Sun Sep 13 2026

Logo

ગુજરાતના આ સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની તૈયારી, 60 હજાર કર્મચારીઓને થશે ફાયદો

2026-07-15 10:28:00
Author: Mayur Patel
ગુજરાતના આ સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની તૈયારી, 60 હજાર કર્મચારીઓને થશે ફાયદો

અમદાવાદઃ ગુજરાતમાં 2005 પહેલાના બાકી રહી ગયેલા સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની તૈયારી થઈ રહી છે. જેનાથી 60 હજાર કર્મચારીઓને ફાયદો થશે. પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડ નિયામક કચેરીએ વિભાગો પાસેથી માહિતી મગાવી છે.

કોને લાભ મળશે?

જે કર્મચારીઓની ભરતીની પ્રક્રિયા કે જાહેરાત 1 એપ્રિલ, 2005 પહેલાં થઈ ગઈ હતી, પરંતુ કોઈ સરકારી વિલંબ અથવા કોર્ટ કેસના કારણે તેમની નોકરીની શરૂઆત 2005 પછી થઈ હોય, તેમને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે. આમાં સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરનારા, વહીવટી કારણોસર મોડા જોડાયેલા અને ફિક્સ પગાર બાદ નિયમિત થયેલા ચોક્કસ કર્મચારીઓનો સમાવેશ થાય છે.

કોને લાભ નહીં મળે?

જે કર્મચારીઓની ભરતી પ્રક્રિયા જ 1 એપ્રિલ, 2005 પછી શરૂ થઈ હોય, તેમને આ લાભ મળશે નહીં.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કર્મચારીઓની માહિતી મંગાવવામાં આવી છે. સરકારે તમામ વિભાગોને પાત્ર કર્મચારીઓની યાદી તાત્કાલિક તૈયાર કરવા કહ્યું છે. પેન્શન નિયામક કચેરી દ્વારા કર્મચારીઓના PRAN/PPAN નંબર, GPF ખાતાની વિગતો અને નિવૃત્તિની માહિતીની કડક ચકાસણી કરવામાં આવશે.

આ સમગ્ર કામગીરીને અર્જન્ટ કેટેગરીમાં રાખવામાં આવી છે, જેથી લાયક કર્મચારીઓને સમયસર જૂની પેન્શનનો લાભ આપી શકાય. ટૂંકમાં કહીએ તો વર્ષ 2005 પહેલાં ભરતી પ્રક્રિયામાં પાસ થયેલા પણ વહીવટી કારણોસર મોડા નોકરીએ લાગેલા કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના મેળવવાનો રસ્તો હવે સાફ થઈ ગયો છે.