નવી દિલ્હીઃ 80મા સ્વતંત્રતા પર્વ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી લાલ રંગની બાંધણી પેટર્નની રાજસ્થાની-ગુજરાતી પાઘડી પહેરી હતી. સફેદ કુર્તા અને ચોકલેટ બ્રાઉન જેકેટ સાથે તેમની લાલ રંગની ટાઈ-એન્ડ-ડાઈ બાંધણી પાઘડીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ પાઘડીમાં ભારતીય સંસ્કૃતિ અને વિવિધતાની સુંદર ઝલક જોવા મળી હતી. ખાસ વાત એ છે કે સ્વતંત્રતા દિવસે પીએમ મોદીની પાઘડી હવે તેમના પહેરવેશની એક અલગ ઓળખ બની ગઈ છે, જેમાં દર વર્ષે દેશના જુદા-જુદા ભાગોની પારંપરિક કળા અને રંગો જોવા મળે છે.

2025: પીએમ મોદીએ ભગવા રંગની પાઘડી પહેરી હતી. આ સાથે તેમનું જેકેટ પણ ભગવા રંગનું હતું અને તેમના પોશાકમાં તિરંગાની પ્રિન્ટ પણ સામેલ હતી.

2024: પીએમ મોદીએ બે રંગની પાઘડી પહેરી હતી, જેમાં ભગવાની સાથે લીલો રંગ પણ હતો. આ સાથે તેમણે વાદળી રંગનું જેકેટ પહેર્યું હતું. તેમનો આ લુક પણ ખૂબ ચર્ચામાં રહ્યો હતો.

2023: વડા પ્રધાન મોદીએ બાંધણી પ્રિન્ટવાળી રાજસ્થાની પાઘડી પહેરી હતી, જેમાં ઘણા રંગો હતા. લાલ, પીળા, લીલા અને જાંબલી રંગની આ પાઘડી સાથે તેમણે કાળા રંગનું જેકેટ પહેર્યું હતું.

2022: વડા પ્રધાન વાદળી રંગના જેકેટ અને તિરંગા પ્રિન્ટવાળી પાઘડીમાં જોવા મળ્યા હતા. તેમણે આ પાઘડીને એક અલગ અંદાજમાં બાંધી હતી અને તેમની આ શૈલી પણ ચર્ચામાં રહી હતી.

2021: પીએમ મોદીની પાઘડી કેસરી અને લાલ રંગની પેટર્નમાં હતી. આ વર્ષે તેમણે આછા વાદળી રંગનું જેકેટ પહેર્યું હતું. લાંબી દાઢીવાળો તેમનો આ લુક ઘણો ચર્ચાસ્પદ રહ્યો હતો.

2020: પીએમ મોદીએ કેસરી રંગની પાઘડી પહેરી હતી, જેમાં ક્રીમ રંગની પ્રિન્ટ પણ હતી. આ સાથે તેમણે ક્રીમ રંગનું જેકેટ પણ પહેર્યું હતું.

2019: પીએમ મોદીએ ઝીણી ભરતકામવાળી રાજસ્થાની પાઘડી પહેરી હતી. તેમાં લાલ, પીળા અને લીલા રંગો હતા.

2018: પીએમ મોદીની પાઘડી ભગવા રંગની હતી. આ રંગ સાહસનું પ્રતીક ગણાય છે.

2017: પીએમ મોદીએ ક્રીમ રંગના જેકેટ સાથે લાલ રંગની પાઘડી પહેરી હતી.

2016: ગુલાબી અને પીળા રંગની ટાઈ-ડાઈ પાઘડી પહેરી હતી. આ પાઘડીની ખાસિયત તેની અનોખી ડિઝાઇન હતી, જેમાં અનેક રંગોનું મિશ્રણ જોવા મળ્યું હતું.

2015: પીએમ મોદીએ ક્રિસ-ક્રોસ રાજસ્થાની શૈલીની પાઘડી પહેરી હતી. તેમાં પીળા રંગની સાથે લાલ અને ઘેરા લીલા રંગના શેડ્સ સામેલ હતા.

2014: નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે પોતાના પ્રથમ સ્વતંત્રતા દિવસે પારંપરિક રાજસ્થાની બાંધણી પાઘડી પહેરી હતી.
