધ્યા છે. આવા સંજોગોમાં જે વ્યક્તિ જમીન મિલકતને લગતા વ્યવસાય યા કામકાજ સાથે સંકળાયેલ હોય તે આવી તકરારો થાય તો તેના અનુસંધાને એવું માની બેસે છે કે જયારે જમીનમિલકત અંગે કોર્ટ સમક્ષ સિવિલ દાવાઓ કરનાર હોય યા ચાલી રહેલ હોય તો તેવા સંજોગોમાં તેવી જમીન મિલકતના માલિકી હકક વિવાદિત છે અને તેવી જમીનમિલકતના માલિકધારણકર્તા તેને વેચાણ ટ્રાન્સફર-તબદીલ કરી શકતા નથી, તેમ છતાં જો કોઇ વેચાણ તબદીલી થશે તો તે ફોજદારી ગુન્હો બનશે, પરંતુ મિલકતને લગતા સિવિલ કોર્ટમાં કેસ ચાલુ હોય તો હંમેશાં તેવી મિલકત વેચાણ કે અન્ય રીતે ટ્રાન્સફર થઇ શકે નહીં તેવું હોતું નથી અને સિવિલ કોર્ટમાં કેસ ચાલુ હોય અને તેવી મિલકત વેચાણ કે અન્ય રીતે ટ્રાન્સફર કરવામાં આવે તો તે ફોજદારી ગુન્હો બનતો નથી.
જ્યારે કોઇ વ્યક્તિ મિલકતને પોતાની ગણાવીને દસ્તાવેજ કરી આપે છે ત્યારે તે પોતે કોઇ અન્ય વ્યકિત હોવાની રજૂઆત કરતો નથી કે ન તો તે એવો દાવો કરી રહ્યો હોય છે કે તેને અન્ય કોઇ વ્યક્તિ દ્વારા સત્તા આપવામાં આવેલ છે અને તેથી આવો દસ્તાવેજ કરી આપવાનું કાર્ય કાયદાની જોગવાઇ મુજબ ખોટો દસ્તાવેજ કરી આપ્યો છે તેમ કહી શકાય નહીં. તે માત્ર એવા કારણસર કે, માલિકીહકકનો દાવો વિવાદિત છે અને હાલમાં કોર્ટમાં ચાલે છે, શું કોઇ વ્યક્તિ ચોક્કસ મિલકતમાં હિસ્સો ધરાવે કે છે કેમ તે સિવિલ કોર્ટના ન્યાય નિર્ણયની બાબત છે, સિવિલ કોર્ટમાં માલિકીહકક માટેનો દાવો પેન્ડિંગ-ચાલુ હોય છતાં તે વ્યક્તિ સિવિલ કોર્ટના પરિણામને આધીન તેવી મિલકતનો વહેવાર કરે તો તેવો વહેવાર બનાવટ/છેતરપીંડી સાથે સરખાવી શકાય નહીં.
જ્યારે મિલકતના ટાઇટલ વિવાદિત હોય ત્યારે તે ટાઇટલમાં વિવાદ કરનારને જે હકક, હિસ્સો જે પ્રમાણે પ્રાપ્ત થવાની શકયતા હોવાના આધારે વેચાણ વ્યવહાર કરે છે, નહીં કે કોઇ અન્ય વ્યક્તિનું નામ ધારણ કરી અને અન્યની જમીનનો વેચાણ વ્યવહાર કરે છે.
જો મિલકતના માલિક કોઇ અન્ય ચાલી આવેલ હોવાની હકીકત જાણવા છતાં અને પોતે તે વ્યક્તિ નથી તે હકીકત જાણવા છતાં મિલકતના માલિકનું નામ ધારણ કરી અને ખરીદનારને ખોટી રજૂઆત કરી કે મિલકત જેના નામે ચાલે છે તે વ્યક્તિ હોવાની રજૂઆત કરી વેચાણ વ્યવહાર કરે તો તેવા સંજોગોમાં તેવા વેચાણ વ્યવહારને બનાવટી/છેતરપિંડી કરી કહી શકાય.
વડીલોપાર્જિત મિલકતને સંબંધિત વિવાદમાં સંખ્યાબંધ ફોજદારી ફરિયાદો દાખલ કરવામાં આવી હતી, કે જે પૈકીની એક બનાવટી દસ્તાવેજો ઊભાં કરવાને એટલે કે છેતરપિંડીને સંબંધિત હતી અને તે અંગે નામદાર ગુજરાત હાઇ કોર્ટે ઠરાવ્યું હતું કે, મિલકત પરત્વે ટાઇટલ ધરાવતાં નહોતાં તેમના દ્વારા કરવામાં આવેલ લેખ-કરાર-દસ્તાવેજ અન્વયેનો વિવાદ દીવાની દાવા છેતરપિંડીમાં પરિણમ્યાં હતાં.
હાલના એક કેસમાં માનનીય સુપ્રીમ કોર્ટે નોંધેલ છે કે, જ્યારે કોઇ વ્યક્તિ મિલકતને પોતાની ગણાવીને દસ્તાવેજ કરી આપે છે ત્યારે તે પોતે કોઇ અન્ય વ્યકિત હોવાની રજૂઆત કરતો નથી કે ન તો તે એવો દાવો કરી રહ્યો હોય છે કે તેને અન્ય કોઇ વ્યક્તિ દ્વારા અધિકૃત કરવામાં આવેલ છે, અને તેથી આવો દસ્તાવેજ કરી આપવાનું કૃત્ય કાયદાની જોગવાઇ ખોટો દસ્તાવેજ કરી આપવામાં પરિણમતું નથી. તે માત્ર એવા કારણસર કે, ટાઇટલનો દાવો વિવાદીત છે અથવા બિનચાલવાપાત્ર છે, શું કોઇ વ્યક્તિ ચોક્કસ મિલકતમાં હિસ્સો ધરાવે કે છે કેમ તે દીવાની કોર્ટના ન્યાયનિર્ણયની બાબત છે, તેથી ટાઇટલના વિવાદી હક્કદાવાને છેતરપિંડી સાથે સરખાવી શકાય નહીં.
(સંદર્ભ - ભીખુભાઇ ગોવિંદભાઇ પટેલ અને બીજાઓ વિ. ગુજરાત - રાજ્ય - માનનીય સુપ્રીમ કોર્ટ)