કોલંબોઃ અહીં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાતી બીજી અને અંતિમ ટેસ્ટમાં મૅચ રેફરીનું કામ ક્રિકેટ સિવાયના અન્ય કારણ બાબતમાં વધી ગયું છે, કારણકે આ ટેસ્ટમાં તેમણે ખેલાડીઓને ઠપકો આપવો પડ્યો હોય કે દંડ કર્યો હોય એવો બીજો બનાવ બન્યો છે અને તેમણે કુલ ત્રણ ખેલાડી સામે પગલાં ભરવા પડ્યા છે જેમાં શ્રીલંકાના સ્પિનર પ્રભાત જયસૂર્યાનો કિસ્સો લેટેસ્ટ છે.
જયસૂર્યા (PRABHAT JAYASURIYA)ને સોમવારના બીજા દિવસે સ્પિનર માનવ સુથારના બૉલમાં અમ્પાયરે એલબીડબ્લ્યૂની અપીલમાં આઉટ આપ્યા બાદ પાછા જતી વખતે જયસૂર્યાએ બૅટ બાઉન્ડરી લાઇન પર ફટકારીને એને નુકસાન પહોંચાડ્યું હતું તેમ જ ડ્રેસિંગ રૂમમાં જઈને ગ્લવ્ઝ (Gloves) ફેંકીને ગુસ્સો કાઢ્યો હતો.
મૅચ રેફરી ઍન્ડી પાયક્રોફ્ટે આઇસીસીની આચારસંહિતાની કલમ 2.2 અનુસાર જોરદાર ઠપકો આપ્યો હતો. છેલ્લા 24 મહિનામાં તેની આ પહેલી હરકત હતી એટલે માત્ર ઠપકો આપીને છોડી દેવામાં આવ્યો છે.
માંજરેકરે શ્રીલંકનોને વખોડ્યા
શ્રીલંકાએ સોમવારના બીજા દિવસના અંત સુધીમાં બે વિકેટે આઠ રન કર્યા હતા. બન્યું એવું કે શ્રીલંકાના બંને બૅટ્સમેનની બૅડ લાઈટનું કારણ આપીને રમત ચાલુ રાખવાની ઈચ્છા નહોતી. માંજરેકરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે `સૂર્યનો પ્રકાશ રમવા માટે પૂરતો હતો અને બૉલ પણ બરાબર દેખાતો હતો એટલે અમ્પાયરે રમત ચાલુ રાખી હતી અને તેમની સાથે દલીલ કરવામાં જ શ્રીલંકાના બન્ને બૅટ્સમેનોએ રમવા પરથી એકાગ્રતા ગુમાવી હતી અને થોડી જ વારમાં સ્પિનર માનવ સુથારે પ્રભાત જયસૂર્યાની એલબીડબલ્યૂમાં વિકેટ લીધી હતી. સામાન્ય રીતે બૅડ લાઈટના કિસ્સામાં ખુદ અમ્પાયર જ બૅટ્સમેનોને વિકલ્પ આપતા હોય છે કે રમત ચાલુ રાખવી કે નથી રાખવી? કોલંબો ટેસ્ટના કિસ્સામાં પ્રકાશ નબળો નહોતો એટલે અમ્પાયરે રમત ચાલુ રાખી હતી.'
શ્રીલંકનોએ પોતે જ એકાગ્રતા ગુમાવી
બેમાંથી એક અમ્પાયર અહેસાન રઝા પાકિસ્તાનના અને બીજા અમ્પાયર સરફુદૌલા બાંગ્લાદેશના હતા. માંજરકરે મુલાકાતમાં કહ્યું છે કે `શ્રીલંકાના બૅટ્સમેનોએ પોતે જ રમત પરથી ફૉકસ ગુમાવ્યું હતું અને એવામાં નાઈટ વૉચમૅન પ્રભાત જયસૂર્યા વિકેટ ગુમાવી બેઠો હતો. સ્પિનર માનવ સુથાર તેના બેસ્ટ ફોર્મમાં છે જેણે જયસૂર્યાને જાળમાં ફસાવીને આઉટ કરી દીધો હતો'
સોમવારે પાયક્રોફ્ટે રવિવારની રમત દરમ્યાન ગુસ્સામાં સામસામે આવી ગયેલા યશસ્વી જયસ્વાલ અને અસિથા ફર્નાન્ડોને પચીસ-પચીસ ટકા મૅચ ફીનો દંડ ફટકાર્યો હતો.