Mon Jul 27 2026

Logo

હવે આટલો હશે પીએમ નરેન્દ્ર મોદીજીનો કોન્વોય, જાણીને તમારી આંખો પણ પહોળી થઈ જશે...

2026-05-13 17:42:59
Author: Darshana Visaria
Article Image

હાલમાં મિડલ ઈસ્ટમાં ચાલી સર્જાયેલાં ભૌગોલિક-રાજકીય તણાવ અને વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલની સપ્લાય ચેઈનમાં આવેલા અવરોધને ધ્યાનમાં રાખીને ભારત સરકારે આર્થિક મોરચે 'યુદ્ધના ધોરણે' તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ કટોકટીનો સામનો કરવા માટે માત્ર જનતાને શિખામણ આપવાને બદલે 'લીડ બાય એક્ઝામ્પલ' એટલે કે પોતે જ પહેલ કરીને કરકસરના માર્ગે ચાલવાનું શરૂ કર્યું છે. પીએમ મોદીજીએ પોતાના કોન્વોયમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે, ચાલો જાણીએ આખરે પીએમ મોદીજીના કાફલામાં કેટલી કાર હોય છે અને તેમણે તેમાં કેટલો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે... 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીની સુરક્ષા એ અત્યંત સંવેદનશીલ વિષય હોવા છતાં, પીએમ મોદીએ દેશના હિતમાં પોતાની સુરક્ષામાં તૈનાત સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એટલે કે એસપીજીને આદેશ આપીને કાફલામાં મોટો ફેરફાર કરાવ્યો છે. વડા પ્રધાન મોદીજીના કાફલામાં સામાન્ય રીતે સુરક્ષાના વિવિધ સ્તરો માટે મોટી સંખ્યામાં વાહનો હોય છે, જેને હવે ઘટાડીને અડધો એટલે કે 50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યા છે.

પીએમ મોદીજીએ સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે હવેથી કાફલામાં નવા પેટ્રોલ-ડીઝલ વાહનો ખરીદવાને બદલે ઉપલબ્ધ ઇલેક્ટ્રિક ગાડીઓનો જ ઉપયોગ કરવામાં આવે. આ ફેરફાર માત્ર કાગળ પર નથી, પરંતુ ગુજરાત અને અસમની તેમની તાજેતરની મુલાકાતોમાં પીએમ મોદી ઓછા વાહનો સાથે જોવા મળ્યા હતા, જે તેમની ગંભીરતા દર્શાવે છે.

વડા પ્રધાનના આ પગલાથી પ્રેરિત થઈને હવે સમગ્ર કેન્દ્રીય મંત્રાલય અને સરકારી વિભાગો પણ પોતાના ખર્ચ પર કાપ મૂકવાની તૈયારી કરી રહ્યા છે. અધિકારીઓને ઓફિસ આવવા-જવા માટે મેટ્રો ટ્રેનનો ઉપયોગ કરવા અને એક જ વિસ્તારમાં રહેતા કર્મચારીઓને 'કાર પૂલિંગ' (એક જ ગાડીમાં સાથે આવવું) કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત પીએમ મોદીજીએ મુસાફરી પાછળ થતાં ઈંધણના ખર્ચને બચાવવા માટે હવે ભૌતિક બેઠકોને બદલે ઓનલાઈન મીટિંગ્સને પ્રાધાન્ય આપવામાં આવશે. મધ્ય પ્રદેશના પ્રધાન વિશ્વાસ સારંગે પોતાનો ગાડીઓનો કાફલો છોડીને માત્ર એક જ ગાડીમાં સચિવાલય જવાનું શરૂ કરીને આ અભિયાનમાં જોડાયા છે.

હૈદરાબાદમાં આપેલા પોતાના ઐતિહાસિક સંબોધનમાં પીએમ મોદીએ દેશવાસીઓને આર્થિક લડાઈમાં 'સૈનિક' બનવા હાકલ કરી છે. ભારત દર વર્ષે અબજો ડોલરનું સોનું આયાત કરે છે. પીએમએ અપીલ કરી છે કે એક વર્ષ સુધી નવું સોનું ન ખરીદવું, જેથી વિદેશી હૂંડિયામણ દેશમાં જ રહે. 

તેલના ભાવ વૈશ્વિક સ્તરે વધી રહ્યા છે, તેથી પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડીને દેશના આર્થિક ભંડાર પરનું દબાણ ઓછું કરવા જણાવ્યું છે. આયાત પરની નિર્ભરતા ઘટાડવા ખાદ્ય તેલનો વપરાશ ઘટાડવા અને ખેડૂતોને કેમિકલયુક્ત ખાતરનો વપરાશ પચાસ ટકા સુધી ઘટાડી પ્રાકૃતિક ખેતી તરફ વળવા વિનંતી કરી છે.

નિષ્ણાતોના મતે, જો સરકાર અને જનતા સાથે મળીને ઈંધણ અને સોનાની આયાતમાં ઘટાડો કરે, તો ભારતની ચાલુ ખાતાની ખાધ (CAD)માં મોટો ઘટાડો થઈ શકે છે. આનાથી ભારતીય રૂપિયો મજબૂત બનશે અને મોંઘવારીને નિયંત્રિત કરવામાં મદદ મળશે.